સુરત શહેરમાં ધર્મ પરિવર્તન કરી પોતાની ઓળખ બદલનાર એક બિલ્ડર અને તેના સાગરીત જમીન દલાલે મળીને એક વ્યક્તિ પાસેથી દુકાન વેચાણના નામે રૂ. ૨૦ લાખની છેતરપિંડી આચરી હોવાનો કિસ્સો સામે આવ્યો છે. કેટરર્સના કર્મચારી એવા ભોગ બનનાર નીતીન પટેલે આ અંગે પોલીસ ફરિયાદ નોંધાવતા ગુનો નોંધી વધુ તપાસ ઈકો સેલને સોંપાઈ છે, જેમાં ઈકો સેલે કાર્યવાહી કરી દલાલની ધરપકડ કરી છે.
પ્રાપ્ત વિગતો મુજબ, અડાજણ ખાતે રહેતા ૫૩ વર્ષીય નીતીનભાઈ પટેલ કેટરર્સમાં નોકરી કરે છે. વર્ષ ૨૦૧૬માં તેમણે ગોપીપુરા વિસ્તારમાં નવી બંધાઈ રહેલી બિલ્ડિંગમાં બે દુકાનો ખરીદવાનો નિર્ણય કર્યો હતો. આ માટે જમીન દલાલ નાસીર શેખ નજરૂલ ઇશાક દ્વારા તેમનો સંપર્ક ચોકબજારના બિલ્ડર વૈભવ ઉર્ફે રોહિત મિશ્રા સાથે કરાવવામાં આવ્યો હતો. બિલ્ડર વૈભવ મિશ્રાએ ધર્મ પરિવર્તન કરી મેમણ મોહંમદ ફૈઝાન નામ ધારણ કર્યું હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.
બિલ્ડર ફૈઝાન ઉર્ફે વૈભવ મિશ્રા સાથે નીતીનભાઈ પટેલે બે દુકાનોનો સોદો રૂ. ૩૩ લાખમાં નક્કી કર્યો હતો. સોદો નક્કી થયા બાદ, નીતીનભાઈ પટેલે બિલ્ડરને સૌપ્રથમ રૂ. ૧૦ લાખ અને ત્યારબાદ વધુ રૂ. ૧૦ લાખ એમ કુલ મળીને રૂ. ૨૦ લાખની રકમ ચૂકવી દીધી હતી. આ સોદાના સાટાખતમાં જમીન દલાલ નાસીર શેખે સાક્ષી તરીકે સહી કરી હતી અને દુકાનનો કબજો અપાવવા અંગેની જવાબદારી લીધી હતી.
જોકે, બિલ્ડિંગનું બાંધકામ પૂર્ણ થઈ ગયા બાદ પણ બિલ્ડર ફૈઝાન ઉર્ફે વૈભવે નીતીનભાઈને દુકાનોનો કબજો આપ્યો ન હતો અને આ અંગે આનાકાની કરતો હતો. પાછળથી નીતીનભાઈને જાણવા મળ્યું કે, બિલ્ડરે તેમની પાસેથી રૂ. ૨૦ લાખ લીધા બાદ આ બંને દુકાનો બારોબાર અન્ય કોઈ વ્યક્તિને વેચી દીધી હતી.
પોતાની સાથે થયેલી આ ગંભીર છેતરપિંડી અંગે નીતીનભાઈ પટેલે આખરે કાયદાનો આશરો લીધો અને ચોકબજાર પોલીસ સ્ટેશનમાં બિલ્ડર ફૈઝાન રાકેશ મિશ્રા અને જમીન દલાલ શેખ નાસીર નજરૂલ ઈશાક સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે બંને આરોપીઓ વિરુદ્ધ છેતરપિંડી સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કર્યો હતો.
આ કેસની ગંભીરતાને ધ્યાનમાં લઈને તેની તપાસ સુરત પોલીસના ઈકો સેલને સોંપવામાં આવી હતી. ઈકો સેલે આ મામલે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી બિલ્ડરના સાગરીત ગણાતા દલાલ નાસીર શેખની ધરપકડ કરી છે. ઈકો સેલ દ્વારા હવે મુખ્ય આરોપી બિલ્ડર ફૈઝાન ઉર્ફે વૈભવ મિશ્રાને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. દલાલની પૂછપરછમાં આ છેતરપિંડીના અન્ય કિસ્સાઓ પણ સામે આવવાની શક્યતા છે.
અહેવાલ: ભાવેશ ઉપાધ્યાય