Abtak Media Google News

11 થી 17 જુન સુધી સુરત અને દીવ આવી અટકી ગયેલું ચોમાસુ 7 દિવસ બાદ હવે ગતિમાં આવ્યું હોય તેમ રાજ્યભરમાં ચોમાસુ બેસી ગયું છે. આજે વહેલી સવારથી સૌરાષ્ટ્ર સહિત રાજ્યભરના જિલ્લાઓમાં મેઘો મંડાયો છે. ચોમાસુ હવે રાજસ્થાન તરફ આગળી વધી રહ્યું છે અને લગભગ 1 સપ્તાહમાં સમગ્ર દેશમાં ચોમાસુ બેસી જશે. આજે વહેલી સવારથી જ રાજકોટ સહિત ગ્રામ્ય વિસ્તારોમાં મેઘો મંડાયો હતો અને સવારે 6 થી 11 વાગ્યા સુધીમાં રાજકોટમાં 1 ઈંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. આ ઉપરાંત જૂનાગઢ, સુરેન્દ્રનગર, માંગરોળ, ભાવનગર સહિતના વિસ્તારોમાં મેઘરાજાએ બેટીંગ કરવાનું શરૂ કર્યું છે.20210619 102843

હવામાન વિભાગની આગાહી મુજબ આગામી બે દિવસ રાજ્યના કેટલાક વિસ્તારમાં ભારે વરસાદ પડી શકે છે. જેમાં અમદાવાદ, મહેસાણા, પાટણ, છોટા ઉદેપુર, નર્મદા, ડાંગ, તાપી, રાજકોટ, જામનગર, અમરેલી, ભાવનગર, બોટાદ, કચ્છ, આણંદ, ભરૂચ, બરોડા, સુરત, નવસારી, દમણ, સાબરકાંઠા, બનાસકાંઠામાં અતિ ભારે વરસાદ પડી શકે છે. હાલની સ્થિતિ મુજબ 23 થી 24 જૂન દરમિયાન સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

ભારે વરસાદની આગાહીના પગલે દક્ષિણ ગુજરાતમાં એનડીઆરએફની 25 ટીમ મોકલી દેવામાં આવી છે. છેલ્લા 24 કલાકની વાત કરીએ તો રાજ્યના 171 તાલુકામાં વરસાદ નોંધાયો હતો જેમાં આણંદમાં 8, વડાલીમાં 6, ખંભાળીયામાં 5, સુરતના ચોર્યાસીમાં 5, મહેસાણામાં 4, ઓલપાડમાં 4, સુરતમાં 4, બોટાદના બારવાળામાં 4, અમદાવાદમાં 3, ચુડાસમાં 3, જૂનાગઢમાં અઢી, ધ્રોલમાં દોઢ, સાવરકુંડલામાં દોઢ, લીંબડીમાં દોઢ ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો.

ક્યાં કેટલો વરસાદ?

આજે વહેલી સવારથી ઈડર, વડાલી, ભીલોડા, ગણદેવી તેમજ સૌરાષ્ટ્રના રાજકોટ, જૂનાગઢ, ભાવનગર, પોરબંદર, ગીર સોમનાથ, સુરેન્દ્રનગર, માંગરોળ, જસદણ સહિતના વિસ્તારોમાં 5 મીમીથી લઈ 25 મીમી સુધીનો વરસાદ નોંધાયો હતો.

20210619 102909

રાજકોટમાં મેઘાડંબર વચ્ચે સવારથી વરસાદ ચાલુ

રાજકોટમાં સૌકોઈ વરસાદની રાહ જોઈ બેઠા હતા. તાઉતે વાવાઝોડાના કારણે રાજકોટ જિલ્લાની વરસાદી સીસ્ટમ ખોરવાઈ હતી ત્યારે હવે લાગી રહ્યું છે કે, સીસ્ટમ ફરી બની હોય અને આજે વહેલી સવારથી રાજકોટમાં મેઘાડંબર વચ્ચે વરસાદ વરસી રહ્યો છે. સવારે 8 વાગ્યાથી જ વરસાદ વરસવાનું ચાલુ થયું હતું અને રાજકોટના મોટાભાગના વિસ્તારોમાં 11 વાગ્યા સુધીમાં લગભગ 1 ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો.

વરસાદના પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી અને લોકો અત્યાર સુધી અસહ્ય બફારા વચ્ચે વરસાદની રાહ જોઈ રહ્યાં હતા ત્યારે આજે વહેલી સવારથી જ રાજકોટમાં વરસાદ વરસતા લોકોમાં આનંદની લાગણી પ્રસરી હતી. કેટલાંક લોકો તો આ વરસાદે ઘરની બહાર ન્હાવા નિકળી ગયા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.