રાજકોટ: વેપારીઓ સુધરી ગયા કે સેટીંગ? 37 સ્થળે આરોગ્ય શાખાના દરોડા, રતિભાર પણ અખાદ્ય ખોરાક ન મળ્યો

સ્થળ પર જ 13 નમૂનાનું ચેકીંગ, બધુ બરાબર! 12 વેપારીઓને ફૂટ લાઇસન્સ સંદર્ભે નોટિસ: ઘી અને તેલના નમૂના લેવાયા

રાજકોટના વેપારીઓ જાણે સુધરી ગયા હોય તેવું લાગી રહ્યું છે. દિવસ દરમિયાન ધંધો કર્યા બાદ રાત્રે જે ખાદ્ય સામગ્રી વધે છે તેનો યોગ્ય નિકાલ કરી દેવામાં આવતો હોય તેવું લાગી રહ્યું છે. બીજી તરફ દરોડાના નાટક વચ્ચે આરોગ્ય શાખાના અધિકારીઓ પણ વેપારીઓ સાથે સેટીંગ કરતા હોવાની શંકા ઉદ્ભવી રહી છે. કોર્પોરેશનની આરોગ્ય શાખા સંલગ્ન ફૂડ વિભાગ દ્વારા સેફ્ટી વાન સાથે સદર બજાર અને ફૂલછાબ ચોક વિસ્તારમાં ખાણીપીણીની 37 દુકાનોમાં ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. આશ્ર્ચર્યજનક રીતે એક ગ્રામ પણ અખાદ્ય ખોરાકનો જથ્થો પકડાયો ન હતો. સ્થળ પર 13 નમૂનાનું ચેકીંગ કરવામાં આવ્યું હતું પરંતુ તમામ સલામત હોવાનું જાહેર કરવામાં આવ્યું હતું.

ફૂલછાબ ચોક, સદર બજારમાં અલગ-અલગ 37 જગ્યાએ ચેકીંગ દરમ્યાન ઠંડા-પીણા, મસાલા, પ્રીપેડ ફૂડ, બેકરી પ્રોડક્ટ, મિઠાઇના નમૂનાનું ચેકીંગ કરવામાં આવ્યું હતું. જો કે અખાદ્ય ખોરાક પકડાયો ન હતો. 12 વેપારીઓને ફૂડ લાઇસન્સ સંદર્ભે નોટિસ ફટકારવામાં આવી છે. આ ઉપરાંત કુવાડવા રોડ પર નવાગામ વિસ્તારમાં ન્યૂ શક્તિ સોસાયટી શેરી નં.11માં શ્રીનાથજી એન્ટરપ્રાઇઝમાંથી ઘી ફ્લેવરનો નમૂનો લેવામાં આવ્યો હતો. આ ઉપરાંત જસાણી બ્રાન્ડ ઓઇલનો પણ નમૂનો લેવાયો છે.