રંગીલા રાજકોટીયન્સ માટે પણ મેટ્રોની સવારી, રાજકોટ સહિત આટલા મહાનગરોમાં દોડશે મેટ્રો ટ્રેન

અમદાવાદ, સુરત અને ગાંધીનગરની માફક વડોદરા, રાજકોટ, ભાવનગર અને જામનગરમાં નવી ટેકનોલોજીવાળી મેટ્રો સેવા પૂરી પાડવા માટે બજેટમાં રૂા.50 કરોડની જોગવાઈ

ગુજરાતના વિકાસની વણથંભી યાત્રાને વધુ વેગવંતી બનાવવાના ઈરાદા સાથે નાણામંત્રી નીતિનભાઈ પટેલે અત્યાર સુધીનું સૌથી મોટુ બજેટ રજૂ કર્યું

મહાપાલિકાની ચૂંટણીમાં ભાજપને ઐતિહાસિક જીત અપાવનાર રાજકોટવાસીઓનું ઋણ જાણે રૂપાણી સરકાર ચૂકવી રહી હોય તેવું લાગી રહ્યું છે. રાજકોટ સહિત સૌરાષ્ટ્રની ત્રણ મહાનગરપાલિકાઓમાં મેટ્રો સેવા શરૂ કરવાનું રાજ્ય સરકાર દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. આ માટે આગામી નાણાકીય વર્ષના બજેટમાં રૂા.50 કરોડ જોગવાઈ કરવામાં આવી હોવાનું આજે નાણામંત્રી-નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે બજેટ રજૂ કરતા વેળાએ કરી હતી.

રાજ્ય સરકાર દ્વારા હાલ અમદાવાદ અને સુરત મહાનગર જ્યારે પાટનગર ગાંધીનગરમાં મેટ્રો સેવા શરૂ કરવા માટેનું આયોજન કરવામાં આવ્યું છે. વડોદરા, રાજકોટ, ભાવનગર અને જામનગર શહેરમાં પણ મેટ્રો લાઈટ અને મેટ્રોનીયો જેવી નવી ટેકનોલોજીવાળી મેટ્રો સેવા પૂરી પાડવાનું આયોજન રાજ્ય સરકાર દ્વારા હાથ પર લેવામાં આવ્યું છે તેવી જાહેરાત વિધાનસભામાં કરતા નાણામંત્રી નીતિનભાઈ પટેલે જણાવ્યું હતું કે, 4 મહાનગરોમાં મેટ્રો સેવા શરૂ કરવા રૂા.50 કરોડની ફાળવણી કરવામાં આવી છે. આગામી દિવસોમાં આ ચારેય મહાનગરપાલિકામાં મેટ્રો સેવા શરૂ કરવા માટે પ્રિ ફીઝીબીલીટી રીપોર્ટ તૈયાર કરવાની કામગીરી હાથ પર લેવામાં આવશે.

શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ માટે રૂા.13493 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. જેમાં અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા અને ગાંધીનગર મહાપાલિકા તથા દાહોદ નગરપાલિકાને સ્માર્ટ સિટી હેઠળ રૂા.700 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ નગરપાલિકાઓ, મહાનગરપાલિકાઓ અને શહેરી વિકાસ સત્તા મંડળ માટે રૂા.4563 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. રાજ્યના 3 શહેરોમાં હાલ મેટ્રોનું આયોજન શરૂ કરી દેવામાં આવ્યું છે અને વધુ ચાર શહેરો વડોદરા, રાજકોટ, ભાવનગર અને જામનગરમાં મેટ્રો સેવા શરૂ કરવાના આયોજન સાથે બજેટમાં 50 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે. ટૂંક સમયમાં આ ચારેય શહેરોમાં મેટ્રો શરૂ કરવા માટે પ્રાથમિક સર્વે સહિતની કામગીરી શરૂ કરવામાં આવશે.

સરકાર દ્વારા મહાપાલિકા અને નગરપાલિકાઓમાં ફાયર બ્રિગેડના સાધનો ખરીદવા માટે પણ રૂા.39 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. રાજકોટવાસીઓ માટે સૌથી મોટી બજેટમાં નોંધપાત્ર બાબત એ છે કે, શહેરમાં મેટ્રો ટ્રેન સેવા શરૂ કરવા માટે હવે સરકાર સક્રિય થઈ છે અને ટૂંક સમયમાં આ માટે સર્વે સહિતની કામગીરી શરૂ કરવામાં આવશે.