Abtak Media Google News

કેરળમાં ચોમાસાનું ત્રણ દિવસ વહેલું આગમન: હવામાન વિભાગે ૨૦૦૫થી લઈને ૨૦૨૨ સુધી જે ચોમાસાના આગમનની જે આગાહી કરી તેમાં વર્ષ ૨૦૧૫ને બાદ કરતાં તમામ આગાહી સાચી ઠરી

દક્ષિણ પશ્ચિમ ચોમાસાએ કેરળના દરિયાકાંઠે દસ્તક આપી છે.  કેરળમાં ચોમાસું નિર્ધારિત સમય કરતાં ત્રણ દિવસ વહેલું આવી ગયું છે.  ભારતીય હવામાન વિભાગ એ આ વાતની પુષ્ટિ કરી છે.  અગાઉ, હવામાન ખાતાએ પખવાડિયા પહેલા બંગાળની ખાડીમાં ત્રાટકેલા ચક્રવાત આસાનીની મદદથી ૨૭ મેના રોજ કેરળમાં વરસાદ શરૂ થવાની આગાહી કરી હતી. જે સાચી પડી છે. છેલ્લા ૧૮ વર્ષમાં ૧૭ વખત હવામાન વિભાગની આગાહી સાચી પડી છે.

હવામાન વિભાગ દર વર્ષે ચોમાસાને લઈને તારણો જાહેર કરે છે. અગાઉ ટેકનોલોજીના અભાવે સચોટ તારણ આપવા માટે હવામાન વિભાગ સક્ષમ ન હતું. પણ છેલ્લા ઘણા વર્ષોથી ભારતના સેટેલાઇટની સંખ્યા વધી છે. ઉપરાંત ટેકનોલોજીનો પણ વ્યાપક ઉપયોગ થઈ રહ્યો છે. જેને પરિણામે હવામાન ખાતાની આગાહી સચોટ સાબિત થઈ રહી છે.જેમાં વર્ષ ૨૦૧૫ સિવાય છેલ્લા ૧૮ વર્ષમાં એટલે કે ૨૦૦૫થી લઈને ૨૦૨૨ સુધી હવામાન વિભાગે જાહેર કરેલ ચોમાસાની શરૂઆતની તારીખની તેની ઓપરેશનલ આગાહીઓ સાચી સાબિત થઈ છે. બીજી તરફ એવું બન્યું છે કે છેલ્લા ૧૦ વર્ષમાં આ માત્ર ત્રીજી વખત છે જ્યારે ચોમાસાની શરૂઆત ૧ જૂન પહેલા થઈ છે.

એવું માનવામાં આવે છે કે હવે ચોમાસું યોગ્ય ગતિએ આગળ વધશે અને દેશના વિવિધ રાજ્યોમાં વરસાદની મોસમ શરૂ થશે.  અગાઉ વિવિધ રાજ્યોમાં પ્રિ-મોન્સુન ગતિવિધિઓ શરૂ થઈ ગઈ છે.  જેના કારણે લોકોએ કાળઝાળ ગરમીમાંથી રાહતનો શ્વાસ લીધો છે.  રાજધાની દિલ્હીમાં રવિવારે સવારે પણ વરસાદ પડ્યો હતો.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રવિવારે કેરળ અને લક્ષદ્વીપમાં મોટા ભાગના સ્થળોએ સારો વરસાદ થયો છે.  ૧ જૂનથી ઉત્તર-પૂર્વના રાજ્યોમાં વરસાદની તમામ ગતિવિધિઓ વધુ તીવ્ર બને તેવી શક્યતા છે.

સ્કાયમેટ વેધર અનુસાર, છેલ્લા ૨૪ કલાક દરમિયાન આંદામાન અને નિકોબાર ટાપુઓ, લક્ષદ્વીપ, કેરળ, કોસ્ટલ કર્ણાટક, પશ્ચિમ બંગાળ, સિક્કિમ, ઉત્તરાખંડના ભાગો, હિમાચલ પ્રદેશ, ઉત્તર પંજાબ, ગોવા અને કોસ્ટલ ઓડિશામાં હળવોથી મધ્યમ વરસાદ થયો છે.  સિક્કિમ, દક્ષિણ કોંકણ અને ગોવા, હરિયાણાના ભાગો, ઉત્તર પ્રદેશ અને પૂર્વ મધ્ય પ્રદેશ અને છત્તીસગઢ, ઝારખંડ અને આંધ્રપ્રદેશના એક-બે ભાગોમાં હળવો વરસાદ થયો.

કેરળમાં ૫ દિવસ પવન સાથે વરસાદની આગાહી

કર્ણાટક અને મહારાષ્ટ્રમાં પણ ચોમાસા પૂર્વેની ગતિવિધિઓ વધવાની ધારણા છે.  હવામાન વિભાગે જણાવ્યું હતું કે આગામી દિવસોમાં કેરળના બાકીના ભાગો સાથે ચોમાસાની સિસ્ટમ દરિયાકાંઠાના કર્ણાટક અને મહારાષ્ટ્રમાં આગળ વધશે.હવામાન વિભાગે કેરળમાં આગામી ૫ દિવસ સુધી વરસાદ અને વાવાઝોડાની આગાહી કરી છે.  તે જ સમયે, દિલ્હીની વાત કરીએ તો, આજે ૩૦ મેના રોજ રાજધાનીમાં પણ વરસાદ પડી શકે છે.  દિલ્હીમાં આજે લઘુત્તમ તાપમાન ૨૮ ડિગ્રી અને મહત્તમ તાપમાન ૪૧ ડિગ્રી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.