ભાયાવદર પાલિકાની સામાન્ય સભાના એજન્ડાનો સભ્યો દ્વારા વિરોધ

ભાયાવદર નગરપાલિકાની તાજેતરમાં સામાન્ય સભામાં બહાર પાડવામા આવેલ એજન્ડાના અમુકા મુદ્દાઓમાં નગરપાલિકા સભ્યોએ વિરોધ નોંધાવી સુચનો કર્યા છે.

અલગ અલગ એજન્ડા જેમાં એજન્ડા-5માં અગાઉની સામાન્ય સભામાં થયેલ મૌખિક ચર્ચા મુજબ નગરપાલિકા દ્વારા આજદિન સુધી શહેરના વેપારીઓ તથા આગેવાનોની મિટિંગ બોલાવી આ બાબતે ચર્ચા કરેલ નથી.

એજન્ડા-6માં સરકાર દ્વારા કયાં કયાં વર્ગ માટે રૂબરૂ મુલાકાત રદ કરવામાં આવેલ છે તેવો કોઇ ઉલ્લેખ કરેલ નથી. આ બાબતે સરકારના નિયમ મુજબ કાર્યવાહી કરવા કરાયુ છે.

એજન્ડા-14માં કરદાતાઓને રિબેટ આપવા અને વ્યાજ વસૂલ કરવા બાબતે અગાઉ કરવામાં આવેલ ઠરાવની જોગવાઇઓ બરાબર હોય ઠરાવ સુધારા બાબતે વિરોધ નોંધાવ્યો છે.એજન્ડા-16માં અગાઉ ફીટીંગ કરવામાં આવેલ સી.સી.ટીવી. કમેરા રિપેરિંગ કરવા માટે કોઇ પણ જાતની પ્રોસીઝર વિના રિપેરિંગ કરાવી લેવામાં આવેલ હોય અને ત્યારબાદ તેનું ખર્ચ મંજૂર કરવા સામાન્ય સભામાં રજૂ થયેલ હોય તથા અગાઉ પણ નવા સી.સી.ટીવી કેમેરા ફીટીંગ કરવા માટે પ લાખ કરતાં વધારે ખર્ચ થયું હોવા છતાં ઓફલાઇન ભાવો માગીને નિયમો નેવે મૂકીને કામગીરી કરવામાં આવેલ હોય આ બાબતે પણ વિરોધ નોંધાવ્યો છે.

એજન્ડા-19માં ફી બાબતે કોઇ સ્પષ્ટતા કરવામાં આવેલ ન હોય તથા પ્રજા પર વધારાનો કરવેરો નાખવાની વાત હોય આ બાબતે વિરોધ નોંધાવ્યો છે.

એજન્ડા-21માં જણાવેલ વિસ્તાર ઉપરાંત શહેરના લોકોને રોજ શાકમાર્કેટ જવાનુ થતું હોય શાકમાર્કેટ વિસ્તારને સી.સી. રોડ કરવા માટે ઉમેરવા માટે રજૂઆત કરી છે.

આ ઉપરાંત એજન્ડા-22માં ઉલ્લેખ કરવામાં આવેલ જમીન સરકાર દ્વારા નગરપાલિકાને ઘન કચરા નિકાલ માટે ફાળવેલ નથી તથા ઉલ્લેખ થયેલ જમીન ગૌચરમાં આવતી હોય આરક્ષણ કરી શકાઇ નહીં તેથી ઉપરોકત તમામ મુદ્દે ન.પા.ના સભ્યોએ વિરોધ નોંધાવ્યો છે.

જેમાં દીપકભાઇ કાલરીયા, ઇલાબેન રામાણી, જ્ઞાનબા ચુડાસમા, બાવનજીભાઇ ખાંભલા, ભાવીકાબેન ફળદુ, અમૃતબેન મકવાણા, હીનાબા ચુડાસમા વગેરે જોડાયાં છે.