મોરબી જિલ્લા કક્ષાનો સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી વાંકાનેરની અમરસિંહ હાઇસ્કુલ ખાતે કરાશે

જિલ્લા કલેક્ટર જે.બી. પટેલના  અધ્યક્ષસ્થાને સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીની પૂર્વ તૈયારી માટે બેઠક યોજાઇ હતી જેમાં બે હજારથી વધુ લોકોની સહભાગીતા સાથે 15 મી ઓગસ્ટની ભવ્ય ઉજવણી કરાશે

અબતક,ઋષી મહેતા, મોરબી

મોરબી જિલ્લા કલેક્ટર જે.બી. પટેલના અધ્યક્ષસ્થાને સ્વાતંત્ર્ય પર્વની ભવ્ય ઉજવણીની પૂર્વ તૈયારી માટે કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ તકે કલેક્ટરએ માર્ગ અને મકાન વિભાગને ગ્રાઉન્ડ, મંડપ, સ્ટેજની વ્યવસ્થા, ધ્વજ ફરકાવવા માટે પોલ, લાઈટિંગ તેમજ જનરેટરની વ્યવસ્થા તેમજ પરેડ માટે એન.સી.સી.,  અને.એસ.એસ. તથા મહિલા પોલીસની ટીમ ખાસ રાખવા, વૃક્ષારોપણ તેમજ સુશોભન તથા સ્વચ્છતા જળવાય વગેરે બાબતોની યોગ્ય વ્યવસ્થા કરવા સંબંધિત વિભાગોને સૂચના આપી હતી.

વધુમાં શાળા કોલેજ તેમજ શૈક્ષણિક સંસ્થાઓ, ઔધોગિક સાહસિકો,વેપારીઓ મંડળો, સ્થાનિક અગ્રણીઓ તથા નાગરિકો વધુને વધુ આ કાર્યક્રમનો હિસ્સો બને તેવું આયોજન કરવા વધુમાં તેમણે જણાવ્યું હતું.

મોરબી જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી વાંકાનેરની અમરસિંહ હાઇસ્કુલ ખાતે કરવામાં આવશે અને  2000 થી વધુ લોકો આ રાષ્ટ્રીય પર્વના કાર્યક્રમમાં સહભાગી બનશે.

સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીની પૂર્વ તૈયારી માટેની આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી પરાગ ભગદેવ, નાયબ પોલીસ અધિક્ષક અતુલ બંસલ, નિવાસી અધિક કલેકટર એન.કે. મુછાર,વાંકાનેર પ્રાંત અધિકારી શેરશીયા, નાયબ જિલ્લા વિકાસ અધિકારી ઈશિતાબેન મેર, માર્ગ અને મકાન વિભાગ સ્ટેટના કાર્યપાલક ઈજનેર ઝાલા, નગરપાલિકા ચીફ ઓફિસર સંદીપસિંહ ઝાલા, જિલ્લા યુવા વિકાસ અધિકારી હિરલ વ્યાસ, જિલ્લા ખેતવાડી અધિકારી વિક્રમસિંહ ચૌહાણ, જિલ્લા શિક્ષણ અધિકારી નિલેશભાઈ રાણીપા, જિલ્લા નાયબ પ્રાથમિક શિક્ષણ અધિકારી ગરચર તેમજ સંબંધિત વિભાગના અધિકારી/કર્મચારી ઉપસ્થિત રહ્યા હતા.