વિશ્વાસથી વિકાસયાત્રા શહેરને રૂ.180 કરોડના વિકાસ કામોની ભેટ ધરતા મંત્રી રૈયાણી

મહાપાલિકાના રૂ. 42.48 કરોડના 26 કામો, જેટકોના રૂ. 45.33 કરોડના 8 કામો, જીએસઆરટીસીના રૂ. 12.02 કરોડના 3 કામો, માર્ગ અને મકાનના રૂ.82.68 કરોડના 14 કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત: 32 કોમ્યુનિટી હેલ્થ ઓફિસરને નિમણુંક પત્ર એનાયત

રાજ્યભરમાં જનજન સુખાકારીના દર્શન કરાવતી બે દિવસીય “વિશ્વાસથી વિકાસયાત્રા” કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જે અન્વયે રાજકોટના હેમુ ગઢવી હોલ ખાતે વાહન વ્યવહાર રાજયમંત્રી અરવિંદભાઈ રૈયાણીના અધ્યક્ષસ્થાને જિલ્લા કક્ષાના “વિશ્વાસથી વિકાસયાત્રા” કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવ્યો હતો. રાજકોટની જનતાને વિકાસકામોની ભેટ અર્પણ કરતાં મંત્રી રૈયાણીના હસ્તે રૂ. 180 કરોડથી વધુના વિકાસકામોનું ઈ-લોકાર્પણ અને ઈ-ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.

મંત્રી રૈયાણીએ રાજકોટ મહાનગરપાલિકાના રૂ. 42.48 કરોડના 26 વિકાસ કામો, જેટકોના રૂ. 45.33 કરોડના 8 વિકાસ કામો, જીએસઆરટીસીના રૂ. 12.02 કરોડના 3 વિકાસ કામો, માર્ગ અને મકાનના રૂ.82.68 કરોડના 14 વિકાસકામોનું ખાતમુહૂર્ત-લોકાર્પણ કર્યા હતા.

કાર્યક્રમનો શુભારંભ મહાનુભાવો હસ્તે દીપપ્રાગટ્ય દ્વારા કરવામાં આવ્યો હતો. ઉપસ્થિત સર્વે મહાનુભાવોનું પુષ્પગુચ્છથી સન્માન કરવામાં આવ્યું હતું. મહાનુભાવોના હસ્તે જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગના 32 જેટલા કોમ્યુનિટી હેલ્થ ઓફિસરને નિમણુંક પત્રો અર્પણ કરવામાં આવ્યા હતા. તેમજ કાર્યક્રમમાં ઉપસ્થિત નાગરિકો ’વિશ્વાસથી વિકાસયાત્રા’ને અભિવ્યક્ત કરતી શોર્ટ ફિલ્મ નિહાળી જનજનની સુખાકારીના સાક્ષી બન્યા હતા.

આ તકે ધારાસભ્ય લાખાભાઈ સાગઠીયા, જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ સવિતાબેન વસાણી, જિલ્લા વિકાસ અધિકારી દેવ ચૌધરી, અધિક નિવાસી કલેકટર કે. બી. ઠક્કર, ડેપ્યુટી મ્યુ.કમિશ્નર આશિષ સિંઘ, પ્રાદેશિક નગરપાલિકા કમિશ્નર ધીમંત વ્યાસ,  અગ્રણી મનીષભાઈ ચાંગેલા, મનસુખભાઈ રામાણી, મનસુખભાઈ ખાચરિયા સહિતના અધિકારીઓ, પદાધિકારીઓ અને મોટી સંખ્યામાં નાગરિકો કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા.

વડાપ્રધાનના માર્ગદર્શન હેઠળ ગામડાઓની કાયાપલટ: સાંસદ મોહન કુંડારિયા

ગામડાની કાયાપલટ વિશે વાત કરતાં સાંસદ મોહનભાઈ કુંડારીયાએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ ગામડાંની કાયાપલટ થઈ ગઈ છે. રાજયભરમાં 108ની સુવિધા ઉપલબ્ધ થઇ છે. આયુષ્માન કાર્ડ હેઠળ જનતાને પાંચ લાખનું સુરક્ષા કવચ પૂરું પાડ્યું છે અને ખેલ મહાકુંભનું આયોજન કરીને દેશના યુવાનોને ઉમદા પ્લેટફોર્મ પૂરું પાડયું છે.

આજે ભારત ઉપર અન્ય દેશોએ મીટ માંડી: મંત્રી અરવિંદ રૈયાણી

આ અવસરે વાહન વ્યવહાર મંત્રી અરવિંદભાઈ રૈયાણીએ કહ્યું હતું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની આગેવાની હેઠળની ડબલ એન્જીન સરકારે ગુજરાતની જનતાને “વિશ્વાસથી વિકાસયાત્રા” કાર્યક્રમ હેઠળ અનેક વિકાસકામોની ભેટ આપી છે. સરકાર દ્વારા થયેલા માર્ગ – મકાન, આરોગ્ય અને શિક્ષણ સહિતના જનસુખાકારીના કામો સાબિત કરે છે કે ગુજરાત સરકાર જનતાના વિકાસ માટે કટિબદ્ધ છે. આજે સામાન્ય માનવી આવાસ યોજના થકી પોતાનું ઘરનું ઘર ખરીદીને આત્મસંતોષ સાથે જીવન ગુજારી રહ્યો છે.પરિવારનો મોભીની જેમ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ નાગરિકોના સર્વાંગી વિકાસ માટે કામો કર્યા છે. ગામડાઓના દરેક ઘરોમાં શૌચાલયો બનવાનું શ્રેય વડાપ્રધાન મોદીને આભારી છે. ગામડાઓ એટલા સમૃદ્ધ બનવાથી ગામડાં છોડીને શહેર જતાં લોકોનું પ્રમાણ ઘટયું છે. વિશ્વફલક પર ભારતનું સ્થાન મજબૂત બનતાં આજે ભારત દેશ ઉપર અન્ય દેશોએ મીટ માંડી છે. તેમ મંત્રી રૈયાણીએ જણાવ્યું હતું.

ગુજરાતમાં દરેક ક્ષેત્રોમાં નોંધપાત્ર વિકાસ થયો: મેયર પ્રદીપ ડવ

આ પ્રસંગે મેયર પ્રદીપભાઈ ડવે જણાવ્યું હતું કે, આજે દેશભરમાં ગુજરાતનું સ્થાન અનેરું છે. અને રાજયભરમાં શાંતિ, સલામતી અને સૌહાર્દનું વાતાવરણ સર્જાયું છે. મહિલાઓની સુરક્ષા વધી છે. ગુજરાતમાં દરેક ક્ષેત્રોમાં નોંધપાત્ર વિકાસ થયો છે. યુવાનોને રોજગારી આપવામાં ગુજરાત અગ્રેસર છે. ઔદ્યોગિક ક્ષેત્રે રોકાણ વિદેશી કંપનીઓનું ગુજરાતમાં રોકાણ વધ્યું છે.