Abtak Media Google News

નિવૃત્તિકાળ દરમ્યાન શ્રીમદ્ રાજચંદ્રજી જેવા કલ્યાણમૂર્તિએ ક‚ણાની ધારા વહાવી અનેક જીવોનું કલ્યાણ સધાય તેવી બોધવર્ષા કરી હતી.

જો કે શ્રીમદ્ રાજચંદ્રજી આવા નિવૃત્તિક્ષેત્રોમાં ગુપ્તવાસમાં રહેવાના પ્રયત્ન કરતા હોવા છતાં અનેક લોકોને ખબર મળતાં જ તેઓશ્રીના દર્શનાર્થે તથા બોધપ્રાપ્તિની આશાએ આવા ક્ષેત્રોમાં આવી પહોંચતા. નિષ્કારણ ક‚ણાના ધારક એવા પરમકૃપાળુદેવ આવા જીવોને સમજણ પડે તેવી સરળ અને મધુર વાણી દ્વારા બોધ આપતા હતા.

૧૯૫૪માં જયારે શ્રીમદ્ રાજચંદ્રજીને લાગ્યું કે કુળધર્મને લગતી અવળી માન્યતાભરી ક્રિયાઓ છોડવાનો જે બોધ આપ્યો હતો તે બોધને સામાન્ય મનુષ્ય સમજી ન શકવાથી અવળો અર્થ કાઢી ધાર્મિક ક્રિયાઓ જ કરવાની બંધ કરી દેતા હતા, ત્યારે તેઓશ્રીએ સમજાવવું પડયું કે, “અમારો હેતુ માત્ર આગ્રહ‚પે ક્રિયાઓ છોડવાનો હતો, તમો સર્વએ તો તદન છોડી દીધું. વાળી, સમજણ આપવા જણાવ્યું કે, “હવે મુનિશ્રી પાસે જઈ વ્રત નિયમ ગ્રહણ કરો.

એ સમયમાં ‚ઢિચુસ્ત સમાજની બહેનોને બહાર જવાનું રહેતું નથી, પરંતુ સતત ઘરકામમાં રોકાયેલી બહેનો પણ શ્રીમદ્ રાજચંદ્રજીનાં દર્શનાર્થે આવતી અને બોધ પામી ધન્યતા અનુભવતી. આ બધી બહેનોનો આખો દિવસ આનંદમય બની જતો. વળી, આ બધી બહેનો અંદરોઅંદર વાત કરતી કે આ કળિયુગમાં લોકોનું કલ્યાણ કરવા માટે ભગવાને અવતાર ધારણ કર્યો છે, પણ લોકો ભગવાનને ઓળખી શકતા નથી.

આવા ક્ષેત્રોમાં બોધ આપતા તેઓશ્રી તત્ત્વની વાતો પણ સમજાવતા હતા. વળી, લોકોની અવળી માન્યતાભરી ધાર્મિક ક્રિયાઓ છોડાવી દેવા માટે સમજાવતા કે, “દેહ, સ્ત્રી, પુત્રાદિ કોઈમારા નથી. શુદ્ધ ચૈતન્યસ્વ‚પ અવિનાશી એવો હું આત્મા છું. આવી આત્મભાવનાથી રાગદ્વેષનો ક્ષય થાય છે. માટે આ ભાવના ભાવવાનો દ્રઢ સંકલ્પ કરાવતા.

સંવત ૧૯૫૪માં શ્રીમદ્ રાજચંદ્રજીએ ઉત્તરસંડાના વન્યક્ષેત્રે અમૂલ્ય બોધ આપતા કહ્યું હતું કે, “પ્રમાદમાં શું પડયા છો ? વર્તમાનમાં માર્ગ એવો કાંટાથી ભર્યો છે કે તે કાંટા ખસેડતા અમને જે શ્રમ વેઠવો પડયો છે તે અમારો આત્મા જાણે છે. તમને પ્રત્યક્ષ જ્ઞાનીનો યોગ છતાં જાગૃત થતા નથી. પ્રમાદ દૂર કરો જાગૃત થાઓ. અમે જયારે વીરપ્રભુના છેલ્લા શિષ્ય હતા, તે વખતમાં લઘુશંકા જેટલો પ્રમાદ કરવાની અમારે આટલા ભવ કરવા પડયા.

જીવોને પ્રત્યક્ષ જ્ઞાનીપુરુષોનું ઓળખાણ થવું ઘણું જ દુર્લભ છે. આવો જોગ મળવો મહા વિકટ છે. મહાપુણ્યે કરીને આવો જોગ મળ્યો છે તે વ્યર્થ કાં ગુમાવો ? જાગૃત થાઓ. જાગૃત થાઓ.

વસોમાં મુનિઓને જાગૃત આપતા શ્રીમદ્ રાજચંદ્રજીએ કહેલું કે, “હે મુનિઓ ! અત્યારે જ્ઞાનીપુરુષનાં પ્રત્યક્ષ સમાગમમાં તમે પ્રમાદ કરો છો, પણ જ્ઞાનીપુરુષ નહીં હોય ત્યારે પશ્ર્ચાતાપ પામશો. પાંચસો ગાઉ પર્યટન કરવા છતાં જ્ઞાનીનો સમાગમ થશે નહીં. ખંભાત નિવાસ દરમિયાન જ્ઞાનવિમલસૂરી મહારાજ સાહેબે પૂછયું, “આપ કયા ગચ્છમાં છો? શ્રીમદ્ રાજચંદ્રજીએ ઉત્તરમાં કહ્યું કે, “અમે આત્મામાં છીએ. આ ઉત્તરથી પ્રભાવિત થઈ જ્ઞાનવિમલસૂરી મહારાજ સાહેબે જણાવ્યું કે, “જે આત્મામાં છે તે જ મહામુનિ છે. આવા મહામુનિએ પરમ નિવૃત્તિ સેવતા સેવતા અનેક જીવોને કલ્યાણકારી માર્ગ બતાવી તે સૌના જીવન સફળ બનાવી દીધા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.