- નયનાબેન પેઢડિયા સરકારી ગાડીમાં પ્રયાગરાજ ગયા: સ્ટેન્ડિંગ કમિટીના ઠરાવ મુજબ પ્રતિ કિલોમીટર માત્ર રૂ.2 ભાડું ચુકવશે
ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં હાલ મહાકુંભ મેળો ચાલી રહ્યો છે. જેમાં દુનિયાભરમાંથી ભાવિકો સ્નાન કરવા માટે આવી રહ્યા છે. રાજકોટના પ્રથમ નાગરિક નયનાબેન પેઢડિયા પોતાના પતિદેવ વિનોદભાઇ પેઢડિયા અને શહેર ભાજપ મહિલા મોરચાના અધ્યક્ષા કિરણબેન માંકડિયા સાથે સરકારી ગાડીમાં કુંભમેળામાં ઉપડતા ભારે વિવાદ ઉભો થયો છે. સરકારી ગાડી પર કપડા સૂકવ્યા હોવાના ફોટા પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે. જો કે, તેઓએ નિયમ મુજબ મ્યુનિ.કમિશનરની વહિવટી મંજૂરી લીધી હોવાનું અને સ્ટેન્ડિંગ કમિટીના ઠરાવ મુજબ ભાડું ચુકવવાની પણ તૈયારી દર્શાવી હોવાનું જાણવા મળી રહ્યું છે.
પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભ મેળામાં જવા માટે મેયર નયનાબેન પેઢડિયાએ તા.6 થી 12 ફેબ્રુઆરી દરમિયાન મેયરને હોદ્ાના રૂએ ફાળવવામાં આવેલી સરકારી ગાડી જીજે-03-જીએ-2020 લઇને કુંભમેળામાં જવા માટે મ્યુનિ.કમિશનર પાસે વહિવટી માંગી હતી. જેને મંજૂરી આપવામાં આવી છે. જેના હુકમમાં એવો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે પ્રવાસ પૂર્ણ થયા બાદ ધોરણસર ભાડાની રકમનો ચાર્જ તેઓ દ્વારા ભરપાઇ કરવાનો રહેશે. સ્ટેન્ડિંગ કમિટીના ઠરાવ મુજબ કોર્પોરેશનના પાંચ મુખ્ય પદાધિકારીઓ જો સરકારી ગાડી ગુજરાત રાજ્યની બહાર લઇ જવા ઇચ્છતા હશે તો તેઓએ પ્રતિ કિલોમીટર રૂ.2 લેખે ચાર્જ ચુકવવાનો રહેશે. મેયર પ્રયાગરાજ જે સરકારી ગાડી લઇ ગયા છે. તેનો ચાર્જ તેઓ ચુકવી દેશે. તેવું જાણવા મળી રહ્યું છે. છેલ્લા બે દિવસથી અલગ-અલગ સોશિયલ મીડિયા પર પ્રયાગરાજમાં રાજકોટ મેયરની સરકારી કારના ફોટા વાયરલ થઇ રહ્યા છે. જેમાં સરકારી ગાડી પર મહિલાઓના કપડા સુકવવામાં આવ્યા હોવાનું ફોટો સૌથી વધુ વાયરલ થયો છે. મેયરની સાથે તેઓના પતિદેવ વિનોદભાઇ પેઢડિયા ઉપરાંત શહેર ભાજપ મહિલા મોરચાના પ્રમુખ કિરણબેન માંકડિયા સહિત ત્રણથી ચાર વ્યક્તિઓ સરકારી ગાડીમાં સસ્તા ભાડે કુંભમેળામાં પુણ્યનું ભાથું બાંધવા ઉપડી ગયા છે.
ભાડાના વર્તમાન ચાર્જમાં વધારો કરાશે: જયમીન ઠાકર
સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયમીનભાઇ ઠાકરે જણાવ્યું હતું કે કોર્પોરેશનના પદાધિકારીઓને જે સરકારી ગાડી હોદ્ાની રૂએ ફાળવવામાં આવે છે. તેનો ઉપયોગ તેઓ ગુજરાતમાં કોઇપણ શહેરમાં જવા-આવવા માટે કરી શકે છે. તેના માટે કોઇ જ ચાર્જ વસૂલ કરવામાં આવતો નથી. પરંતુ જો ગુજરાતની બહાર સરકારી ગાડી લઇને જવું હોય તો સ્ટેન્ડિંગ કમિટીના ઠરાવ મુજબ પ્રતિ કિલોમીટર રૂ.2 ચુકવવાના રહે છે. આ ચાર્જ ખૂબ જ ઓછો છે. આગામી દિવસોમાં સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં ભાડાના વર્તમાન ચાર્જમાં વધારો કરવામાં આવશે. બજાર ભાવ મુજબ પ્રતિ કિલોમીટર ચાર્જ વસૂલ કરવામાં આવશે. સાથોસાથ તેમાં પેટ્રોલ અને ડિઝલના ભાવમાં જ્યારે વધ-ઘટ થાય ત્યારે ફેરફાર કરાય તેવી પણ શરતનો ઉમેરો કરવામાં આવશે.