મોરબી: નાગરિક બેંકમાંથી વગર નાણાંએ સગા-સંબંધીઓની એફ.ડી. કરી બે કરોડની ઉઠાંતરી ઝડપાઈ

કર્મચારીએ મિત્ર અને  સંબંધી મારફતે 59 લોકોની એફ.ડી. કરાવી રકમ બારોબાર ઉપાડી લીધી

અબતક,ઋષી મહેતા, મોરબી

રાજકોટ નાગરિક સહકારી બેંકની મોરબી બ્રાન્ચના કર્મચારીએ કરેલ આશરે બે કરોડની છેતરપીંડી પ્રકરણમાં પોલીસે આરોપીને ઝડપી લીધો હતો જેના રિમાન્ડની માંગ સાથે કોર્ટમાં રજુ કરાતા કોર્ટે 7 દિવસના રિમાન્ડ મંજુર કર્યા છે.

મોરબીમાં આવેલી રાજકોટ નાગરિક સહકારી બેંકના કર્મચારી ચીટર પ્રકાશ ગોવિંદભાઈ નકુમે સગા સંબંધીઓને છેતરીને આશરે 2 કરોડની છેતરપીંડી કરી હતી જેને પગલે જે તે સમયે બેંકના ડે. મેનેજર વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ હતી આથી પોલીસે ઊંડી તપાસ હાથ ધરી હતી જેમાં ભેજાબાજ બેંક કૌભાંડીએ 2016 થી માંડી અત્યાર સુધી સગા સંબંધીઓ અને મિત્રો મળીને 59 જેટલા લોકો પાસેથી એફ.ડી. કરવા માટે રૂપિયા લીધા હતા અને એફ.ડી. કરાવી બેંકમાંથી નાણા ઉપાડીને આ રૂપિયા આરોપી ચાઉ કરી ગયો હતો. આ પ્રકરણમાં પોલીસ આરોપી પ્રકાશ ગોવિંદભાઈ નકુમને ઝડપી લઈ કોર્ટમાં રજૂ કરતા કોર્ટે આરોપીના 7 દિવસના રિમાન્ડ મંજુર કર્યા છે. જેને પગલે પોલીસે છેતરપિંડીમાં ગયેલ મુદામાલ પરત મેળવવા સહિતની દિશામાં કાર્યવાહી હાથ ધરી છે.

છેતરપીંડી કરવાની ભેજાબાજ ચીટરની અનોખી રીત

કરોડોનું ફુલેકુ ફેરવી નાખવામાં ઉસ્તાદ બેંકનો કર્મચારી પ્રકાશ નકુમ પહેલા તો સગા સંબંધીઓને આંબા આંબલી બતાવી વિશ્વાસમાં લેતો હતો ત્યારબાદ એફ.ડી. કરવા માટે બે ચેક લેતો હતો જેમાંથી એક ચેકની એફ.ડી. બનાવ્યા બાદ બે દિવસ પછી બીજા ચેકને ઓળખીતાના ખાતામાંથી પોતાના ખાતામાં રૂપિયા ટ્રાન્સફર કરી બેંકમાંથી નાણા ઉપાડી લઈને છેતરપીંડી કરતો હતો.