બંદર, જહાજ અને જળમાર્ગ મંત્રાલય દ્વારા 5 એપ્રિલે 58મા રાષ્ટ્રીય દરિયાઇ દિવસની ઉજવણી

બંદર, જહાજ અને જળમાર્ગ મંત્રાલયે 58મા રાષ્ટ્રીય દરિયાઈ દિવસની ઉજવણી કરી હતી. આ દિવસ 5 એપ્રિલ, 1919ના રોજ મુંબઈથી લંડન સુધીની પ્રથમ ભારતીય વેપારી જહાજ એસ એસ લોયલ્ટીની પ્રથમ સફરના ઉપલક્ષ્યમાં ઉજવવામાં આવે છે. ચાલુ વર્ષે રાષ્ટ્રીય દરિયાઈ દિવસની થીમ ભારત સરકારની પહેલ આત્મનિર્ભર ભારત અભિયાનને અનુરૂપ કોવિડ-19 ઉપરાંત પર્યાવરણને અનુકૂળ દરિયાઈ સફર છે.

રાષ્ટ્રીય દરિયાઈ દિવસની ઉજવણીના પ્રસંગે બંદર, જહાજ અને જળમાર્ગોના રાજ્ય કક્ષાના કેન્દ્રિય જળમાર્ગ મંત્રી (સ્વતંત્ર હવાલો)  મનસુખ માંડવિયાએ દરિયાકિનારા પર રહેતા સમુદાયોને અભિનંદન આપ્યાં હતાં તથા કોવિડ રોગચાળામાં તેમણે ભજવેલી ઉપયોગી ભૂમિકા અને તેમની મહેનત, ઉત્સાહ અને સાહસની પ્રશંસા કરી હતી.  માંડવિયાએ જણાવ્યું હતું કે, તાજેતરમાં ભારતના પ્રધાનમંત્રીએ પ્રસ્તુત કરેલા મેરિટાઇમ ઇન્ડિયા વિઝન-2030 ભારતના દરિયાઈ ક્ષેત્ર માટે આગામી દાયકાનું સંપૂર્ણ વિઝન છે તથા કેન્દ્રિત અભિગમ સાથે ભારતીય દરિયાઈ ક્ષેત્ર ટૂંક સમયમાં મજબૂત, ટેકનોલોજીકલ દ્રષ્ટિએ અદ્યતન અને આત્મનિર્ભર બનશે.


માંડવિયાએ તેમની વાત સકારાત્મક અભિગમ સાથે પૂરી કરીને કહ્યું હતું કે, ભારત પરિવર્તન પામી રહ્યો છે, ભારત સ્પર્ધામાં અગ્રેસર છે, નવા ભારતનું નિર્માણ થઈ રહ્યું છે. જેમ ભૂતકાળમાં ભારત દરિયાઈ ક્ષેત્રમાં લીડર હતું, તેમ ભારત દરિયાઈ ક્ષેત્ર દ્વારા દુનિયામાં ફરી મોખરે રહેશે.

માંડવિયાએ 58મા રાષ્ટ્રીય દરિયાઈ દિવસ માટે સૂવેનિર (સ્મૃતિચિહ્ન) તરીકે ઇ-મેગેઝિન પ્રસ્તુત કર્યું હતું અને નેશનલ મેરિટાઇમ ડે સેલિબ્રેશન કમિટી દ્વારા એવોર્ડ પ્રસ્તુત કર્યો હતો, જેનું નેતૃત્વ ડાયરેક્ટર જનરલ ઓફ શિપિંગ કરે છે.

જહાજ, બંદર અને જળમાર્ગ મંત્રાલયના સચિવ ડો. સંજીવ રંજને કહ્યું હતું કે, દરિયાકિનારે વસતા સમુદાયે કોવિડના ગાળામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. તેમણે ઉમેર્યું હતું કે, મંત્રાલય આંતરરાષ્ટ્રીય દરિયાઈ સમુદાયમાં ભારતને મોખરાનું સ્થાન આપવા પ્રગતિશીલ નીતિગત ફેરફારો લાવવા સતત કાર્યરત છે.

આ પ્રસંગે વીડિયો કોન્ફરન્સ દ્વારા મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓ, ડીજી શિપિંગ, શિપિંગ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાના અધિકારીઓ, જહાજ મંત્રાલયના અધિકારીઓ અને દરિયાકિનારે વસતા સમુદાયના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યાં હતાં.