ગરબા બનાવવા પરંપરાગત ચાખડાની જગ્યા લેતું આધુનિક મશીન

કેશોદના ડાયાભાઈ દેવળીયા આજે પણ દર વર્ષે ૨૫૦૦ જેટલા ગરબા બનાવે છે

દેવી શકિત માં અંબાની આરાધનાની નવરાત્રી આગામી ૧૦ તારીખથી શરૂ થઈ રહી છે ત્યારે તમામ શહેરોની બજારોમાં ગરબાનું વેચાણ થઈ રહ્યું છે ત્યારે કેશોદ શહેરમાં પણ વિવિધ રંગોથી રંગેલા અને શણગાર સજેલા ગરબા બજારમાં વેચાણમાં જોવા મળી રહ્યા છે જે સાદા ગરબા ખરીદી તેમજ રંગબેરંગી કલર તથા વિવિધ પ્રકારની ડિઝાઈનો સાથે તૈયાર કરી ગરબા રૂ.૩૦ થી લઈ ૧૫૦ રૂપીયા સુધીમાં વેચાણ થઈ રહ્યું છે.

દેવી શકિત મા અંબાની આરાધના માટે બાળાઓને ગરબે રમવા માટે લોકો ગરબાની ખરીદી કરી રહ્યા છે. આજના આધુનિક જમાના સાથે માનવી પણ આગળ વધી રહ્યો છે ત્યારે મોટાભાગના અને ખાસ કરીને યુવા વર્ગ ગરબા કેવી રીતે તૈયાર થાય છે જેનાથી અપરિચિતિ હશે ત્યારે આવો આપણે જાણીએ ગરબા કેવી રીતે તૈયાર કરવામાં આવે છે.

હાલમાં આધુનિક જમાનામાં ગરબા બનાવવા માટે પણ આધુનિક મશીનોનો ઉપયોગ થવા લાગ્યો છે ત્યારે વર્ષોની વારસાગત પરંપરા જાળવી રાખનાર કેશોદ તાલુકાના નુનારડા ગામના ડાયાભાઈ વેલજીભાઈ દેવળીયા જેઓ ૫૦ થી પણ વધારે વર્ષોથી દેશી ગરબા બનાવવાનો વારસો જાળવી રાખ્યો છે.

આજે પણ તેઓ દેશી ગરબા બનાવવા અથાગ મહેનત કરી રહ્યા છે જે માટી પલાળી તેમાં લાકડાનો સોલ રાખી પાણી મીક્ષ કરી તે માટીને પગથી ખુંદવામાં આવે છે. બાદમાં માટીના પીંડલાને ખુંદીને ચાકળા ઉપર ચડાવવામાં આવે છે. જેમાં પણ હાથની મહેનતથી ચાકળો ચલાવી ગરબાનો આકાર આપી ગરબો બનાવી થોડો સમય સુકવ્યા બાદ ગરબામાં કાણા પાડવામાં આવે છે ત્યારબાદ ફરીથી સુકવવામાં આવે છે. બાદમાં નિભાણામાં ગરબાને પકવવામાં આવે છે. ગરબો પકવ્યા બાદ સાદો કલર કરવામાં આવે છે.

ડાયાભાઈ દેવળીયાએ જણાવ્યું હતું કે, દર વર્ષે જેઠ મહિનાથી ગરબા બનાવવાની શરૂઆત કરવામાં આવે છે. એક દિવસના સરેરાશ ૨૫ ગરબા તૈયાર થાય છે. જેઓ દર વર્ષે બે હજારથી ૨૫૦૦ ગરબા તૈયાર કરે છે. જેમને એક ગરબા દીઠ પાંચ રૂપીયાનો ખર્ચ થાય છે તૈયાર કરેલા ગરબા વેપારીઓને આઠ રૂપીયાના ભાવે વેચાણ કરે છે. તેમજ તેમના નુનારડા ગામમાં છુટક વેચાણ કરે છે.

વધુ મહેનત અને ઓછુ વળતર હોવાના કારણે આવા અનેક કલાના કારીગરો ધીમે ધીમે અન્ય વ્યવસાય તરફ આગળ વધી રહ્યા છે. પૌરાણિક કથા અનુસાર મહિષાસુર નામનો રાક્ષસ હતો જેમણે ઘોર તપસ્યા કરી અગ્નિદેવને પ્રસન્ન કરી વરદાન મેળવ્યું હતું કે કોઈપણ નર જાતીના શસ્ત્રથી મૃત્યુ ન પામી શકે જે વરદાન મેળવતાની સાથે પોતાને ભગવાન સમજવા લાગ્યો અને ત્રણેય લોકમાં હાહાકાર મચાવી દીધો બધા જ દેવોને હરાવી ઋષિઓના આશ્રમોનો પણ નાશ કર્યો હતો.

બધા જ દેવોએ દેવી શકિતની આરાધના કરીને પ્રસન્ન કર્યા અને મહિષાસુરની મુસીબતમાંથી ઉગારવા કહ્યું ત્યારે દેવી શકિતએ મહિષાસુર સાથે નવ દિવસ યુદ્ધ કર્યું અને દશમાં દિવસે મહીષાસુરનો નાશ કર્યો દેવી શકિતએ નવ દિવસ સુધી મહિષાસુર સાથે યુદ્ધ કર્યું હતું.

જેથી નવ દિવસ દરમિયાન માતાજીની ઉપાસના કરવામાં આવે છે. ખુબ જ ભાવ સાથે માતાજીના ગરબા રમવામાં આવે છે જેને નવરાત્રી તરીકે મનાવવામાં આવે છે એવું કહેવાય છે કે નવરાત્રી દરમિયાનમાં શકિતની આરાધના કરવાથી અપાર શકિત પ્રાપ્ત થાય છે તેથી ઘણા લોકો નવરાત્રી દરમિયાન નવ દિવસ સુધી ઉપવાસ કરે છે.

અને માં અંબાની આરાધના કરીને તેમની કૃપા મેળવે છે. નવરાત્રીના આઠમા દિવસે યજ્ઞ પણ કરવામાં આવે છે. દેવી શકિતએ યુદ્ધમાં મહિષાસુરનો દશેરાના દિવસે નાશ કર્યો હતો ત્યારે બધા દેવો અને ત્રણેય લોકમાં ઉત્સવ મનાવ્યો હતો જેને આજે પણ દશેરા તરીકે ઉજવીએ છીએ.