મધ્યરાત્રિથી ડોમેસ્ટિક પેસેન્જર ફ્લાઇટની ઉડાન ૩૧મી સુધી બંધ

કોરોના વાયરસના સંક્રમણની સાયકલ તોડવા રેલવેની જેમ હવે એરલાઈન્સની પાંખો પણ કાપી નખાઈ

દેશભરમાં કોરોના વાયરસના પગલે હાહાકાર મચી ગયો છે. કેટલાક રાજ્યો લોકડાઉન કરી દેવાયા છે. કોરોના વાયરસનું સંક્રમણ એક થી બીજા રાજ્યમાં ફેલાય નહીં તે માટે સરકાર દ્વારા સરહદો સીલ કરવામાં આવી છે. રેલવેનો વ્યવહાર બંધ છે, લોકલ પરિવહનના વાહનો ઉપર પણ પ્રતિબંધ છે. આ ઉપરાંત હવે સ્થાનિક કક્ષાએ વિમાનની ઉડાન પર પણ પ્રતિબંધ મુકવામાં આવશે. આજે રાત્રે ૧૨ વાગ્યાથી આ પ્રતિબંધ અમલમાં આવશે. જે મુજબ ૩૧મી સુધી ડોમેસ્ટીક પેસેન્જર ફલાઈટ ઉડી શકશે નહીં. માત્ર કાર્ગો વિમાનોને જ ઉડવાની મંજૂરી આપવામાં આવશે. નોંધનીય છે કે, કોરોનાના ફેલાવા મામલે સરકાર ગંભીર બની ચૂકી છે. પરંતુ લોકો દ્વારા આ ગંભીરતાને ધ્યાને લેવાતી નથી. અનેક સ્થળે લોકો લટાર મારતા જોવા મળે છે. કોઈ કામકાજ વગર મુસાફરી કરતા હોવાનું સામે આવે છે ત્યારે સરકાર હવે પરિવહનના સાધનો પર જ રોક લગાવી લોકોની અવર-જવર નિયંત્રીત કરશે.

કોરોના વાયરસના કારણે દેશભરમાં સામાજિક અને આર્થિક વ્યવસ્થા ઉપર અસર પડી છે. વાહન વ્યવહાર સરકારે ઠપ કરી દીધો છે. લોકડાઉનના કારણે કોરોના વાયરસ સંક્રમણ અટકશે તેવું સરકારનું માનવું છે. સરકારે મોટા શહેરોમાં સિટી બસો બંધ કરી છે. સ્ટેટ ટ્રાન્સપોર્ટ ઓછુ કર્યું છે. આ ઉપરાંત રેલવે અને વિમાન વ્યવહારો પણ બંધ કરવાનો સરકારે નિર્ણય લીધો છે.

આજે રાત્રે ૧૨ કલાકથી દેશમાં ડોમેસ્ટીક પેસેન્જર ફલાઈટ બંધ રાખવામાં આવશે. આ નિયમની અમલવારી તા.૩૧મી સુધી કરવાની રહેશે. સરકારે નીતિ વિષયક વિચારણા કર્યા બાદ આ નિર્ણય લીધો છે. વર્તમાન સમયે ઉડ્ડયન ક્ષેત્ર સાથે જોડાયેલ કંપનીઓને ભારે નુકશાનીનો સામનો કરવો પડી રહ્યો છે. આંતરરાષ્ટ્રીય એર લાયન્સ કંપનીઓ નાદાર થઈ જાય તેવી સ્થિતિ પણ ઉભી થઈ છે. આવા સંજોગોમાં હવે ભારતમાં પણ સ્થાનિક ક્ષેત્રે ઉડ્ડાન  બંધ કરવાનો નિર્ણય લેતા કંપનીઓને મોટો ફટકો પડ્યો છે.