Abtak Media Google News

કોરોના કટોકટી અને આર્થિક મંદીના આ દૌરમાં આ વર્ષે પણ વરસ સારૂ પાકે તેવો વરતારો: ચોમાસાના આગોતરા આગમનથી રામમોલની જેમ જ પાછોતરા વરસાદથી સિંચાઈના પાણીની ઉપલબ્ધી શિયાળુ પાકમાં પણ ફાયદો કરાવશે  

‘મેઘ સમાન જલ નહી…’ કૃષિ પ્રધાન ભારતની સામાજીક-આર્થિક વ્યવસ્થાના મુખ્ય આધાર એવી ખેતીમાં આ વર્ષે પણ સારૂ વર્ષ રહે તેવી આશા ઉજાગર કરતી હવામાન ખાતાના વરતારાએ સતત ત્રીજુ વર્ષ સારૂ રહે તેવી શકયતા પ્રબળ બનાવી છે. આ વખતે ચોમાસાનું આગમન પ્રમાણ કરતા એક પખવાડિયુ વહેલુ આવશે. ચોમાસુ આ વખતે 15 દિવસ વહેલુ બેશે અને કેરળમાં ચોમાસાની દસ્તક 15મી મે થી શરૂ થઈ જાય તેવો વરતારો કરવામાં આવ્યો છે.

ભારતના અર્થતંત્ર માટે ખુબજ સારા સમાચાર જેવી ભારતીય હવામાન વિભાગ આઈએમડીએ ગઈકાલે જ કરેલી હવામાનના વરતારા મુજબ 2021નું જૂનથી સપ્ટેમ્બરનું ચોમાસુ ખુબજ સારૂ અને વધુ વરસાદ વરસાવનારૂ બની રહે તેવો વરતારો આપ્યો છે. સામાન્ય રીતે આ વખતે ચોમાસાના લાંબાગાળાના વરસાદના પ્રમાણની ટકાવારી 98 ટકા અને ઓછા વરસાદની શકયતા માત્ર 5 ટકા દર્શાવવામાં આવી છે. ભૂમિ, વિજ્ઞાન મંત્રાલયના સચિવ માધવન રાજીવને જણાવ્યું હતું કે, 2021નું દક્ષિણ-પશ્ર્ચિમનું ચોમાસુ વાતાવરણ આ વર્ષે આખા દેશમાં સારો વરસાદ આપશે અને તેનાથી ચોમાસુ મોલની ઉપજ સારી આવશે. 1961થી 2010 સુધીના ચોમાસુ ઈતિહાસમાં લાંબાગાળાના વરસાદની ટકાવારી 88 સે.મી. સરેરાશ રહેવા પામી હતી. હવે તેમાં વધારો થઈને આ વખતે 96 થી 104 ટકા જેટલો વરસાદ રહેશે. 2019થી શરૂ થયેલી સારા ચોમાસાની પરંપરા 2020 પછી આ વખતે 2021માં પણ દેશ અને ખાસ કરીને ગુજરાત અને પશ્ર્ચિમ ભારતમાં અગાઉ 1996, 1997, 1998ની જેમ આ વખતે પણ સતત ત્રણ વર્ષ ચોમાસુ ટનાટન રહેશે.

1 6

ભારતીય હવામાન વિભાગે કરેલી હવામાનની આગાહી અને વરતારામાં જૂનથી સપ્ટેમ્બરના ચોમાસાના સમયગાળા દરમિયાન આ વખતે મે મહિનાના અંતિમ પખવાડીયા અને જૂનના પ્રારંભીક પખવાડિયાના બદલે કેરળમાં 15મી મે થી વરસાદ શરૂ થઈ જશે. આમ દેશમાં ચોમાસાનું આગમન એક પખવાડિયા પહેલા થઈ જશે. જેનાથી વાવણીલાયક વરસાદ વહેલો થવાથી ચોમાસુ પાકમાં ખુબજ સાનુકુળ વાતાવરણ રહેશે. વળી પ્રારંભીક તબક્કામાં વહેલાસર શરૂ થનારૂ ચોમાસુ ચાર મહિના સુધી સતત મધ્યમ અને ભારે વરસાદ વરસાવનારૂ બની રહેશે અને દિવાળી સુધી વરસાદી માહોલ રહે તેવો વરતારો કરવામાં આવ્યો છે. ગુજરાતમાં સૌરાષ્ટ્ર, ગોહિલવાડ, ઝાલાવાડ અને સુરેન્દ્રનગરથી કચ્છના વિસ્તારમાં સામાન્યથી વધુ વરસાદ રહેશે. જ્યારે કચ્છ અને સીમાવર્તી વિસ્તારોમાં વરસાદ સામાન્ય રહે તેવું વરતારો કરવામાં આવ્યો છે. આ વખતે ચોમાસુ ટનાટન રહેશે તેવી ખાનગી સંસ્થા સ્કાયમેટે પણ વરતારો આપ્યો હતો અને સરેરાશ વરસાદ 103 ટકા રહે તેવી આગાહીમાં આજે હવામાન વિભાગે પણ સુર પુરાવ્યો છે.

2021ના ચોમાસાના વરતારામાં દક્ષિણ-પશ્ર્ચિમમાં જૂનથી સપ્ટેમ્બર દરમિયાન 96 થી 104 ટકા વરસાદ રહેશે. જ્યારે મધ્ય ભારતમાં વરસાદનું પ્રમાણ 98 ટકા રહેશે. પ્રશાંત મહાસાગર, હિંદ મહાસાગર અને દરિયાકાંઠાના વિસ્તારમાં જ પણ ચોમાસુ 96 થી 99 ટકા રહેશે. મે 2021થી સપ્ટેમ્બર સુધીનો વરસાદ 104 ટકાથી વધી જાય તેવો વરતારો કરવામાં આવ્યો છે.

હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહીના વરતારામાં આ વખતે સતત ત્રીજા વર્ષે સારૂ વર્ષ રહેશે. ખેતીની સાથે સાથે અર્થતંત્રને રોનકમય બનાવનારૂ આ ચોમાસુ પ્રમાણમાં 15 દિવસ વહેલુ આવશે. ખરીફ મોલાતમાં ડાંગર, કઠોળ, તેલીબીયા, બરછટ ધાનનું ઉત્પાદન વધશે અને પાછોતરા સારા વરસાદના કારણે સિંચાઈ માટેની જરૂરિયાતોનું પાણી પણ જમા થવાથી રવિ પાકમાં પણ ખુબજ સારૂ

ઉત્પાદન આવે તેવું માનવામાં આવી રહ્યું છે.

કોરોના કટોકટીના પગલે ભારત સહિત વિશ્ર્વના અનેક દેશોમાં આર્થિક કટોકટી અને અછતની પરિસ્થિતિ પ્રવર્તી રહી છે તેવા સંજોગોમાં કુદરતની મહેરબાનીથી સતત ત્રીજુ વર્ષ પુરતા વરસાદનું રહેનાર હોવાથી મહામારીના આ ચિંતાના સમયમાં અર્થતંત્રને સારૂ ચોમાસુ પ્રાણ ફૂંકશે તેવી આશા સજીવન થઈ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.