Abtak Media Google News

વિશ્વમાં 7.5 અબજ વાયરસનું અસ્તિત્વ, ક્યારે કયો વાયરસ એક્ટિવ થશે તેનું નક્કી નહિ: પશુ પાલન વિભાગને ઘેટાં-બકરાઓમાં પીપીઆરનું પ્રમાણ વધુ જોવા મળ્યું, એટલે કે તેઓમાં પ્લેગ ફેલાવાની ભીતિ

કોરોનાની જેમ વિવિધ વાયરસ દેશ અને દુનિયાને મૂંઝવી રહ્યા છે મંકીપોક્સ, લમ્પી અને હવે પ્લેગની દહેશત સતાવી રહી છે. વિશ્વ આખામાં 7.5 અબજ વાયરસનું અસ્તિત્વ છે. ક્યારે કયો વાયરસ એક્ટિવ થશે તેનું કઈ નક્કી નથી.

રાજ્યમાં પશુઓમાં લંમ્પી સ્કીન ડિસિઝ રોગના લક્ષણો જણાતા તે જ દિવસથી રાજ્ય સરકારે સતર્કતા દાખવીને પશુપાલન વિભાગના અધિકારીઓને સતત મોનિટરિંગ કરી યોગ્ય વ્યવસ્થાઓ ગોઠવવા સૂચનાઓ આપી હતી અને પશુઓને સત્વરે સારવાર મળી રહે  તે માટે વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી હતી.લમ્પી સ્કીન ડીસીઝ એ એક વાયરસ જન્ય રોગ છે જેનો ફેલાવો મચ્છર, માખી,જૂ, ઇતરડી વગેરે દ્વારા તથા સીધો સંપર્ક, દુષિત ખોરાક અને પાણીથી ફેલાય છે. આ રોગના લક્ષણોમાં મુખ્ય રીતે પશુઓમાં સામાન્ય તાવ, આંખ-નાક માંથી પ્રવાહી આવે, મોઢામાંથી લાળ પડે, આખા શરીર પર ગાંઠો જેવા નરમ ફોલ્લા પડે, પશુનું દૂધ ઉત્પાદન ઘટે, ખાવાનુ બંધ કરે કે ખાવામાં તકલીફ પડે, ગાભણ પશુ તરવાઇ જાય અને ક્યારેક જ પશુ મૃત્યુ પામે છે.

અસરગ્રસ્ત ગામમાં રોગીષ્ટ પશુઓને તાત્કાલિક અલગ કરી, નિરોગી પશુઓમાં રોગનો ફેલાવો ન થાય તે માટે અત્યાર સુધી 2.68 લાખથી વધુ પશુઓમાં રસીકરણ કરવામાં આવ્યું છે.

રાજયના આ 14 જિલ્લાઓના અસરગ્રસ્ત ગામોમાં પશુપાલન ખાતાના 152 પશુચિકિત્સા અધિકારીઓ અને 438 પશુધન નિરિક્ષકો દ્વારા  સઘન સર્વે, સારવાર અને રસીકરણની કામગીરી ચાલુ છે અને વિશેષ પરિસ્થિતિ ને ધ્યાને લઈ રાજય સરકાર દ્વારા વધારાના 267 આઉટસોર્સડ પશુચિકિત્સકોને વાહન સહિત આ રોગના સર્વે, સારવાર અને રસીકરણની કામગીરીમાં સામેલ કરવામાં આવ્યા છે. તેના માટે રાજય કક્ષાએથી અને વિભાગીય કચેરી કક્ષાએથી સતત મોનીટરીંગ અને દિશાનિર્દેશો આપવામાં આવી રહ્યા છે.

બીજી તરફ અનેક દેશો મંકીપોક્સ નામના નવા રોગથી પીડાઈ રહ્યા છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને આ રોગચાળા અંગે સાવધાન રહેવા ચેતવણી આપી છે. આ દેશની ઘણા દિવસો પૂર્વે ભારતમાં પણ એન્ટ્રી થઈ છે. અત્યારે અનેક દેશોમાં આ રોગ આવવાનું શરૂ થઈ ગયું છે. મનુષ્યમાં ક્લોઝ કોન્ટેક દ્વારા આ વાઈરસ ફેલાય છે. ફેલાવા માટે મોટે ભાગે જાતીય સંબંધો કારણભૂત સાબિત થાય છે. માટે યુરોપમાં લોકોને સેક્સ વખતે પણ સાવધાન રહેવાની સલાહ અપાઈ છે. આ રોગમાં શરીર પર શીતળાની માફક જ ચાંઠા નીકળે છે. આખુ શરીર કદરૂપુ થવા માંડે છે. આ વાઈરસની પ્રથમવાર જાણકારી 1958માં મળી હતી. પરંતુ 1970માં મનુષ્યમાં આ વાઈરસનો પ્રથમ કેસ નોંધાયો હતો.

અધૂરામાં પૂરું કોરોના, લમ્પી અને મંકીપોક્સ આ રોગ ઓછા હતા ત્યાં ઘેટા બકરામાં પ્લેગ ફાટી નીકળવાની ભીતિ સેવાઈ રહી છે. પશુ પાલન વિભાગને ઘેટાં-બકરાઓમાં પીપીઆરનું પ્રમાણ વધુ જોવા મળ્યું, એટલે કે તેઓમાં પ્લેગ ફેલાવાની ભીતિ છે.

14 જિલ્લામાં લમ્પીનો કહેર 999 પશુઓના મોત

કૃષિ અને પશુપાલન મંત્રી રાઘવજી ભાઈ પટેલે જણાવ્યું છે કે લમ્પી સ્કીન ડીસીઝ રાજયના કુલ 14 જિલ્લાઓ ખાસ કરીને  સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારના (1) કચ્છ (2) જામનગર (3) દેવભુમિ દ્વારકા (4) રાજકોટ (5) પોરબંદર (6) મોરબી (7) સુરેન્દ્રનગર (8) અમરેલી (9) ભાવનગર (10) બોટાદ (11) જુનાગઢ (12) ગીર સોમનાથ સહિત (13) બનાસકાંઠા અને (14) સુરતમાં ગાય-ભેંસ વર્ગના પશુઓમાં જોવા મળ્યો છે. અત્યાર સુધી રાજયના 14 જીલ્લાઓમાંથી મળેલ માહિતી અનુસાર આ જિલ્લાના 880 ગામોમાં લમ્પી સ્કીન ડીસીઝનાં કેસ જોવા મળ્યા છે અને તેમાં તમામ અસરગ્રસ્ત 37,121 પશુઓને સારવાર આપવામાં આવી છે. આ રોગ અંગે તાલુકા કક્ષાએથી મળેલ રોગચાળાના અહેવાલ મુજબ અત્યાર સુધી 999 પશુઓનાં લમ્પી સ્કીન ડીસીઝનાં કારણે મરણ થયા હોવાનું નોંધાયું છે.

મેડિકલ સાયન્સ પાછળ?: પ્રિવેન્શનમાં હજુ પણ આપણે અસમર્થ

પ્રિવેન્શન ઇઝ બેટર ધેન ક્યોર…આ સૂત્ર હજી ચરિતાર્થ થતું નથી. કારણકે હજુ પણ આપણે પ્રિવેન્શનમાં અસમર્થ છીએ. શુ આપણે મેડિકલ સાયન્સમાં પાછળ છીએ ? આપણે મેડીકલમાં ભલે આગળ હોવાની જાહેરાતો કરીએ છીએ પણ કોઈ રોગ આવે છે તેને ઓળખવામાં પણ વર્ષો લાગી જાય છે. મેડિકલ આ રોગોને ઓળખવામાં કે તેને નાથવામાં હજુ સંપૂર્ણ સક્ષમ ન હોય તો શું હવે આંતરિક રોગપ્રતિકારક શક્તિથી જ કામ ચલાવવું પડશે ?

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.