Abtak Media Google News
  • કોટેશ્વર મહાદેવ, બહુચરાજી, માંચી ચોક, માધવપુર જેવા યાત્રાધામો પર વિશેષ ધ્યાન અપાશે
  • દ્વારકા કોરિડોર, કૃષ્ણ-રુક્ષ્મણિ મંદિર તેમજ સિદ્ધપુર જેવા તીર્થોમાં પણ પૂરઝડપે વિકાસની કામગીરી

મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાતમાં પ્રવાસન ક્ષેત્ર સતત વિકાસ કરી રહ્યું છે. ગુજરાતમાં ધાર્મિક પ્રવાસન સ્થળો અને તીર્થસ્થાનોનું વિશેષ મહત્વ રહેલું છે. રાજ્યમાં પ્રવાસન ક્ષેત્રે જે પ્રગતિ થઈ રહી છે, તેમાં ધાર્મિક પ્રવાસનનો ખૂબ મોટો ફાળો છે, અને તે જોતાં રાજ્ય સરકાર દ્વારા ધાર્મિક પ્રવાસનને વેગ આપવા માટે કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવી રહ્યો છે. રાજ્યના સોમનાથ, અંબાજી, દ્વારકા વગેરે જેવા મોટા અને મુખ્ય યાત્રાધામોના વિકાસ ઉપરાંત, રાજ્ય સરકાર નાના-નાના યાત્રાધામોનો પણ જબરદસ્ત વિકાસ કરી રહી છે.

વડાપ્રધાન  નરેન્દ્ર મોદી સમગ્ર દેશમાં ધાર્મિક પ્રવાસનને મોટું પ્રોત્સાહન આપી રહ્યા છે, ત્યારે ગુજરાતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ રાજ્ય સરકાર પણ વડાપ્રધાનના પ્રયત્નોમાં પોતાનું યોગદાન આપી રહી છે. રાજ્ય સરકારે નાના-નાના યાત્રાધામો ખાતે કુલ અંદાજે ₹857.14 કરોડના ખર્ચે વિકાસકાર્યોનું આયોજન હાથ ધર્યું છે.

ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના સચિવ  આર. આર. રાવલ જણાવે છે કે રાજ્યના તમામ યાત્રાધામોનો સર્વાંગી વિકાસ કરવામાં આવી રહ્યો છે. તેમાં માત્ર મંદિરોનો જ વિકાસ નહીં, પરંતુ મંદિર પરિસરની સાથે-સાથે સમગ્ર યાત્રાધામનું માસ્ટર પ્લાનિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે, જેથી આગામી 20-25 વર્ષોના વિઝન પ્રમાણે આવનાર પ્રવાસીઓની ગણતરીને ધ્યાનમાં લઈને યાત્રાધામોના વિકાસનો નકશો બનાવી શકાય. આ ઉપરાંત, રાજ્ય સરકાર દ્વારા એ રીતનો વિકાસ કરવામાં આવી રહ્યો છે કે જેથી મંદિર કે યાત્રાધામ માત્ર વરિષ્ઠ નાગરિકો માટે જ હોય એવું ન લાગે, પણ તમામ વયજૂથના લોકોને યાત્રાધામ પોતાનું લાગે.

160થી વધુ નાના યાત્રાધામો  વિકાસ કાર્યોની કામગીરી શરૂ

રાજ્ય સરકાર દ્વારા હાલમાં રાજ્યના અલગ-અલગ જિલ્લાઓમાં ધાર્મિક સ્થળોએ થઈ રહેલા વિકાસકાર્યોની વિગતો આપતા બોર્ડના સચિવ શ્રી આર. આર. રાવલે જણાવ્યું કે રાજ્યના મોટા યાત્રાધામોની ફરતે આવેલા નાના યાત્રાધામો ખાતે કુલ ₹857.14 કરોડના ખર્ચે 163 વિકાસકાર્યો હાથ ધરવામાં આવ્યા છે, જેમાંથી ₹655 કરોડથી વધુના ખર્ચે 76 વિકાસકાર્યો વિવિધ તબક્કામાં પ્રગતિ હેઠળ છે. ઉપરાંત, ₹70.19 કરોડના ખર્ચે 57 કામો પૂર્ણ કરવામાં આવ્યા છે અને ₹52.08 કરોડના 24 કામો આયોજનના તબક્કામાં છે. ₹79.10 કરોડના 6 કામોનો ચાલુ અંદાજપત્રમાં નવા કામ તરીકે સમાવેશ કરવામાં આવ્યો છે.

પાવાગઢ અને આસપાસના યાત્રાધામો ખાતે રૂ.187.49 કરોડના ખર્ચે વિકાસકાર્યો

પાવાગઢ યાત્રાધામ અને તેની આસપાસના તીર્થક્ષેત્રોમાં અંદાજે ₹187.49 કરોડના વિકાસકાર્યો હાથ ધરવામાં આવ્યા છે. પાવાગઢ યાત્રાધામ ખાતે ₹121 કરોડના ખર્ચે વિવિધ વિકાસકાર્યો પૂર્ણ કરવામાં આવ્યા છે અને માંચી ચોક ખાતે ₹12.91 કરોડના વિવિધ વિકાસકાર્યો પ્રગતિ હેઠળ છે. તેમાં ઑફિસ બ્લોકનું બાંધકામ, ચાચર ચોકનું સ્ટોન ફલોરિંગ, મલ્ટી લેવલ પાર્કિંગ, પ્રવેશ દ્વાર, સાઇનેજિસ, ફાયર-ફાઇટિંગ, વોટર સપ્લાયના જેવા વિકાસકાર્યોનો સમાવેશ થાય છે. ચાંપાનેરમાં અંદાજિત ₹42 કરોડના ખર્ચે રોડ-રસ્તા અને પાર્કિંગના વિવિધ વિકાસકાર્યો શરૂ કરવામાં આવશે. પાવાગઢ ખાતે આવેલ વડા તળાવ પાસે ₹11.58 કરોડના ખર્ચે ટેન્ટ સિટી બનાવવામાં આવશે.

અંબાજી-બહુચરાજી યાત્રાધામોની આસપાસના યાત્રાધામોનો રૂ.216.51 કરોડના ખર્ચે વિકાસ

રાજ્યના મહત્વના અંબાજી-બહુચરાજી જેવા યાત્રાધામોની આસપાસ આવેલા યાત્રાધામોનો વિકાસ ₹216.51 કરોડના ખર્ચે કરવામાં આવી રહ્યો છે. આ પૈકી, માસ્ટર પ્લાનિંગની કાર્યવાહી હેઠળ અંબાજીની આસપાસ આવેલ યાત્રાધામોનો ₹135.51 કરોડના ખર્ચે વિવિધ પ્રકારે વિકાસ કરવામાં આવી રહ્યો છે. આ વિકાસકાર્યોમાં, ₹3 કરોડના ખર્ચે  કોટેશ્વર મહાદેવ મંદિરના પહેલા તબક્કાના વિકાસકાર્યો પૂર્ણ થઈ ચૂક્યા છે,  રીંછડિયા મહાદેવ અને તેની પાસે આવેલા તળાવનું ₹53.95 કરોડના ખર્ચે બ્યુટિફિકેશનનું કામ અને તેલિયા ડેમ ખાતે ₹12.10 કરોડના ખર્ચે વિકાસકાર્યો પ્રગતિ હેઠળ છે. આ સાથે જ, શ્રી કોટેશ્વર મહાદેવ મંદિર ખાતે બીજા તબક્કાના કાર્યો, શ્રી કામાક્ષી મંદિર અને શ્રી કુંભારિયાજી જૈન તીર્થ તથા અન્ય ધાર્મિક સ્થળો ખાતે કુલ અંદાજિત ₹33 કરોડના ખર્ચના વિકાસકાર્યો આયોજન હેઠળ છે. કેન્દ્ર સરકારની ‘પ્રસાદ યોજના’ હેઠળ ₹33.46 કરોડના ખર્ચે પ્રવાસી સુવિધા કેન્દ્ર જેવા વિકાસકાર્યો પણ પ્રગતિ હેઠળ છે. અંબાજી ઉપરાંત, યાત્રાધામ બહુચરાજીના માસ્ટર પ્લાનિંગ હેઠળ ₹81 કરોડના ખર્ચે વિવિધ વિકાસકાર્યો આયોજન હેઠળ છે.

પોરબંદર, કચ્છ, દ્વારકા, સિદ્ધપુર ખાતે રૂ.318.13 કરોડના વિકાસ કાર્યો

પોરબંદર, કચ્છ, દેવભૂમિ દ્વારકા અને પાટણ જિલ્લામાં ₹318.13 કરોડના ખર્ચે યાત્રાધામોનો વિકાસ હાથ ધરવામાં આવ્યો છે. પોરબંદરમાં માધવપુર સ્થિત શ્રી કૃષ્ણ-રૂક્ષ્મણિ યાત્રાધામ ખાતે ₹42.43 કરોડ, કચ્છમાં માતાનો મઢ યાત્રાધામ ખાતે અંદાજે ₹32.70 કરોડ અને નારાયણ સરોવર ખાતે ₹30 કરોડના ખર્ચે વિકાસકાર્યો કરવામાં આવી રહ્યા છે. તેવી જ રીતે દેવભૂમિ દ્વારકામાં દ્વારકા કોરિડોરનો ભવ્ય પ્રોજેક્ટ વિચારાધીન છે. તદ્ઉપરાંત; બેટ દ્વારકાના વિકાસ માટે ₹155 કરોડનું માસ્ટર પ્લાનિંગ હાથ ધરાયું છે, તેમજ ₹25 કરોડના વિવિધ વિકાસ કાર્યો પ્રગતિમાં છે. બીજી તરફ પાટણ જિલ્લાના સિદ્ધપુર ખાતે ₹33 કરોડના ખર્ચે વિવિધ વિકાસકાર્યો પ્રગતિ હેઠળ છે.

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.