Abtak Media Google News

રીયાદ ખાતે ફયુચર ઈન્વેસ્ટમેન્ટ ઈનીસીએટીવમાં આપશે ‘કીનોટ’ સ્પીચ

હિન્દુ નવા વર્ષ બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાઉદી અરબનાં પ્રવાસ પર જઈ રહ્યા છે જયાં તેઓ અનેકવિધ ક્ષેત્રમાં કરારો કરી દેશની અર્થવ્યવસ્થાને વધુને વધુ મજબુત બનાવવા માટેનાં પ્રયાસો હાથ ધરશે. માનવામાં આવે છે કે, સાઉદી અરેબીયા ભારતમાં આશરે ૭ લાખ કરોડ રૂપિયાનાં રોકાણો કરશે જેમાં ઉર્જા, ઓઈલ એન્ડ ગેસ, સિવિલ એવીયેશન, ઈન્ફ્રાસ્ટ્રચર સહિત અનેકવિધ ક્ષેત્રનો સમાવેશ થવા જઈ રહ્યો છે ત્યારે વડાપ્રધાન મોદીની સાઉદી અરબ યાત્રા અત્યંત વિકાસલક્ષી સાબિત થશે.

વડાપ્રધાન મોદી જે રીતે દેશને આગવી છાપ અને આગવી ઓળખ આપી રહ્યા છે ત્યારે જે રીતે ભારત દેશ સાથે વિશ્વભરના દેશો જે મૈત્રી ભાવથી વ્યાપાર સંબંધોને વિકસાવી રહ્યા છે તે જોતા લાગે છે કે, આરબ સાથેનાં વ્યાપારીક સંબંધો દેશ માટે અત્યંત ફાયદારૂપ નિવડશે. વડાપ્રધાન મોદી આરબ ખાતે સ્ટ્રેટેજીક પાર્ટનરશીપ કાઉન્સીલમાં એમઓયુ કરી ભારત દેશમાં ડિજિટલ ઈન્ડિયાને વધુને વધુ પ્રોત્સાહન મળે તે દિશામાં એક પ્રયોગ હાથ ધર્યો છે. આ તકે એકસર્ટનલ મીનીસ્ટ્રીનાં સચિવ ટી.એસ.તિરૂમુર્તીએ પત્રકારો સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે,બંને દેશો વચ્ચે સંરક્ષણ અને સુરક્ષા ક્ષેત્રે અનેકવિધ કરારો કરવામાં આવશે ત્યારે બંને દેશોની લેવલ એકસસાઈઝ વર્ષનાં અંતમાં અથવા નવા વર્ષમાં યોજાશે. રીયાદ ખાતે વડાપ્રધાન મોદી સાઉદીનાં રાજા સાથે મુલાકાત કરી સાઉદી અરબ અને ભારત સાથે થનારા કરારો અને રોકાણો વિશે ચર્ચા પણ કરશે.

આ પ્રસંગે સાઉદી અરેબીયા ફયુચર ઈન્વેસ્ટમેન્ટ ઈનીસીએટીવ સભામાં કીનોટ સ્પીચ વડાપ્રધાન મોદી દ્વારા આપવામાં આવશે. સુત્રો દ્વારા પ્રાપ્ત વિગત મુજબ ૨૯ ઓકટોબરનાં રોજ સાઉદીનાં પ્રિન્સ વડાપ્રધાન મોદી માટે બેન્કવેટ ડિનરનું આયોજન કર્યું છે. એકસટર્નલ અફેર મિનિસ્ટ્રીનાં સચિવ ટી.એસ.તિરૂમુર્તીએ માહિતી આપતા જણાવ્યું હતું કે, મહારાષ્ટ્રનાં રાયગઢ ખાતે આરએમકો જે ઓઈલ પ્લાન સ્થાપિત કરી રહ્યું છે તે દિશામાં પણ બંને દેશો વચ્ચે મંત્રણા પૂર્ણ થયા બાદ કરારો કરાશે. ઉર્જા ક્ષેત્રને પણ વધુ વેગવંતુ બનાવવા સરકાર સાઉદી સાથે જોઈન્ટ વેન્ચર સ્વરૂપે કરારો કરી દેશનાં અર્થતંત્રને ધબકતું કરવા માટે કાર્ય કરશે. ભારત માટે ઉર્જા સુરક્ષાને લઈ સાઉદી અરેબીયા સૌથી વધુ પ્રબળ માનવામાં આવે છે. સાઉદી અરેબીયા ભારતમાં ૧૭ ટકા ક્રુડ ઓઈલ અને ૩૨ ટકા એલપીજીની ખાદ્યને પુરી કરે છે.

આ તકે સચિવ તિરૂમુર્તીએ જણાવ્યું હતું કે, સાઉદી અરેબીયા ભારતમાં ઈન્ફ્રાસ્ટ્રકચર ઈન્વેસ્ટમેન્ટ ફંડ ઉભું કરવા જઈ રહ્યું છે અને માઈગ્રેશન ક્ષેત્રમાં પણ અનેકવિધ પ્રકારે કાર્યો હાથ ધરવામાં આવશે.ભારત અને સાઉદી અરેબીયા ઈ-માઈગ્રેશન ક્ષેત્રે પણ કરારો કરશે. વાત કરવામાં આવે તો રીનીએબલ એનર્જી ક્ષેત્રમાં પણ ભારત અને સાઉદી સાથે કરારો કર્યા બાદ દેશની અર્થવ્યવસ્થાને ટેકો પણ મળી રહેશે. વિશેષરૂપથી સાઉદીનાં રાજાએ ભારત માટે હજકોટામાં પણ વધારો કર્યો છે. પહેલા ભારતીયોની સંખ્યા ૧,૭૫,૦૨૫ની હતી જે વધારી ૨,૦૦,૦૦૦ કરી દેવામાં આવી છે. સુત્રોનાં જણાવ્યા અનુસાર વડાપ્રધાન મોદી અને ક્રાઉન્ડ પ્રિન્સ સલમાન બે વર્ષ બાદ મળી રહ્યા છે ત્યારે ભારત અને અરબ વચ્ચેનાં મૈત્રી સંબંધો અને વ્યાપારીક સંબંધોને નવી ઉંચાઈ મળી રહેશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.