- છ વર્ષમાં નાણાં ડબલ કરવાની લાલચ આપી
- કુખ્યાત અલ્પેશ દોંગાનું વધુ એક આર્થિક કૌભાંડ સામે આવ્યું : તાલુકા પોલીસ દ્વારા અટકાયત
- અગાઉ પણ વ્યાજે નાણાં ધીરી ખેડૂતની સોનાની લગડી જેવી જમીન ઠગાઈથી મળતીયાઓના નામે ચડાવી લીધી’તી
રાજકોટ શહેરની મની પ્લસ શરાફી મંડળીએ છ વર્ષમાં નાણાં ડબલ કરી દેવાની લાલચ આપીને રોકાણકારો પાસે રોકાણ કરાવી રૂ. 11.08 કરોડ ચાઉં કરી લીધાનો બનાવ સામે આવી રહ્યો છે. મંડળી સંચાલક કુખ્યાત અલ્પેશ દોંગા આણી ટોળકીએ ભૂતકાળમાં વ્યાજે નાણાં ધીરી ખેડૂતની સોનાની લગડી જેવી જમીન ઠગાઈથી મળતીયાના નામે ચડાવી લીધી હતી જે અંગે પણ ગુનો નોંધાયો હતો. હાલ 11 કરોડના ઠગાઈ પ્રકરણમાં તાલુકા પોલીસે અલ્પેશ દોંગાને અટકાયતમાં લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મની પ્લસ શરાફી મંડળીના સંચાલક અલ્પેશ દોંગા સામે અગાઉ છેતરપિંડીની એકથી વધુ ફરિયાદ નોંધાઈ ચૂકી છે તેમજ મંડળીના એક કર્મચારીએ અલ્પેશ દોંગાના લીધે ગળાફાંસો ખાઈ આપઘાત કર્યો હતો.આ ફૂલેકાબાજ શખસ સામે વધુ એક ફરિયાદ નોંધવામાં આવી છે. જેમાં આશાપુરા રોડ પર રહેતા દરજી વેપારીએ તેમના તથા તેમના સગા સંબંધીઓ તથા અન્ય 50થી વધુ રોકાણકારોના રૂપિયા 11.08 કરોડ અલ્પેશ દોંગા ઓહ્યા કરી ગયા અંગેની હકિકત જણાવી છે. જેના આધારે તાલુકા પોલીસે ગુનો નોંધી આરોપી અલ્પેશ દોંગાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી.
જાણવા મળતી વિગતો મુજબ, કરણસિંહજી હાઇસ્કૂલ પાછળ આશાપુરા રોડ પર રહેતા રશ્મિનભાઈ ચુનીલાલ પરમાર (ઉં.વ 57) નામના વેપારીએ તાલુકા પોલીસ સ્ટેશનમાં મની પ્લસ શરાફી મંડીના સંચાલક અલ્પેશ દોંગા વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી છે. વેપારીએ પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેઓને આશાપુરા મેઈન રોડ પર રંગુન ક્લોથ નામની કપડાની દુકાન આવેલી છે. આજથી આઠ વર્ષ પૂર્વે મનસુખભાઈ ગોરસંદીયા કે જેઓ સ્વામિનારાયણના સત્સંગી હોય તેઓ અવારનવાર સત્સંગમાં ભેગા થતા હોય અને તેમણે અલ્પેશ દોંગા અને તેની શરાફી મંડળી વિશે વાત કરી હતી.
બાદમાં ફરિયાદી અલ્પેશ દોગાની મની પ્લસ શરાફી મંડળીની ઓફિસ કે જે નાનામાવા રોડ પર સંભવ કોમ્પ્લેક્સમાં આવેલી હોય ત્યાં જતા અલ્પેશ દોંગાએ કહ્યું હતું કે, અમારી આ સહકારી મંડળી ગુજરાતના સહકારી અધિનિયમ હેઠળ નોંધાયેલી છે તમે અમારી મંડળીમાં એફડી કરાવશો તો વર્ષના 12 ટકા લેખે વળતર મળશે અને છ વર્ષમાં તમારી મૂડી બમણી પરત મળી જશે. આવી લાલચ આપી હતી જેથી તેના પર વિશ્વાસ કરી ફરિયાદી એ તેમના ભાભી કિશોરીબેન વિનોદકુમાર પરમાર કે જે વિધવા હોય તેમના પતિના અવસાન બાદ આવેલી રકમ સલામત રહે તે માટે રૂપિયા 14 લાખ મંડળીમાં રોક્યા હતા જેનું રેગ્યુલર વળતર મળતું હતું. અલ્પેશ દોંગા અલગ અલગ જગ્યાએ મીટીંગો કરતો હોય જેથી તેના પર વિશ્વાસ આવી ગયો હતો.
આ અલ્પેશ દોંગાએ વેપારીને કહ્યું હતું કે, તમે તમારા સગા વહાલા અને મિત્ર સર્કલમાં પણ વાત કરો કે અમારી સહકારી મંડળીમાં રોકાણ કરે બધાને સોનાના નળિયાવાળા કરી દેવા છે. જરૂર પડે તો બેંકમાંથી લોન લઇને પણ મંડળીમાં મૂકશો તો પણ નફામાં જ રહેશો તેવી વાત કરતા વેપારીને વધુ વિશ્વાસ આવી જતા તેમણે બેંકમાંથી રૂપિયા 40 લાખની લોન લઈ 3. 43 લાખનું રોકાણ આ મંડળીમાં કર્યું હતું. તેમજ તેમની પત્નીના રૂપિયા ત્રણ લાખ મળી પરિવારના કુલ રૂપિયા 60 લાખનું રોકાણ મંડળીમાં કર્યું હતું.
અગાઉ નિયમિત રીતે વળતર બેંક ખાતામાં જમા થઇ જતું હતું. પરંતુ ડિસેમ્બર 2023થી વળતર મળવાનું બંધ થઇ ગયું હતું. ત્યારબાદથી આજદિન સુધી કોઈ રકમ મળી નથી. ત્યારબાદ આ બાબતે ફરિયાદીએ તપાસ કરતા માલુમ પડયું હતું કે, મની પ્લસ શરાફી મંડળીના અલ્પેશ દોંગા આ પ્રકારે તેમના સહિત અન્ય રોકાણકારો સાથે પણ લલચામણી વાતો કરી મંડળીમાં પૈસાનો રોકાણ કરાવી છેતરપિંડી કરી હોવાનું માલુમ પડયું હતું. જેમાં 50થી વધુ રોકાણકારો સાથે કુલ રૂપિયા 11 કરોડ, 8 લાખ 98000 રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી હોવાનું માલુમ પડ્યું હતું.
જેથી આ બાબતે વેપારી દ્વારા તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવતા તાલુકા પોલીસે આરોપી અલ્પેશ ગોપાલદાસ દોંગા (રહે. સગુન એપાર્ટમેન્ટ ફ્લેટ નંબર 201, સત્યમ પાર્ટી પ્લોટની પાછળ, નાનામવા મેઇન રોડ) વિરુદ્ધ જીપીઆઇડી એક્ટની કલમ હેઠળ ગુનો નોંધ્યો હતો. તાલુકા પોલીસ સ્ટેશનના પીઆઇ ડી.એમ. હરીપરા તથા ટીમે તપાસ હાથ ધરી આરોપી અલ્પેશ દોંગાને ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી કરી છે.
મિત્રો-સ્નેહીજનો પાસે રોકાણ કરાવો, બધાને સોનાના નળીયાવાળા કરી દેવા છે : દોંગાની લાલચ
અલ્પેશ દોંગાએ વેપારીને કહ્યું હતું કે, તમે તમારા સગા વહાલા અને મિત્ર સર્કલમાં પણ વાત કરો કે અમારી સહકારી મંડળીમાં રોકાણ કરે બધાને સોનાના નળિયાવાળા કરી દેવા છે. જરૂર પડે તો બેંકમાંથી લોન લઇને પણ મંડળીમાં મૂકશો તો પણ નફામાં જ રહેશો તેવી વાત કરતા વેપારીને વધુ વિશ્વાસ આવી જતા તેમણે બેંકમાંથી રૂપિયા 40 લાખની લોન લઈ 3. 43 લાખનું રોકાણ આ મંડળીમાં કર્યું હતું. તેમજ તેમની પત્નીના રૂપિયા ત્રણ લાખ મળી પરિવારના કુલ રૂપિયા 60 લાખનું રોકાણ મંડળીમાં કર્યું હતું.