બે નંબરના નાણાં વાયા હોંગકોંગથી સફેદ કરવાનું ચક્કર ઝડપતું ઇડી

શા માટે બચ્ચન પરિવાર ઇડીના ચક્કરમાં ફસાયું?

ઇડીએ પનામાં પેપર્સ સંદર્ભે ઐશ્વર્યા રાય બચ્ચનની 6 કલાક પૂછપરછ કરી

બે નંબરના નાણા વાયા હોંગકોંગથી સફેદ કરવાનું ચકકર ઇડીએ ઝડપી પાડ્યું છે. પનામાં પેપર્સ સંદર્ભે ઇડીએ પૂછતાછ અર્થે ઐશ્વર્યા રાય બચ્ચનને પોતાની ઓફિસે બોલાવી હતી. જ્યાં છ કલાક સુધી તેની પૂછપરછ ચાલી હતી. હવે પ્રશ્ન એ સર્જાયો છે કે શા માટે બચ્ચન પરિવાર ઇડીના ચક્કરમાં ફસાયું છે શું આની પાછળ યુપીનું રાજકારણ જવાબદાર છે ? બચ્ચન પરિવારની પુત્રવધૂ ઐશ્વર્યા રાય પનામા પેપર્સ કેસ સંબંધિત તપાસને લઈને સોમવારે દિલ્હીમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ ઓફિસ પહોંચી હતી. પનામા પેપર્સ કેસમાં ચાલી રહેલી તપાસના સંદર્ભમાં ઇડીએ ઐશ્વર્યા રાયને પૂછપરછ માટે સમન્સ પાઠવ્યા હતા. ઐશ્વર્યા રાય દિલ્હીના લોકનાયક ભવનમાં હાજર થઈ હતી. લગભગ 6 કલાક સુધી ઐશ્વર્યા રાયે સવાલોના જવાબ આપ્યા બાદ ઇડીની પૂછપરછ પૂરી થઈ ગઈ છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર, ઐશ્વર્યા રાયને વર્જિન આઈલેન્ડ સ્થિત અમિક પ્રમોટર્સ પ્રાઈવેટ લિમિટેડ કંપનીની માલિકી અંગે પૂછપરછ કરવામાં આવી હતી. આ સાથે 2005 થી 2008 સુધીના કંપનીના વાર્ષિક ટર્નઓવર અને બેંક ખાતાની માહિતી પણ લેવામાં આવી હતી. પનામા પેપર્સ લીક કેસમાં ઇડીના અધિકારીઓ પાસે આ કંપની સંબંધિત તમામ દસ્તાવેજો છે, કંપનીના બેંક સ્ટેટમેન્ટ બતાવીને જરૂરી પુછપરછ કરવામાં આવી હતી. આ કંપનીમાં ઐશ્વર્યાના માતા-પિતા અને ભાઈ શેરહોલ્ડર હતા, જેના વિશે પણ ઐશ્વર્યાને સવાલો કરાયા હતા.

માહિતી અનુસાર, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા ઐશ્વર્યા રાયને પૂછવામાં આવનાર પ્રશ્નોની યાદી અગાઉથી તૈયાર કરવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, ગયા મહિને જ આ કેસમાં અભિષેક બચ્ચનની પણ કેટલીક પૂછપરછ કરવામાં આવી હતી. પનામા પેપર્સ કેસની તપાસના સંદર્ભમાં ઘણા મોટા ચહેરાઓ પર પૂછપરછ કરવામાં આવી છે. દેશની અનેક મોટી હસ્તીઓની તપાસ કરવામાં આવી છે. બોલિવૂડ એક્ટર અભિષેક બચ્ચન પણ એક મહિના પહેલા ઇડી ઓફિસ પહોંચ્યો હતો, જ્યાં તેની પૂછપરછ કરવામાં આવી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર આ કેસમાં તપાસ માટે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા અમિતાભ બચ્ચનને નોટિસ પણ મોકલી શકાય છે.

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ એ અભિનેત્રી ઐશ્વર્યા રાય બચ્ચનને 2016ના પનામા પેપર્સ લીક કેસમાં પૂછપરછ માટે સમન્સ પાઠવ્યું હતું. જ્યારે 2016માં વૈશ્વિકસ્તરે પનામા પેપર્સ લીકનો કેસ પ્રકાશમાં આવ્યો ત્યારથી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ તપાસ કરી રહ્યું છે. તેમણે બચ્ચન પરિવારને નોટિસ પાઠવીને આરબીઆઈની લિબરલાઈઝ્ડ રેમિટન્સ સ્કીમ હેઠળ 2004થી તેમના વિદેશી રેમિટન્સની વિગતો આપવા કહ્યું છે.

જ્યા બચ્ચન સમાજવાદી પાર્ટીના સાંસદ, પરિવારની હેરાનગતિ પાછળ યુપીનું રાજકારણ જવાબદાર?

જ્યા બચ્ચન સમાજ વાદી પાર્ટીના રાજ્યસભાના સાંસદ છે. હાલ ઉત્તરપ્રદેશમાં આગામી ચૂંટણીને ધ્યાને લઈને મોદી સરકારે તેના ઉપર ધ્યાન કેન્દ્રીત કર્યું છે. સરકાર યુપી ઉપર વર્ચસ્વ વધુ ગાઢ બનાવવામાં કોઈ કસર છોડવા ઇચ્છતું નથી. ત્યારે તાજેતરમાં જ અખિલેશના નજીકના લોકો ઉપર આઇટીમાં દરોડા પડયા હતા. જેની પાછળ રાજકારણ જવાબદાર હોવાની ચર્ચાએ જોર પકડ્યું હતું. તેવામાં અખિલેશની સમાજવાદી પાર્ટીના સાંસદ જ્યા બચ્ચનના પરિવાર સામે પણ અચાનક પનામાં પેપર્સનું ભૂત ધુણાવા પાછળ પણ યુપીનું રાજકારણ જવાબદાર હોવાનું મનાય રહ્યું છે. ઉલ્લેખનીય છે કે ભાજપ અને જ્યા બચ્ચન  બન્ને વચ્ચે વિવાદ ચરમસીમાએ છે. ગઈકાલે જ શિયાળુ સત્ર દરમિયાન રાજ્યસભામાં સમાજવાદી પાર્ટીના સાંસદ અને અભિનેત્રી જયા બચ્ચન ભારતીય જનતા

પાર્ટીના સાંસદો પર ખૂબ રોષે ભરાયા હતા. તે એટલા ગુસ્સામાં હતા કે હાંફવા લાગ્યા હતા. ચર્ચામાં ભાગ લેવા માટે જ્યારે પીઠાસીન અધ્યક્ષ ભુવનેશ્વર કલિતાએ જ્યારે જયા બચ્ચનનું નામ લીધું તો તેમની કોઈ વાત પર ભારતીય જનતા પાર્ટીના અમુક સભ્યોએ આપત્તિ વ્યક્ત કરી. આ બાબતે જયા બચ્ચન અને વિપક્ષના સભ્યો વચ્ચે બોલાચાલી થઈ ગઈ. તેઓએ એવું પણ કહી દીધું હતું કે હું શાપ આપું છું તમારા ખરાબ દિવસો આવશે.