Abtak Media Google News

વુમન એમ્પાવરમેન્ટ ક્યારે?

હાઇકોર્ટનો શકવર્તી ચુકાદો: સ્ત્રીઓને ગુલામીપણા તરફ ધકેલી દેશે?

 

 

અબતક, બિલાસપુર

છત્તીસગઢ હાઇકોર્ટે એક મહત્વના ચૂકાદામાં કહ્યું છે કે પતિએ પત્ની સાથે કરેલા બળજબરીપૂર્વક બાંધેલો શારીરિક સંબંધ પણ બળાત્કારની શ્રેણીમાં આવશે નહીં. કોર્ટે એક કેસની સુનાવણી દરમિયાન આ ચુકાદો આપ્યો છે અને પતિને ’વૈવાહિક બળાત્કાર’ના આરોપોમાંથી મુકત કર્યો છે. હાઇકોર્ટના ચુકાદાથી નારી સશક્તિકરણ અને નારી ગૌરત્વના અધિકાર છીનવાઈ જાય તેવી ભીતિ છે.

એક તરફ નારી સશક્તિકરણની વાતો કરવામાં આવે છે બીજી બાજુ છત્તીસગઢ હાઇકોર્ટ દ્વારા જે ચુકાદો આપવામાં આવ્યો છે તેમાં નોંધવામાં આવ્યું છે કે, લગ્ન બાદ જો પતિ બળજબરીપૂર્વક પણ પત્ની સાથે શારીરિક સંબંધ બાંધે છે તો તે બળાત્કારની વ્યાખ્યામાં આવતું નથી ત્યારે સ્ત્રીની મરજી વિરુદ્ધ શારીરિક સંબંધ બાંધવો તે કેટલા અંશે વ્યાજબી છે તેવો પ્રશ્ન ઉદ્ભવયો છે.

છત્તીસગઢ હાઇકોર્ટે પોતાના ચુકાદામાં કહ્યું હતું કે, કાનૂની રીતે પરણેલી પત્ની સાથે પતિ દ્વારા શારિરીક સબંધ અથવા કોઈપણ જાતીય કૃત્ય બળાત્કાર નથી, પછી ભલે તે બળ દ્વારા કરવામાં આવે અથવા પત્નીની ઇચ્છા વિરુદ્ઘ હોય.

આપને જણાવી દઈએ કે દિલ્હી હાઈકોર્ટમાં વૈવાહિક બળાત્કાર અથવા વૈવાહિક બળાત્કારને લઈને એક કેસ પણ આવ્યો હતો. આ દરમિયાન કેન્દ્રએ કહ્યું હતું કે વૈવાહિક બળાત્કારને ગુનાની શ્રેણીમાં રાખી શકાય નહીં. સરળ શબ્દોમાં કહીએ તો, વૈવાહિક બળાત્કાર પણ દ્યરેલુ હિંસાનું વિકૃત સ્વરૂપ છે. તેનો અર્થ પત્ની સાથે સંભોગ કરવો અથવા તેની સંમતિ વગર તેને આવું કરવા માટે દબાણ કરવું.

આઈપીસીની કલમ 376 માં બળાત્કાર જેવા ગુના માટે આકરી સજાની જોગવાઈ છે. આઈપીસીની આ કલમ મુજબ પત્ની પર બળાત્કાર કરનાર પતિ માટે સજાની જોગવાઈ છે. જો કે પત્નીની ઉંમર 12 વર્ષથી ઓછી હોય. જોકે, અહીં એ ઉલ્લેખ કરવો પણ જરૂરી છે કે ભારતમાં 12 વર્ષની ઉંમરે છોકરીઓના લગ્ન બાળવિવાહની શ્રેણીમાં આવે છે. જે પોતે જ પાપ છે.

આઈપીસીની કલમ 376 જણાવે છે કે જો પતિ 12 વર્ષથી ઓછી ઉંમરની પત્ની પર બળાત્કાર કરે છે, તો તેને દંડ, અથવા બે વર્ષ સુધીની મુદત માટે અથવા બંને સાથે કેદની સજા થઈ શકે છે.

આ કિસ્સામાં ફરિયાદીએ કાયદાકીય રીતે આરોપી સાથે લગ્ન કર્યા છે. કોર્ટે જણાવ્યું હતું કે, 18 વર્ષથી વધુ ઉંમરના પુરુષની પોતાની પત્ની સાથેના શારીરિક સંબંધ બળાત્કાર નથી. આ કિસ્સામાં, ફરિયાદી આરોપીની કાયદેસર રીતે પરિણીત પત્ની છે, તેથી આરોપી પતિ દ્વારા તેની સાથે જાતીય સંભોગ અથવા કોઈપણ જાતીય કૃત્યને બળાત્કારના ગુના તરીકે ગણવામાં આવશે નહીં, પછી ભલે તે બળપૂર્વક અથવા તેની ઇચ્છા વિરુદ્ઘ હોય. જો કે આ વ્યકિતને કોર્ટ દ્વારા વૈવાહિક બળાત્કારના આરોપોમાંથી મુકત કરવામાં આવ્યો છે, પરંતુ હવે તેના પર અકુદરતી સેકસના આરોપમાં આઈપીસી હેઠળ કોર્ટમાં કેસ ચાલશે.

શું મરજી વિરુદ્ધ શારિરીક સબંધ બંધાય તો દુષ્કર્મ ગણાય નહીં?

જે રીતે આઈપીસીની કલમ 376માં દુષ્કર્મની વ્યાખ્યા આપવામા આવી છે તે મુજબ કોઈ પણ યુવતી-સ્ત્રી સાથે તેની મરજી વિરુદ્ધ શારીરિક સંબંધ બાંધવો તે દુષ્કર્મ ગણાય તો પછી તે સ્ત્રી અપરિણીત હોય કે પરિણીતી હોય તેનાથી કોઈ ફરક પડતો જ નથી. તો પછી પરિણીત સ્ત્રી સાથે બળજબરી પૂર્વક તેનો જ પુરુષ સબંધ બાંધે તો તે દુષ્કર્મ કેમ ન ગણાય? જો દુષ્કર્મ ગણાય નહીં તો પછી જે રીતે સ્ત્રી સશક્તિકરણ અને નારી ગૌરત્વની વાતો કરવામાં આવે છે તેને તદ્દન અર્થવિહોણી સાબિત થઈ શકે છે.

પુરુષ પ્રધાન દેશમાં મહિલા સશક્તિકરણ અને નારી ગૌરત્વની વાતો ખૂબ જોરોશોરોથી કરવામાં આવે છે. મહિલાઓના અધિકારોની વાતો પણ ખૂબ કરવામાં આવે છે. જો કોઈ અપરિણીત યુવતી સાથે દુષ્કર્મ થાય તો તેના ખૂબ મોટા પડઘા પણ પડતા જ હોય છે પણ જ્યારે પરિણીત મહિલાની વાત આવે તો શા માટે કોઈ પણ જાતનો અવાજ ઉઠાવવામાં આવતો નથી તે પણ આપણું દુર્ભાગ્ય છે. બીજી બાજુ હાઇકોર્ટે શકવર્તી ચુકાદો આપીને પરિણીત મહિલા સાથે તેનો પતિ બળજબરીપૂર્વક સબંધ બાંધે તો તે દુષ્કર્મ ગણાય નહીં તેવું નોંધ્યું છે તો પછી સ્ત્રીને પરણી ગયા બાદ તેની મરજી અંગે બોલવાનો કોઈ અધિકાર જ નથી તેવું કહેવાય કે કેમ?

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.