Abtak Media Google News

આજે   વિશ્વ પર્યાવરણ દિવસે રાજકોટ મહાનગરપાલિકા અને વન વિભાગના સંયુક્ત ઉપક્રમેં વોર્ડ નં.3 મહર્ષિ અરવિંદ ટાઉનશીપ, સાધુ વાસવાની કુંજ રોડના બગીચામાં રાજયના અન્ન અને નાગરિક પુરવઠા વિભાગના મંત્રી જયેશભાઈ રાદડિયાના વરદ હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.

આ તકે મંત્રી જયેશભાઈ રાદડિયાએ જણાવ્યુ હતું  કે,મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના નેતૃત્વમાં આજે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી થઇ રહી છે ત્યારે રાજયમાં વધુ ને વધુ વૃક્ષોનું વાવેતર કરી ગ્રીન ગુજરાત બનાવવાના સંકલ્પમાં રાજકોટ શહેર પણ સહભાગી બને તેવી અપીલ કરું છું. તેમણે કહ્યું હતું કે, કોરોના મહામારી દરમ્યાન ઓક્સિજનનું મહત્વ અનુભવ્યું છે ત્યારે રાજયમાં વધુ ને વધુ વૃક્ષો વાવીએ અને તેનું જતન કરીએ તે જરૂરી છે. તાજેતરમાં વાવાઝોડાના કારણે 4 જીલ્લાઓમાં અસંખ્ય વૃક્ષો ધરાશયી થઇ ગયા હતા. આ સ્થળે રાજય સરકાર દ્વારા વૃક્ષો વાવવાનો તેમજ જંગલ વિસ્તારની બહાર પણ  વૃક્ષો વાવવાનો નિર્ધાર કરેલ છે. છેલ્લા કેટલાક વર્ષોથી કલાઈમેટ ચેન્જની અસર જોઈ રહ્યા છીએ. ભૂતકાળમાં આવી અસર જોવા મળતી ન હતી કેમ કે, ત્યારે વૃક્ષોની સંખ્યા વધુ હતી. તેવું આપણા વડીલો કહેતા હતા. જેથી વર્તમાન સંજોગોમાં મહત્તમ વૃક્ષો વાવી પર્યાવરણનું જતન કરવાની આપણા સૌની ફરજ છે.

Dsc 0876

મેયર ડો.પ્રદિપ ડવે જણાવ્યુ હતું કે, પર્યાવરણનું જતન કરવા વૃક્ષોનું વાવેતર કરી જન્મદિવસની ઉજવણી કરીએ તેમજ વડીલોની યાદમાં પણ વૃક્ષો વાવીએ. તેમજ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ રાજકોટ શહેરને 47 એકર જેટલી વિશાળ જગ્યામાં રામવનની ભેટ આપેલ છે. જ્યાં 70 હજાર જેટલા વૃક્ષો વાવવાનું આયોજન છે. આ રામવનમાં આયુર્વેદીક વૃક્ષો, પક્ષીઓને ખોરાક મળી રહે તે પ્રકારના વૃક્ષો વાવવામાં આવશે.  રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરમાં 150 જેટલા બગીચાઓ બનાવવામાં આવેલ છે અને અગામી સમયમાં 6 ગાર્ડનનું લોકાર્પણ કરવામાં આવશે. આ ઉપરાંત આગામી ચોમાસા દરમ્યાન શહેરમાં વધુ ને વધુ વૃક્ષોનું વાવતેર થાય તેવું આયોજન હાથ ધરેલ છે. ચાલો આજે વિશ્વ પર્યાવરણ દિવસે પ્રકૃતિનું જતન કરવા સંકલ્પ લઈએ તેમ અંતમાં મેયરશ્રીએ જણાવેલ.

વિવિધ  મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. તેમજ તુલસી તથા અન્ય રોપાઓનું વિતરણ કરવામાં આવ્યુ છે.

આ પ્રસંગે ગુજરાત મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખભાઈ ભંડેરી, પ્રદેશ ભાજપ બક્ષીપંચ મોરચાના અધ્યક્ષ ઉદયભાઈ કાનગડ, ડે.મેયર ડો.દર્શિતાબેન શાહ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પુષ્કરભાઇ પટેલ, મ્યુનિસિપલ કમિશનર ઉદિત અગ્રવાલ, રાજયના વન વિભાગના ડી.સી.એફ.ઓ. અશ્વિનભાઈ પરમાર, શાસક પક્ષ નેતા વિનુભાઈ ઘવા, દંડક સુરેન્દ્રસિંહ વાળા, ડે. કમિશનર સિંઘ, નંદાણી, પ્રજાપતિ, બાગ બગીચા કમિટીના ચેરમેન અનિતાબેન ગોસ્વામી, વોર્ડ નં.3ના કોર્પોરેટર કુસુમબેન ટેકવાણી, અલ્પનાબેન દવે, નરેન્દ્રસિંહ જાડેજા (ટીકુભા), બાબભાઈ ઉઘરેજા, પ્રભારી મનુભાઈ વઘાસીયા, પ્રમુખ હેમુભાઈ પરમાર, મહામંત્રી રાજુભાઈ દરીયાનાણી, હિતેશભાઈ રાવલ ઉપસ્થિત રહયાં હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.