મોદી મંત્ર-2: ત્રાસવાદને ખતમ કરવા સરકાર સતત એક્શન મોડમાં

  • ભારત-મ્યાનમાર સરહદે આતંકીઓનો ખાત્મો બોલાવનારા લેફ્ટનન્ટ જનરલ અનિલ ચૌહાણ બન્યાં દેશના નવા સીડીએસ
  • સરહદ બહાર અને ભીતર આતંકવાદનો સફાયો બોલાવવા સરકારનું મહત્વપૂર્ણ પગલું

ત્રાસવાદ અને આતંકવાદનો ખાત્મો કરવા સરકાર સતત એક્શન મોડમાં છે. ભારતને આતંકવાદમુક્ત બનાવવાની પહેલને ભાગરૂપ પગલાંઓ સતત લેવાઈ રહ્યા છે તેવા સમયમાં ફક્ત સરહદની બહાર નહીં પરંતુ સરહદની ભીતર રહેલા ઘરના ઘાતકીને પણ ઠેકાણે પાડી દેવા પગલાં લેવાઈ રહ્યા છે. એક તરફ પાકિસ્તાન અને બીજી બાજુ ચાઈનાને કાબુમાં રાખી ભારત એશિયા ખંડમાં સર્વસ્વ બની જશે અને સાથોસાથ આર્થિક મહાસતા બનવા માટે પણ આતંકવાદમુક્ત બનવું જરૂરી હોવાથી સરકારનું સંપૂર્ણ ધ્યાન હાલ આ દિશામાં છે. તેવા સમયમાં ભારતીય સરહદને સંપૂર્ણપણે સુરક્ષિત બનાવી દેવા અને સતત નવી ટેકનોલોજી સાથે સંરક્ષણ ક્ષેત્રને સમૃદ્ધ બનાવવા ભારતના ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ તરીકે લેફ્ટન્ટ જનરલ અનિલ ચૌહાણની નિમણુંક કરી દેવામાં આવી છે.

લેફ્ટનન્ટ જનરલ (નિવૃત્ત) અનિલ ચૌહાણ આગામી ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (સિડીએસ) હશે. સરકારે બુધવારે તેમના નામ પર મહોર મારી દીધી છે. બિપિન રાવતના નિધન બાદ આ પદ ખાલી હતું. બિપિન રાવતનું ગયા વર્ષે હેલિકોપ્ટર અકસ્માતમાં મૃત્યુ થયું હતું. અનિલ ચૌહાણ સરકારના લશ્કરી બાબતોના વિભાગના સચિવ તરીકે પણ કામ કરશે. વર્તમાનમાં ચૌહાણ એનએસસીએસના લશ્કરી સલાહકાર તરીકે સેવા આપી રહ્યા છે. તેઓ ગયા વર્ષે મે મહિનામાં નિવૃત્ત થયા બાદથી આ ભૂમિકામાં હતા. બાલાકોટમાં જ્યારે હુમલો થયો ત્યારે તેઓ ડીજીએમઓ હતા. ઉપરાંત ઓપરેશન સનરાઇઝ તેમના જ મગજની ઉપજ હતી. ઓપરેશન સનરાઈઝ ભારત-મ્યાનમાર સરહદે આતંકવાદી પ્રવૃત્તિઓ આચરનાર સામે લાલ આંખ સમાન ઓપરેશન હતું જેની નોંધ વિશ્વભરમાં લેવાઈ હતી.

સરકારે લેફ્ટનન્ટ જનરલ અનિલ ચૌહાણને આગામી ચીફ ઑફ ડિફેન્સ સ્ટાફ તરીકે નિયુક્ત કરવાનો નિર્ણય લીધો છે. તેઓ સરકારના લશ્કરી બાબતોના વિભાગના સચિવ તરીકે પણ કામ કરશે. અનિલ ચૌહાણની આર્મીમાં 40 વર્ષથી વધુની કારકિર્દી છે. લેફ્ટનન્ટ જનરલ અનિલ ચૌહાણે અનેક આદેશોની લગામ પોતાના હાથમાં રાખી છે. તેમની પાસે જમ્મુ-કાશ્મીર અને ઉત્તર પૂર્વમાં આતંકવાદ વિરોધી કામગીરીનો બહોળો અનુભવ છે.

અનિલ ચૌહાણનો જન્મ 18 મે 1961 ના રોજ થયો હતો. તેઓ 1981 માં ભારતીય સેનાની 11 ગોરખા રાઈફલ્સમાં સામેલ થયા હતા. તેઓ નેશનલ ડિફેન્સ એકેડમી ખડકવાસલા અને ઈન્ડિયન મિલિટરી એકેડમી દેહરાદૂનના ભૂતપૂર્વ વિદ્યાર્થી છે. મેજર જનરલ તરીકે તેમણે ઉત્તરી કમાન્ડમાં નિર્ણાયક બારામુલ્લા સેક્ટરમાં ઇન્ફન્ટ્રી ડિવિઝનની કમાન સંભાળી હતી. બાદમાં લેફ્ટનન્ટ જનરલ તરીકે તેમણે ઉત્તરપૂર્વમાં કોરની કમાન સંભાળી. સપ્ટેમ્બર 2019 માં તેઓ ઈસ્ટર્ન કમાન્ડના જનરલ ઓફિસર કમાન્ડિંગ-ઈન-ચીફ બન્યા. તેઓ મે 2021 માં તેમની નિવૃત્તિ સુધી આ પદ પર રહ્યા હતા.

આ કમાન્ડ નિયુક્તિઓ ઉપરાંત ચૌહાણે મિલિટરી ઓપરેશન્સના ડાયરેક્ટર જનરલના ચાર્જ સહિત મહત્વપૂર્ણ સ્ટાફ નિમણૂકો પણ સંભાળી હતી. આ પહેલા ચૌહાણ અંગોલામાં સંયુક્ત રાષ્ટ્ર મિશનમાં પણ સેવા આપી ચૂક્યા છે. ચૌહાણ 31 મે 2021 ના રોજ ભારતીય સેનામાંથી નિવૃત્ત થયા હતા. સેનામાંથી નિવૃત્ત થયા પછી પણ તેમણે રાષ્ટ્રીય સુરક્ષા અને વ્યૂહાત્મક બાબતોમાં યોગદાન આપવાનું ચાલુ રાખ્યું. આર્મીમાં તેમની શાનદાર અને વિશિષ્ટ સેવા માટે લેફ્ટનન્ટ જનરલ અનિલ ચૌહાણ (નિવૃત્ત)ને પરમ વિશિષ્ટ સેવા મેડલ, ઉત્તમ યુદ્ધ સેવા મેડલ, અતિ વિશેષ સેવા મેડલ, સેના મેડલ અને વિશિષ્ટ સેવા મેડલ એનાયત કરવામાં આવ્યા છે.

હવે ડ્રેગનને ‘નાથવા’ ભારત-ચાઈના બોર્ડર પર ‘જંગલી શિકારી’ જેવા કામિકાઝે ડ્રોન તૈનાત કરાશે!!

જંગલમાં ભયજનક પ્રાણીઓ તેમના શિકાર પર ઉતાવળમાં હુમલો કરતા નથી. તેઓ નજર રાખે છે, થોડો સમય ઘાત લગાડયા બાદ તેઓ શિકાર પર હુમલો કરે છે. તેવું જ એક હથિયાર પણ છે, જેને આત્મઘાતી ડ્રોન અથવા કેમિકેઝ ડ્રોન કહેવામાં આવે છે. આ એક વેપન સિસ્ટમ છે જે આકાશમાં ટાર્ગેટ એરિયામાં થોડો સમય રાહ જુએ છે અને ટાર્ગેટ દેખાઈ જાય પછી જ હુમલો કરે છે. આ હથિયારની મદદથી છુપાયેલા ટાર્ગેટને નિશાન બનાવવું સરળ બની જાય છે જે થોડા સમય માટે જ બહાર આવતા હોય છે.

આ ખૂબ જ પસંદગીયુક્ત હુમલો શક્ય બનાવે છે. યુક્રેન-રશિયા યુદ્ધમાં આ ડ્રોનની ખૂબ ચર્ચા થઈ હતી, જ્યારે અમેરિકાએ આ ખતરનાક ડ્રોન યુક્રેનને આપવાની વાત કરી હતી. પૂર્વ લદ્દાખમાં ચીનની હરકતો જોઈને હવે ભારતીય સેના કામિકાજી ડ્રોનને પણ સામેલ કરવા જઈ રહી છે. આ સિવાય શૂન્ય ડિગ્રી તાપમાનમાં કામ કરતી તોપો, અત્યાધુનિક રોકેટ સાથેના ડ્રોન અને 24 કલાક દેખરેખ રાખનારા રડાર દ્વારા ઉત્તરીય સરહદ પર સ્થિતિ મજબૂત કરવામાં આવી રહી છે. કામિકાજી ડ્રોન તુલનાત્મક રીતે નાના છે, જે લક્ષ્યો પર ચોક્કસ પ્રહાર કરવામાં સક્ષમ છે. તેને આત્મઘાતી ડ્રોન કહેવામાં આવે છે કારણ કે લક્ષ્યને લોક કર્યા પછી, તે દુશ્મનના ઠેકાણા પર જાય છે અને વિસ્ફોટકો સાથે ક્રેશ થાય છે.

આ સંદર્ભે ગયા વર્ષે ઇઝરાયેલ અને ભારત વચ્ચે એક ખાનગી સંયુક્ત સાહસ પર સહમતિ થઈ હતી. સંરક્ષણ સંસ્થાનના સૂત્રો દ્વારા જણાવવામાં આવ્યું છે કે ભારતીય કંપનીઓએ આવા હથિયારો બનાવવા માટે ઘણો રસ દાખવ્યો છે. અઝરબૈજાન-આર્મેનિયા સંઘર્ષ પછી યુક્રેન યુદ્ધમાં પણ તેનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તેને ગાઈડેડ ક્રૂઝ મિસાઈલ અને ડ્રોનનું મિશ્રણ કહી શકાય છે. શરૂઆતમાં ભારતીય સેના 100 વર્કિંગ ડ્રોન સામેલ કરવા જઈ રહી છે.

ગુજરાતની તોપ ચીનને જવાબ દેવા તૈયાર !!

ચીન સામેના વધતા સંઘર્ષને ધ્યાનમાં રાખીને ભારતીય સેનાએ બોર્ડર પર પોતાની ક્ષમતામાં વધારો કર્યો છે. સેના દ્વારા કે-9 વજ્ર હોવિત્ઝર લદ્દાખ બોર્ડર પર તૈનાત કરવામાં આવ્યું છે. નોંધનીય છે કે આ હોવિત્ઝરનું ઉત્પાદન ગુજરાતમાં કરવામાં આવ્યું છે. આ સિવાય આ પ્રકારના વધુ હોવિત્ઝરને તૈનાત કરવાની ભારતીય સેનાની યોજના છે જેના માટે પ્રસ્તાવ પણ મૂકવામાં આવ્યો છે. પૂર્વી લદ્દાખમાં ચીનની સેના દ્વારા સતત અથડામણ થતી રહેતી હોવાને કારણે ભારતીય સેના ટૂંક જ સમયમાં ‘લોઈટરિંગ મ્યુનિશન્સ’ કે જે એરિયલ વેપન સિસ્ટમ છે તેને તૈનાત કરવા જઈ રહી છે. આટલુ જ નહીં, લાંબી રેન્જ તેમજ હાઈ વોલ્યુમ ધરાવતા શીતકાલીન હોવિત્ઝર તેમજ એડવાન્સ્ડ રોકેટનો ઉપયોગ કરવાની પણ સેનાની યોજના છે.

આ એડવાન્સ્ડ રોકેટ્સમાં ડ્રોન હશે અને તેની સાથે સાથે હથિયારોને લોકેટ કરનારી રડાર પણ હશે. ઉલ્લેખનીય છે કે આ યુદ્ધ સામગ્રીની ડીલિવરી ટૂંક સમયમાં શરુ થવાની છે. ગત વર્ષે ઈઝરાયલ અને ભારતના પ્રાઈવેટ જોઈન્ટ વેન્ચર અંતર્ગત આ કોન્ટ્રાક્ટ કરવામાં આવ્યો હતો. નોંધનીય છે કે ભારતીય સેનાની યોજના વધુ 100 કે-9 વજ્ર હોવિત્ઝર અને માનવ રહિત યાન ખરીદવાની છે. ઉલ્લેખનીય છે કે ભારતીય સેના કે-9 વજ્ર ટ્રેક્ડ સેલ્ફ પ્રોપેલ્ડ હોવિત્ઝર, ઓછું વજન ધરાવતા એમ-777 હોવિત્ઝર, પિનાકા રોકેટ સિસ્ટમ વગેરે તૈનાત કરી ચૂકી છે. આ ઘટનાક્રમ સાથે સંકળાયેલા સૂત્રએ જણાવ્યું કે, સેનાની યોજના એલએસી પર પોતાના તોપખાનાના યુનિટને 90 કિમી રેન્જ વાળા માનવ રહિત યાનથી સજ્જ કરવાની છે.

પાક.ની વધુ એક નાપાક કરતૂત: ભારતમાં ડ્રગ્સ-હથિયાર ઘુસાડવા આત્મઘાતી ડ્રોનનો ઉપયોગ કરી રહ્યું છે !!

આર્થિક રીતે દેવાળીયું ફૂંકવાની તરફ ધકેલાઈ ગયેલું પાકિસ્તાન હજુ પણ સમજવા તૈયાર નથી. આર્થિક મહાસંકટનો સામનો કરી રહેલા પાકિસ્તાને ભારતમાં ડ્રગ્સ-હથિયાર ઘુસાડવા આત્મઘાતી ડ્રોનનો ઉપયોગ કરી રહ્યું છસ. આ પ્રકારના ડ્રોન આંતરરાષ્ટ્રીય સરહદથી 5 કિમી અંદર પંજાબ પ્રાંતમાં જોવા મળ્યા છે. ચાર દિવસમાં આ પ્રકારના પાંચ ડ્રોન જોવા મળ્યા છે. અંતિમ ડ્રોન અમરગઢ આઉટપોસ્ટ ખાતે જોવા મળ્યું હતું જેને સૈન્ય દ્વારા ડિટેકટ કરવામાં આવ્યું હતું. ઉપરાંત ગુરદાસપુર, અમૃતસર અને તરણ તારણ જિલ્લાઓમાં જોવા મળ્યા હતા. આ  ડ્રોન મારફત 3 કિલો હેરોઇન અને પિસ્તોલ ડ્રોપ કર્યાના ઇનપુટ મળી રહ્યા છે.

આઈએસઆઈનો પગ પેસારો: સૈન્યની બોગસ વેબસાઈટ બનાવી જવાનો પાસે ગુપ્ત વિગતો મેળવી દેશ સાથે ગદ્દારી કરનારા આઈએસઆઈના મદદગારની ધરપકડ

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે દેશવિરોધી પ્રવૃતિઓમાં સંડોવાયેલા અમદાવાદના એક 72 વર્ષીય વૃદ્ધની  ધરપકડ કરી છે. વૃદ્ધ પર પાકિસ્તાની જાસૂસને આંતરિક સુરક્ષા સંબંધિત માહિતી આપીને સિમ કાર્ડ અને વોટ્સએપ ઓટીપી દ્વારા પાકિસ્તાનીઓને મદદ કરવાનો આરોપ છે. આરોપીએ સરકારી વેબસાઈટની ક્લોન બનાવી સેનામાંથી નિવૃત્ત અને વરિષ્ઠ અધિકારીઓની માહિતી એકઠી કરી અને તેને પાકિસ્તાન મોકલ્યાનો ઘટસ્ફોટ થયો છે. આરોપી અબ્દુલ વહાબ આ માટે અમદાવાદથી સિમકાર્ડ ખરીદતો હતો.

આ સાથે અમદાવાદથી પણ અનેક સિમકાર્ડની ડિલિવરી કરવામાં આવી હતી. ઉપરાંત એવી માહિતી પણ મળી છે કે, આ શખ્સે કેન્દ્રીય સૈનિક બોર્ડ નામની બોગસ વેબસાઈટ બનાવી હતી. વેબસાઈટ થકી ભારતીય સૈન્યના અધિકારી-કર્મચારીઓને વિડીયો કોલ અને મેસેજ કરવામાં આવતા હતા. વિડીયો કોલ થતાની સાથે જ ભારતીય જવાનોના તમામ ડેટા મેળવી લેવાતા હતા અને મોબાઈલ પણ હેક કરી લેવાતો હતો જેના લીધે ખાનગી માહિતોઓ પણ ચોરી લેવાતી હતી અને ત્યારબાદ આ માહિતીનો ડર બતાવીને અન્ય ખાનગી વિગતો પણ મેળવી લેવાતી હતી.