- લાજપોરના પાકા કામના કેદીને ચેક કરતાં મોબાઈલ મળ્યા
- ચાર્જર સહિતના ઉપકરણ છુપાવ્યા હતા અંડરવેરમાં
- પોલીસે સમગ્ર મામલે કરી કાર્યવાહી
સુરત સહિત ગુજરાતની જેલોમાં અવારનવાર કેદીઓના બેરેકમાંથી મોબાઈલ અને પ્રતિબંધિત સામગ્રી મળતી હોય છે. જેને કેદીઓ જેલ પ્રશાસનથી છુપાવીને જેલમાં લાવતા હોય છે. તેમજ મોટા ગુનેગારો મોબાઈલ મારફતે પોતાની ગેંગને ઓપરેટ પણ કરતા હોય છે. ત્યારે સુરતની લાજપોર જેલમાંથી મોબાઈલ મળી આવ્યો હતો. આ દરમિયાન કેદીને સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો. જેને હોસ્પિટલમાંથી જ 3 મોબાઈલ પોતાની પાસે છુપાવીને સાથે સાથે લાવ્યો હતો.
જેલમાંથી 3 મોબાઈલ મળ્યા
મળતી માહિતી અનુસાર, સુરતની લાજપોર જેલના કેદી જગતારસિંહ ગડરિયાને સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. આ ઉપરાંત કોઈને શંકા ન જાય તે રીતે કેદીએ 3 મોબાઈલ છુપાવી અને પોતાની સાથે જેલમાં લઈ આવ્યો હતો. ત્યારબાદ જેલ પ્રશાસન દ્વારા કેદીની તપાસ કરતા તેની પાસેથી 3 મોબાઈલ અને એક ચાર્જર મળી આવતા ભાંડો ફૂટ્યો હતો. જેથી કેદી જગતારસિંહ ગડરિયાએ તેના હાથની નસ કાપી નાખીને પોતાને ઈજા પહોચાડવાનો પ્રયાસ કર્યો હતો.
કેદી સામે કાર્યવાહી :
લાજપોર જેલ પ્રશાસનને કેદી પાસેથી 3 મોબાઈલ મળી આવતા કેદી જગતારસિંહ ગડરિયા સામે કાર્યવાહી કરવામાં આવી છે. ત્યારે સિવિલમાં મોબાઈલ કોણ આપી ગયું તે એક સવાલ સામે આવ્યો છે. તેમજ કેદીની પ્રશાસન દ્વારા હાલ પૂછપરછ ચાલી રહી છે. આ ઉપરાંત તેને મોબાઈલ આપવામાં કોની સંડોવણી છે. તે તપાસ બાદ જ બહાર આવી શકે છે. તે પહેલા પણ લાજપોર જેલમાંથી ઘણીવાર કેદીઓ પ્રતિબંધિત વસ્તુઓ અને મોબાઈલ પોતાની સાથે છુપાવીને લાવ્યા હોવાની ઘટનાઓ બની છે.