Abtak Media Google News

ભારતીય મહિલા ટીમના કેપ્ટન મિતાલી રાજે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 10,000 રન પૂર્ણ કર્યા છે. મહિલા આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં આ સિદ્ધિ હાંસલ કરનારી તે બીજી ખેલાડી છે. લખનૌમાં દક્ષિણ આફ્રિકા સામે રમાયેલી ત્રીજી વન-ડે મેચમાં શુક્રવારે મિતાલીએ આ સ્થાન પ્રાપ્ત કર્યું છે. મિતાલી પહેલા ઇંગ્લેન્ડના પૂર્વ સુકાની ચાર્લોટ એડવર્ડ્સ 10,000ના આંકડાને સ્પર્શી શક્યા હતાં.

મિતાલીએ 212 આંતરરાષ્ટ્રીય વન-ડેમાં 50.53ની સરેરાશથી 6,974 રન બનાવ્યા છે, જેમાં 7 સદી અને 54 અર્ધસદીનો સમાવેશ છે. મિતાલીનો સૌથી વધુ સ્કોર અણનમ 125 છે. મિતાલી રાજે 10 ટેસ્ટમાં 51ની સરેરાશથી 663 રન બનાવ્યા છે, જેમાં એક સદી અને 4 અડધી સદીનો સમાવેશ છે. ટેસ્ટમાં તેનો સર્વોચ્ચ સ્કોર 214 રન છે. જે તેણે 2002માં ઈંગ્લેન્ડ વિરુદ્ધ બનાવ્યો હતો. મિતાલીએ 89 ટી-20 મેચોમાં 2,364 રન બનાવ્યા, જેમાં 17 અર્ધ-સદીનો સમાવેશ થાય છે.

મિતાલી રાજે જૂન 1999માં ભારત માટે વન-ડેમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પ્રવેશ કર્યો હતો. હાલમાં 311મી આંતરરાષ્ટ્રીય મેચ રમી હતી. આ મેચ પહેલા મિતાલીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 9,965 રન બનાવ્યા હતા. 35 રન બનાવતાની સાથે જ તેણે 10,000 ના જાદુઈ આંકડાને સ્પર્શ કર્યો. પરંતુ તે તેની ઇનિંગ લાંબી ખેંચી શક્યો નહીં. 36 રન બનાવ્યા બાદ તેણે તેની વિકેટ ગુમાવી દીધી હતી. મિતાલી પાસે હવે 46.73 ની સરેરાશ સાથે કુલ 10,001 આંતરરાષ્ટ્રીય રન છે. મિતાલીએ તેની કારકિર્દીમાં રેકોર્ડ 75 અર્ધસદી અને 8 સદી ફટકારી છે.

38 વર્ષીય મિતાલી રાજને મહિલા ક્રિકેટની સચિન કહેવામાં આવે છે. માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરે પણ મિતાલીને આ ભવ્ય સિદ્ધિ બદલ અભિનંદન પાઠવ્યા હતા.ભારતીય ક્રિકેટ બોર્ડ (બીસીસીઆઈ) એ તેની ઉપલબ્ધી બદલ અભિનંદન આપતાં કહ્યું કે, ‘શાનદાર ક્રિકેટર છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 10,000 રન પૂરા કરનારી પ્રથમ ભારતીય મહિલા બેટ્સમેન.

ચાર્લોટ એડવર્ડ્સે તેની કારકિર્દીની 309 મેચોમાં 10,273 રન બનાવ્યા. ચાર્લોટે ટેસ્ટમાં 1676, વન ડે ઈન્ટરનેશનલમાં 5,996 અને ટી 20 આંતરરાષ્ટ્રીયમાં 2,605 રન બનાવ્યા હતા. મિતાલી પાસે હવે ચાર્લોટનો રેકોર્ડ પણ પાછળ રાખવાની તક છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.