Abtak Media Google News

મોદી જાન્યુઆરીમાં યુએઇના પ્રવાસે, ઇકોનોમીને વધુ એક બુસ્ટ આપવા આ મુલાકાત મહત્વનો ભાગ ભજવશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી જાન્યુઆરી માસમાં 2020 દુબઇ એક્સપોમાં ઇન્ડિયન પેવેલિયનમાં હાજરી આપવાના છે. જે ભારતના અર્થતંત્રને નવી દિશા આપવાની છે. મોદી વર્ષ 2024ની ચૂંટણીમાં અર્થતંત્રને મુખ્ય મુદ્દો બનાવવાના છે. ત્યારે તેઓની દુબઈ એક્સપોની આ મુલાકાત અર્થતંત્રને વધુ એક બુસ્ટર ડોઝ આપવામાં મહત્વનો ભાગ ભજવવાનું છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આગામી વર્ષ જાન્યુઆરીમાં સંયુક્ત આરબ અમીરાતનો પ્રવાસ કરશે. જે 2022માં તેમનો પહેલો વિદેશ પ્રવાસ હશે. આ અગાઉ પીએમ મોદી ગત મહિનાના અંતમાં ઈટાલી અને બ્રિટનના પ્રવાસે ગયા હતા. જ્યાં તેમણે જી-20 અને કોન્ફરન્સ ઓફ પાર્ટીઝ(કોપ-26) ના વૈશ્વિક નેતાઓના સંમેલનમાં ભાગ લીધો હતો.  પીએમ મોદીના પ્રવાસનું મુખ્ય ફોકસ સંયુક્ત આરબ અમીરાતમાં દુબઈ એક્સપોની મુલાકાત હશે, જ્યાં ઈન્ડિયન પેવેલિયને લોકોને આકર્ષિત કર્યા છે. જેમાં વડાપ્રધાન હાજરી આપવાના છે.

ભારત સ્વતંત્રતાના 75 વર્ષને અમૃત મહોત્સવ તરીકે ઉજવી રહ્યું છે અને એક્સપોમાં 4-માળનું પેવેલિયન દેશની ઉપલબ્ધિઓને દર્શાવે છે. અત્યાર સુધીમાં 4 લાખથી વધુ લોકો પેવેલિયન જોવા પહોંચ્યા છે. જેથી કરીને આ પેવેલિયન સૌથી વધુ જોવાનારા પેવેલિયનમાંથી એક તરીકે ઉભર્યું છે.

દુબઈ એક્સપોમાં સ્થિત ઈન્ડિયા પેવેલિયનને બે  ભાગમાં વિભાજિત કરાયું છે. પેવેલિયનમાં 11 પ્રાઈમરી થીમ પર ફોકસ કરાયું છે. ભારતના પેવેલિયનના 11 પ્રાઈમરી થીમ જળવાયુ અને જૈવ વિવિધતા, શહેરી અને ગ્રામીણ વિકાસ, સહિષ્ણુતા અને સમાવેશીકરણ, સ્વર્ણ જયંતી, જ્ઞાન અને શિક્ષણ, ટ્રાવેલ અને કનેક્ટિવિટી, વૈશ્વિક લક્ષ્ય, સ્વાસ્થ્ય, કૃષિ અને આજીવિકા ઉપરાંત જળ છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી  પોતાના આ પ્રવાસ દરમિયાન સંયુક્ત આરબ અમીરાતના ટોચના નેતૃત્વ સાથે વાતચીત કરશે. આ અગાઉ પીએમ મોદીએ ઓગસ્ટ 2015, ફેબ્રુઆરી 2018 અને ઓગસ્ટ 2019માં યુએઈનો પ્રવાસ કર્યો હતો. તેમને યુએઈના સર્વોચ્ચ પુરસ્કાર ઓર્ડર ઓફ ધ ઝાયદથી પણ નવાજવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કેઆ મહિનાની શરૂઆતમાં વિદેશમંત્રી ડો. એસ જયશંકરે દુબઈ એક્સપોમાં ઈન્ડિયા પેવેલિયનની મુલાકાત કરી હતી અને દેશના ટોચના નેતૃત્વ સાથે મુલાકાત કરી હતી. 3.3 મિલિયન એટલે કે 33 લાખ ભારતીયો સંયુક્ત આરબ અમીરાતમાં રહે છે અને ત્યાં મોટો પ્રવાસી સમુદાય છે. જે યુએઈની વસ્તીનો 30 ટકા છે. ત્યારે મોદીનો આ પ્રવાસ તેમને પણ આકર્ષવાનો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.