Abtak Media Google News

સુપ્રીમ કોર્ટનાં ચુકાદાથી નબળા અને વંચિત જુથનાં વિદ્યાર્થીઓને લાભ મળશે: સુપ્રીમ કોર્ટમાં ચાલતા કેસમાં સરકારની તરફેણમાં ચુકાદો

નેશનલ કમિશન ફોર માઈનોરીટી એજયુકેશન ઈન્સ્ટિટયુટ એકટ હેઠળ સક્ષમ સતાધિકારીને લઘુમતી શૈક્ષણિક સંસ્થા હોવાનું પ્રમાણપત્ર મેળવવાની અરજી કરી નથી તેવી તમામ લઘુમતી શૈક્ષણિક સંસ્થાઓએ રાઈટ ટુ એજયુકેશન એકટ હેઠળ પ્રાથમિક શિક્ષણ વિભાગે ફાળવેલા વિદ્યાર્થીઓને પ્રવેશ આપવાનો રહેશે તેવી ગઈકાલે સુપ્રીમ કોર્ટે સ્પષ્ટતા કરી છે. સુપ્રીમ કોર્ટનાં ચુકાદાથી નબળા અને વંચિત જુથનાં વિદ્યાર્થીઓને લાભ મળશે.

રાજયમાં સ્વનિર્ભર લઘુમતી પ્રાથમિક શાળાઓ કે જેની પાસે સક્ષમ અધિકારીનું પ્રમાણપત્ર નથી તેવી શાળાઓએ ધો.૧માં આરટીઈ હેઠળ કુલ ૨૦૯૦ વિદ્યાર્થીઓને પ્રવેશ આપ્યો હતો પરંતુ આવી શાળાઓએ વિદ્યાર્થીઓને પ્રવેશ આપવાનો ઈન્કાર કરી દીધો હતો. આથી આવા વિદ્યાર્થીઓનાં ભવિષ્યને ધ્યાને લઈ શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાનાં માર્ગદર્શન હેઠળ સુપ્રીમ કોર્ટમાં શિક્ષણ વિભાગ દ્વારા એક અરજી કરવામાં આવી હતી અને આ કેસમાં તાત્કાલિક સુનાવણી થાય તેવી સુપ્રીમ કોર્ટમાં રજુઆત કરવામાં આવી હતી.

ઉલ્લેખનીય છે કે, ગુરુવારે સુપ્રીમ કોર્ટ દ્વારા સરકારની તરફેણમાં ચુકાદો આપતા ૨૦૯૦ વિદ્યાર્થીઓને આનો સીધો લાભ મળશે. શિક્ષણ વિભાગે આરટીઈનાં પ્રથમ રાઉન્ડમાં ૧૧૭ શાળાઓમાં ૨૦૯૦ વિદ્યાર્થીઓને પ્રવેશ આપ્યા હતા જેમાં ૩૩ જેટલી શાળાઓએ ૩૭૮ વિદ્યાર્થીઓને પ્રવેશ આપ્યા હતા અને સુપ્રીમ કોર્ટનાં આ ચુકાદાથી વધુ ૭૯ શાળાઓએ ૧૬૫૧ વિદ્યાર્થીઓને પ્રવેશ આપવાનો રહેશે.

જે લઘુમતી શાળાઓએ નેશનલ કમિટી ફોર માઈનોરીટી એજયુકેશન ઈન્સ્ટિટયુટ દિલ્હી ખાતે લઘુમતીનાં પ્રમાણપત્ર મેળવવા અરજી કરી છે જેનો નિર્ણય હજુ આવ્યો નથી તેવી ૧૭ શાળાઓમાં ફાળવાયેલા ૪૧૫ વિદ્યાર્થીઓને અન્ય શાળામાં પ્રવેશ ફાળવી દેવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.