Abtak Media Google News

પાંચ દિવસીય મેળાને લાગ્યું કોરોનાનું ગ્રહણ

ભગવાન સોમનાથ મહાદેવના સાંનિધ્યમાંમાં દર વર્ષે કારતક સુદ એકાદશીથી કાર્તિક પૂર્ણિમાં સુધી પાંચ દિવસ સુધી મેળાનું આયોજન સોમનાથ ટ્રસ્ટ દ્વારા પ્રતિ વર્ષ યોજવામાં આવે છે. પરંતુ ચાલુ વર્ષે કોરોના મહામારીના કારણે મેળો મોકૂફ રાખવામાં આવ્યો છે.

સોમનાથ આ મેળા ને ઐતિહાસિક રીતે જોવા જઈએ તો મહાભારતનાં અને પુરાણોમાં ઉલ્લેખ થયા મુજબ ભગવાન શિવ ત્રિપુર નામના અસુરના લોહ રૌપ્ય અને સુવર્ણ નિમિત્તે ત્રણ નગરનો બાળીને નાશ કર્યો હતો. તે દિવસ કાર્તિકિ પૂર્ણિમાંના હતો. તે દિવસે અસુરો ના કષ્ટમાંથી મુક્તિ મળતા ત્રણે લોકમા મહા ઉત્સવ થયો હતો તેની યાદમાં સોમનાથ ટ્રસ્ટ દ્વારા આ મેળાનુ આયોજન કરે છે. કાર્તિકી પૂર્ણિમાંના ત્રિપુરારિ પૂર્ણિમાંના દિવસનું એક અનેરૂં મહત્વ એ છે કે પ્રભાસમા ભગવાન શિવનું મંદિર સોમનાથ મહામેરૂપ્રસાદ શિખર ઉપર કાર્તિક પૂર્ણિમાની મધ્યરાત્રિએ ચંદ્ર એવી રીતે સ્થિત થાય છે. જાણે ભગવાન શિવે તેને ખરેખર મસ્તક પર ધારણ કર્યો હોય તેવુ દ્વષ્યમાન થાય છે. આમ આ મેળાની શરૂઆત સોમનાથ ટ્રસ્ટ દ્વારા ૨૭ ફેબ્રુઆરી ૧૯૫૫ ના રોજ મળેલી સોમનાથ ટ્રસ્ટની ટ્રસ્ટી મંડળની બેઠકમાં ઠરાવ મુજબ પ્રસ્તાવથી એવું નક્કી કરવામાં આવ્યુ કે કાર્તિક પૂર્ણિમા એ દર વરસ મોટા મેળાનું આયોજન સોમનાથ ટ્રસ્ટ કરવું ત્યારથી આ મેળાનુ પ્રતિવર્ષ આયોજન થાય છે જે લોક મનોરંજન સાથે ધાર્મીક પરંપરા ને પણ જાળવી રાખે છે.

ચાલુ વર્ષે કોરોના મહામારીના કારણે ઘણા પરંપરાગત મેળા ન કરવાનો નિર્ણય લેવાયો હતો. ભીડના કારણે કોરોના ફેલાય નહીં તે માટે અનેક પ્રતિબંધ, નિયમોની અમલવારી કરાવવામાં આવી છે.

અગાઉ ભારત-ચીન યુદ્ધ વખતે મેળો રદ્દ થયો’તો

સોમનાથ ખાતે યોજાતો કાર્તિકી પૂર્ણિમાનો મેળો ૧૯૫૫ થી શરૂ થયો હતો. ત્યારથી લઈને આજ સુધી આ મેળાની પરંપરા યથાવત રહી છે પરંતુ અગાઉ ભારત-ચીનના યુદ્ધ વખતે તંગદીલી હોય મેળાને રદ્દ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. ત્યારબાદ હાલ કોરોનાની મહામારીને કારણે આ મેળો રદ્દ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

ખાણી-પીણી, રમકડા અને અન્ય સ્ટોલ રાખતા લોકોને મોટી નુકસાની

કાર્તિકી પૂર્ણિમાના મેળામાં દરરોજ ૮ થી ૧૦ હજાર ભાવિકો ઉમટી પડતા હોય છે. આ મેળામાં ખાણી-પીણી, રમકડા અને અન્ય ચીજવસ્તુઓના અનેક સ્ટોલ ઉભા કરવામાં આવે છે. નાની-મોટી ચક્કરડીઓ પણ ઉભી કરવામાં આવે છે. આ વખતે મેળો રદ્દ થતા આ તમામ લોકોને મોટી નુકશાની સહન કરવાનો વારો આવ્યો છે. આ સાથે અહીં સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજાય છે જેમાં અનેક કલાકારો અને સાજીંદાઓને બોલાવવામાં આવે છે. આ વખતે મેળો ન યોજાતા કલાકારો અને સાજીંદાઓને પણ ઘરે બેસવાનો વારો આવ્યો છે.

પૂર્ણિમાએ ચંદ્ર સોમનાથ મહાદેવની ઉપર હોય છે, મંદિર ૨૪ કલાક ખુલ્લુ રાખવામાં આવે છે

કાર્તિકી પૂર્ણિમાએ સોળે કળાએ ખીલેલો ચંદ્ર લગોલગ સોમનાથ મહાદેવની ઉપર હોય છે. આ નજારો અલૌકીક હોય છે, જેને નિહાળવા મોટી સંખ્યામાં ભાવિકો આવતા હોય છે. આ દિવસનું ધાર્મિક દ્રષ્ટિએ ખુબ મહત્વ હોય છે જેથી સોમનાથ મહાદેવના મંદિરને ૨૪ કલાક ખુલ્લુ રાખવામાં આવે છે. સવારથી રાત સુધી આ દિવસે હજ્જારોની સંખ્યામાં ભાવિકોની અવર-જવર ચાલુ રહેતી હોય છે.

ભાવિકોના બહોળા પ્રવાહને લીધે જગ્યા ટૂંકી પડતી’તી, છેલ્લા ચાર વર્ષથી મેળો નવા સ્થળે યોજાય છે

સોમનાથનો કાર્તિકી પૂર્ણિમાનો મેળો ખુબ ખ્યાતનામ છે. અહીં સૌરાષ્ટ્રભરના ભાવિકો ઉમટી પડતા હોય છે. દર વર્ષે ભાવિકોના પ્રવાહમાં ભારે વધારો જોવા મળે છે. અગાઉ આ મેળો ત્રિવેણી સંગમ પાસેના ગ્રાઉન્ડમાં યોજાતો હતો પરંતુ અહીં ભાવિકોની ભીડના પ્રમાણમાં જગ્યા ટૂંકી પડતી હોય જેથી સ્થળ બદલવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. માટે છેલ્લા ચાર વર્ષથી આ મેળો મોદી ગ્રાઉન્ડ ખાતે યોજવામાં આવી રહ્યો છે. અહીં વિશાળ જગ્યા હોવાથી અહીં ભાવિકોની જનમેદની સરળતાથી સમાઈ જાય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.