- દાહોદમાં મનરેગા કૌભાંડમાં મંત્રી બચુ ખાબડના નાના દીકરા કિરણ ખાબડની પણ ધરપકડ
- વહેલી સવારે વડોદરા-હાલોલ હાઇવે પરથી પોલીસે પકડ્યો : પૂછપરછ શરુ
દાહોદ મનરેગા કૌભાંડમાં ગુજરાતના પંચાયત રાજ મંત્રી બચુ ખાબડની મુશ્કેલી વધતી જઇ રહી છે. આ કેસમાં પહેલા પોલીસે તેમના મોટા પુત્ર બળવંત ખાબડની અને હવે તેમના નાના પુત્ર કિરણ ખાબડને પણ ઝડપી પાડ્યો છે. આ ઉપરાંત વડોદરા-કાલોલ હાઈવે પર પોલીસે તેને વહેલી સવારે ઝડપી પાડ્યો હતો. હાલ તેની અટકાયત કરીને પૂછપરછ શરૂ કરાઈ છે. કિરણ ખાબડ સાથે ધરપકડ કરાયેલા લોકોમાં કિરણ ખાબડ, દેવગઢબારિયાના APO દીલિપ ચૌહાણ, ધાનપુર APO ભાવેશ રાઠોડ અને ધાનપુર તાલુકા વિકાસ અધિકારી રાઠવાનો પણ સમાવેશ થાય છે.
એક એજન્સી મંત્રી બચુ ખાબડના મોટા પુત્ર બળવંત ખાબડની હતી
મળતી માહિતી અનુસાર, દાહોદમાં મનરેગા કૌભાંડ મુદ્દે દાહોદ બી ડીવીઝન પોલીસ મથકે નિયામક દ્વારા એક ફરિયાદ નોંધાવાઈ હતી. તેમજ મનરેગામાં 71 કરોડના કૌભાંડ મામલે 35 એજન્સીઓ સામે ફરિયાદ નોંધવામાં આવી હતી. જેમાં ધાનપુર અને દેવગઢ બારિયાના 3 ગામોનો ઉલ્લેખ કરાયો હતો. આ ઉપરાંત મનરેગામાં કામ થયું નહીં હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. આ 35 એજન્સીઓ એક એજન્સી મંત્રી બચુ ખાબડના મોટા પુત્ર બળવંત ખાબડની હતી.
બંને પુત્રો કૌભાંડમાં પકડાયા બાદ મંત્રી બચુ ખાબડના રાજીનામાની માંગ
આ ઘટનામાં મંત્રી બચુ ખાબડના મોટા પુત્ર બળવંત ખાબડની ધરપકડ કરાઈ હતી. જ્યારે કૌભાંડમાં સંડોવાયેલા તેમનો નાનો પુત્ર કિરણ ખાબડ ફરાર હતો. ત્યારે પોલીસ દ્વારા તેને શોધી તેની પણ ધરપકડ કરવામાં આવી છે. આ ઉપરાંત મંત્રી બચુ ખાબડના બંને પુત્રો સહિત તત્કાલીન તાલુકા વિકાસ અધિકારી દર્શન પટેલ, APO દીલિપ ચૌહાણ અને ધાનપુરના તાલુકા વિકાસ અધિકારી રાઠવાની પણ ધરપકડ કરવામાં આવી હોવાનું સુત્રો જણાવી રહ્યાં છે. તેમજ બંને પુત્રો કૌભાંડમાં પકડાયા બાદ મંત્રી બચુ ખાબડના રાજીનામાની માગ કરવામાં આવી છે.
શું છે આ સમગ્ર કૌભાંડ
દાહોદ જિલ્લામાં નકલી NA જમીન કૌભાંડ બાદ મહાત્મા ગાંધી રોજગાર ગેરંટી યોજના (મનરેગા) માં હેઠળ કરવાના થતા કામોમાં અધધ કહી શકાય તેમ તેવી નીતિરીતિ અખત્યાર કરી ખોટા દસ્તાવેજૉ ઊભા કરી નાણાકીય વર્ષ 2021 થી 2025 વચ્ચે એટલે કે ચાર વર્ષનો સમયગાળા દરમિયાન દેવગઢબારિયા તાલુકાના કુવા તેમજ રેઢાણા તથા ધાનપુરના સીમામોઇ સહિત ત્રણ ગામોમાં મનરેગાના કામોમાં માત્ર દેખાડા પૂરતું કામ કરી સમગ્ર કમ્પ્લિટિશન સર્ટી રજૂ કરી જે એજન્સીના નામનું કોન્ટ્રાક્ટ હતો.
તેમજ તેને બદલે અન્ય એજન્સીઓને આ જન કલ્યાણ યોજના અંતર્ગત સામૂહિક કામોના નાણાં બિનપાત્રતા ધરાવતી એજન્સીઓને ચૂકવી સરકારી અધિકારી કર્મચારી,વિગેરેની મિલીભગતથી કરોડોની રકમ પોતાના આર્થિક લાભ માટે ઉઠાવી અને કીમતી દસ્તાવેજોને ખરા તરીકે ઉપયોગ કરી મસમોટું કૌભાંડ આચર્યુ હોવાનું બહાર આવ્યું છે. જેમાં પંચાયતના જવાબદાર અધિકારીઓ દ્વારા તપાસ બાદ વચગાળાના અહેવાલના આધારે જિલ્લા વિકાસ અધિકારીને રિપોર્ટ કર્યો હતો. ત્યારબાદ પોલીસે ડીઆરડીએ નિયામકની ફરિયાદના આધારે દેવગઢ બારીયાની 28 તેમજ ધાનપુર તાલુકાની 7 મળી માલ સપ્લાય કરતી કુલ 35 એજન્સીઓ સામે રકમ સહિત નામજોગ ગુનો દાખલ કરતા સમગ્ર જિલ્લાભરમાં ખળભળાટ મચી જવા પામ્યો છે.
મનરેગામાં કરોડોનું કૌભાંડ
મળતી માહિતી મુજબ, આ તો 3 જ ગામની સ્થળ ચકાસણીમાં દેવગઢ બારીયાના 60.90 કરોડ તેમજ ધાનપુરના 10.10 કરોડ મળી કુલ 71 કરોડની ગેરરીતી સામે આવી છે. ત્યારે પ્રશ્ન ઊભો થાય છે કે સમગ્ર જિલ્લાભરમાં મનરેગાના કામોની સ્થળ ચકાસણી અને મંજુર થયેલા બિલોની સરખામણી કરવામાં આવે તો આ કૌભાંડનો આંકડો કેટલો પહોંચે તેની કલ્પના કરવી પણ મુશ્કેલ છે. જોકે આ કૌભાંડ સામુહિક યોજનાના હોય પોલીસે પંચાયતના મનરેગાના નિયુક્ત કરેલા અધિકારીઓ જોડે લાયઝનિંગ રહી કામ કરવા SITની ટીમ બનાવી તપાસ હાથ ધરવામાં આવી હતી.