- ઇન્ટરનેશનલ ફ્લાઇટ ઓપરેશનને હેન્ડલ કરવા માટે તમામ જરૂરી ઇન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર: અદ્યતન ટર્મિનલમાં 20 ચેક-ઇન કાઉન્ટર, 7 બોર્ડિંગ ગેટ, 5 ક્ધવેયર બેલ્ટની સુવિધા
- હવે, રાજકોટ એરપોર્ટ પર 4 બોર્ડિંગ ગેટ્સમાં પેસેન્જર બોર્ડિંગ (એરોબ્રીજ)નો પણ સમાવેશ
- રાજકોટના હિરાસર સ્થિત ગ્રીનફિલ્ડ રાજકોટ ઈન્ટરનેશનલ એરપોર્ટનું પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે ખાતમુહૂર્ત બાદ તબક્કાવાર નિર્માણ પ્રક્રિયા હાથ ધરાઈ રહી છે. જેનું પ્રધાનમંત્રીના હસ્તે ગત તા. 27 જુલાઈ, 2023 ના રોજ લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
હિરાસર એરપોર્ટ ખાતે આંતરરાષ્ટ્રીય કક્ષાના એરપોર્ટના સંચાલન માટે જરૂરી સુવિધાઓમાં નિરંતર ઉમેરો કરવામાં આવી રહ્યો છે. જેના અનુસંધાને રાજકોટ ઈન્ટરનેશનલ એરપોર્ટનું નવું ટર્મિનલ બિલ્ડીંગ તૈયાર થઈ ચૂક્યું છે. જેનું લોકાર્પણ આગામી તા. 9 મી ફેબ્રુઆરી, ના રોજ કરવામાં આવશે.
આ અંગે વધુ વિગત આપતા એરપોર્ટ ડાયરેક્ટર દિગંત બોરાએ જણાવ્યું છે કે, આ નવું ટર્મિનલ કુલ 23 હજાર ચો.મી.ના વિસ્તારમાં નિર્માણ કરવામાં આવ્યું છે. જે પીક અવર્સ દરમિયાન 2800 મુસાફરોને સેવા આપવા માટે સજ્જ કરાયું છે. અહીં કુલ 7 બોર્ડિંગ ગેટ છે, જેમાં 3 ગ્રાઉન્ડ ફ્લોર બોર્ડિંગ ગેટ દૂરથી પાર્ક કરેલા અને નાના એરક્રાફ્ટના મુસાફરોના ઉપયોગ માટે છે. જયારે અન્ય 4 બોર્ડિંગ ગેટ્સમાં પેસેન્જર બોર્ડિંગ બ્રિજ (એરોબ્રિજ) છે. જે ટર્મિનલને 4 પાર્કિંગ બેઝ સાથે જોડે છે. જે એ-321 પ્રકારના એરક્રાફ્ટને હેન્ડલ કરવા માટે સક્ષમ છે.
અહીં પેસેન્જરની સુવિધાઓમાં 20 ચેક-ઇન કાઉન્ટર (કુલ 36 કાઉન્ટરો માટે જોગવાઈ છે), 5 ક્ધવેયર બેલ્ટ અને ફૂડ અને બેવરેજીસ (ખાદ્ય અને પીણા) સહીતની શોપ્સ માટે પૂરતી જગ્યા ઉપલબ્ધ કરાવવામાં આવી છે.
હાલમાં ટર્મિનલ બિલ્ડીંગમાં 450 મુસાફરો માટે બેઠક વ્યવસ્થા કરવામાં આવી છે, જ્યારે જરૂર પડે ત્યારે બેઠક ક્ષમતા વધારી શકાય એમ છે. બિલ્ડિંગમાં અરાઇવલ અને ડિપાર્ચર હોલમાં એક-એક એમ કુલ બે વીઆઇપી લાઉન્જ છે. અહીં 2 બેબી કેર રૂમ અને 3 સ્મોકિંગ રૂમ છે. એરપોર્ટના શહેરની બાજુનો વિસ્તાર 300 કાર અને 75 ટુ-વ્હીલર પાર્ક કરવાની ક્ષમતા સાથે વિકસાવવામાં આવ્યો છે.
નવા સંકલિત ટર્મિનલ બિલ્ડીંગમાં આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ ઓપરેશનને હેન્ડલ કરવા માટે જરૂરી તમામ ઇન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર કરાયું છે. ડિપાર્ચર હોલમાં 12 ઈમીગ્રેશન કાઉન્ટર અને અરાઈવલ હોલમાં 16 ઈમીગ્રેશન કાઉન્ટર ઉભા કરાયા છે. ડિપાર્ચર હોલ અને અરાઈવલ હોલમાં એક કસ્ટમ્સ કાઉન્ટર બનાવવામાં આવ્યું છે.
રાજકોટ ખાતે આંતરરાષ્ટ્રીય ઉડાન માટે જરૂરી પ્રક્રિયાઓમાં કસ્ટમ્સ અને ઈમિગ્રેશનની મંજૂરી મેળળવા માટે પ્રક્રિયા હાથ ધરવામાં આવી હોવાનું એરપોર્ટ ડાયરેક્ટર દિગંત બોરાએ માહિતી આપતાં જણાવ્યું છે.