Abtak Media Google News

ટ્રાઇના આંકડા મુજબ ગુજરાતમાં મોબાઈલ સબ્સ્ક્રાઈબર્સની સંખ્યામાં ૧૩.૬ લાખના ઘટાડો: હાલ ૬.૮ કરોડ કનેક્શન સક્રિય 

ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયાના (ટ્રાઈ) લેટેસ્ટ ટેલિકોમ સબસ્ક્રિપ્શન રિપોર્ટ પ્રમાણે, ગુજરાતમાં સપ્ટેમ્બરમાં મોબાઈલ સબ્સ્ક્રાઈબર્સમાં ૧૩.૬ લાખ જેટલો ધરખમ ઘટાડો થયો હતો. રિપોર્ટ દર્શાવે છે કે, ગુજરાતમાં ઓગસ્ટમાં કુલ મોબાઈલ સબ્સ્ક્રાઈબર ૭ કરોડ હતા જે સપ્ટેમ્બરમાં ઘટીને ૬.૮ કરોડ થયા હતા. જેનો સીધો અર્થ થાય છે કે, ગુજરાતની કુલ વસ્તી ૬.૫૦  કરોડની છે જ્યારે તેની સામે ૭ કરોડ સીમકાર્ડ કનેક્શન છે. તો વધારાના ૫૦ લાખ કનેક્શનને મોબાઈલનું ગાંડપણ સમજવું કે શું ? તેવો સવાલ પણ ઉઠ્યો છે.

તમામ મોટી ટેલિકોમ કંપનીઓમાં સપ્ટેમ્બરમાં ગ્રાહકોની સંખ્યામાં ઘટાડો નોંધાયો હતો. ટેલિકોમ ઈન્ડસ્ટ્રીના સૂત્રોએ કોરોના મહામારીની બીજી લહેર આસપાસ લોકોની નબળી ખર્ચ ક્ષમતાને આ ઘટાડા માટે કારણભૂત ગણાવી હતી. જેના કારણે મોબાઈલ કનેકશન રદ કરવામાં આવ્યા હતા અથવા રિચાર્જ થયા નહોતા. સતત બિલની ન ચૂકવણી કરવાની અથવા કનેકશન રિચાર્જ ન કરવાની અસર બે-ત્રણ મહિના પછી સપ્ટેમ્બરમાં જોવા મળી હતી, જયારે કનેકશન ઈનએકિટવ થયા હતા.

બીજી લહેર દરમિયાન, દ્યણા લોકો, ખાસ કરીને પિરામિડમાં નીચે આવનારા તેમના કનેકશન રિચાર્જ કરવામાં અથવા તેમના મોબાઈલ બિલ નિયમિતપણે ચૂકવવામાં નિષ્ફળ ગયા હતા. પૈસા ચૂકવ્યા વિના અથવા રિચાર્જ કર્યા વિના કનેકશન બે મહિના સુધી નિષ્ક્રિય રહ્યા બાદ, મોબાઈલ કનેકશનની સંખ્યા ઘટી ગઈ હતી. તેની અસર સપ્ટેમ્બરમાં જોવા મળી હતી’, તેમ સૂત્રોએ કહ્યું હતું.

રિલાયન્સ જિયો, કે જે વર્તમાનમાં ગુજરાતમાં સૌથી વધારે સબ્સ્ક્રાઈબર ધરાવે છે તેમણે ૧૦.૯૮ લાખ જેટલા કનેકશન ગુમાવ્યા હતા, જયારે વોડાફોન-આઈડિયાએ ૧.૪૮ લાખ સબ્સ્ક્રાઈબર, એરટેલે ૧.૨૪ સબ્સ્ક્રાઈબર ગુમાવ્યા હતા. રાજયની માલિકીની ટેલિકોમ કંપની બીએસએનએલ, જે સતત સબ્સ્ક્રાઈબર ગુમાવી રહી હતી, તેણે સપ્ટેમ્બરમાં રાજયમાં કેટલાક નવા સબ્સ્ક્રાઈબર મેળવ્યા હતા.

સમગ્ર ભારતમાં પણ આ જ ટ્રેકન્ડ જોવા મળ્યો, જેમાં મોટાભાગની કંપનીઓના ગ્રાહકોની સંખ્યામાં ઘટાડો નોંધાયો હતો. ટ્રાઇના ડેટા પ્રમાણે, દેશભરના ગ્રામીણ મોબાઈલ સબ્સ્ક્રાઈબરની સરખામણીમાં શહેરી સબ્સ્ક્રાઈબરની સંખ્યામાં ભારે ઘટાડો જોવા મળ્યો હતો. જો કે, ગુજરાત માટે ચોક્કસ ડેટા ઉપલબ્ધ નથી.

સબ્સ્ક્રાઈબરની સંખ્યામાં ઘટાડો થવાની સાથે, ગુજરાતમાં ટેલિ-ડેન્સિટી ઓગસ્ટમાં ૯૯.૬૨ ટકાથી ઘટીને ૯૭.૬ ટકા થઈ ગઈ હતી. આ વર્ષના જુલાઈ મહિનામાં ટેલિ-ડેન્સિટી ૧૦૦.૧૭ ટકાને સ્પર્શી ગઈ હતી, જે ફરી એકવાર ઘટતા સબ્સ્ક્રાઈબર સાથે ઘટવા લાગી હતી.

હકીકતમાં, ટ્રાઇના ડેટા પ્રમાણે, ગુજરાતમાં જૂનમાં મોબાઈલ સબ્સ્ક્રાઈબરે ૭ કરોડનો આંકડો પાર કર્યો હતો. તેનો અર્થ એ થયો કે, રાજયમાં સબ્સ્ક્રાઈબરમાં વધારો થયાના માંડ બે મહિના પછી, મોબાઈલ કનેકશન રદ થવા લાગ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.