બિસ્વીન સહિત બે કંપનીના મિનરલ વોટરના નમૂના ફેઇલ: 23 લાખનો દંડ

દિવેલ ઘીનો નમૂનો પણ પરિક્ષણમાં નાપાસ જાહેર થતાં પેઢીના માલિકને દંડ ફટકારાયો

શહેરમાં મિનરલ વોટરના નામે છડે ચોક વેંચાતા પાણી પણ શુદ્વ ન હોવાનો ઘટસ્ફોટ થયો છે. કોર્પોરેશનની આરોગ્ય શાખા દ્વારા લેવામાં આવેલા બિસ્વીન અને અન્ય એક કંપનીના મિનરલ વોટરના નમૂના પરિક્ષણમાં નાપાસ જાહેર થતાં પેઢી અને ભાગીદારોને રૂ.23 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે. દિવેલ ઘીનો નમૂનો પણ પરિક્ષણમાં નાપાસ જાહેર કરવામાં આવ્યો છે.

આ અંગે પ્રાપ્ત થતી વધુ વિગત મુજબ મવડી મેઇન રોડ વેદવાડી શેરી નં.4માં બિસ્વીન બિવરેજીસમાંથી બિસ્વીન વિથ એડેડ મિનરલ પેકેડ્સ ડ્રિન્કીંગ વોટરનો નમૂનો લેવામાં આવ્યો હતો. જેમાં પરિક્ષણ દરમિયાન રિપોર્ટમાં એરોબિક માઇક્રો બાયોલીક કાઉન્ટર વધુ આવવાના કારણે નમૂનો સબ સ્ટાન્ડર્ડ જાહેર કરાયો હતો. આ અંગેના કેસમાં એજ્યુડીકેટીંગ ઓફિસર અને અધિક નિવાસી કલેક્ટર દ્વારા નમૂનો આપનાર પેઢી તથા તેના ભાગીદાર શૈલેષભાઇ ભૂત અને હસમુખભાઇ હિરજીભાઇ વાછાણીને રૂ.15 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે. અન્ય એક કંપનીમાંથી પણ મિનરલ વોટરના નમૂના લેવાયા હતા. જે પરિક્ષણમાં સબ સ્ટાન્ડર્ડ જાહેર થતાં કંપનીના માલિક અને નોમિનીને રૂ.8 લાખનો દંડ ફટકારવામાં આવ્યો હતો.

ફૂડ વિભાગ દ્વારા મારૂતિ નંદન શેરી નં.3ના કોર્નર પર ખોડીયાર પ્રોવિઝન સ્ટોર્સમાંથી દિવેલના ઘીનો નમૂનો લેવાયો હતો. જેમાં પરિક્ષણ દરમિયાન ઘીમાં વેજીટેબલ ફેટની ભેળસેળ કરવામાં આવી હોવાનું ખૂલતા પેઢીના માલિક કૃણાલભાઇ વઘાશીયાને રૂ.50 હજારનો દંડ ફટકારવામાં આવ્યો છે.