મોરબી: સંકલ્પ નવરાત્રિ મહોત્સવમાં 1700 લોકોએ દેહદાન અને અંગદાનના સંકલ્પ સાથે શહીદ ભગતસિંહને વિરાજંલી અર્પી

અબતક,ઋષી મહેતા, મોરબી

મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા શહીદ ભગતસિંહના જન્મદિવસની અનોખી ઉજવણી કરવાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં હાલમાં યંગ ઇન્ડિયા ગૃપ આયોજિત સંકલ્પ નવરાત્રી મહોત્સવમાં ત્રીજા નોરતે શહીદ ભગતસિંહના જન્મ દિવસ નિમિત્તે સંકલ્પ દિવસ તરીકે ઉજવણી કરી રાસ ગરબે રમવા આવતા ખેલૈયાઓ અને લોકો મળી કુલ 1700 જેટલા લોકોએ અંગદાન તેમજ દેહદાન અને દેશહિતના કાર્યો કરવા માટે સંકલ્પ લેવડાવી શહીદ ભગતસિંહને વીરાજંલી આપવામાં આવી હતી.

તમામ સમાજની મહિલાઓ માટે ફ્રી એન્ટ્રી  સાથે છેલ્લા 14 વર્ષથી માતાજીની ભક્તિની સાથે દેશભક્તિ પણ જગાવતા અર્વાચીન રાસોત્સવનું આયોજન કરતા યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા સંકલ્પ નવરાત્રી મહોત્સવનું આ વખતે નવી જગ્યા લીલાપર- કેનાલ રોડ પર આવેલ  કેશવ પાર્ટી પ્લોટમાં આયોજન કરવામાં આવ્યું છે. હાલ દરરોજ નવરાત્રીની દરેક રઢિયાળી રાત્રે આધુનિક સાઉન્ડ સિસ્ટમ અને મુંબઈ, બરોડા અને સૌરાષ્ટ્રના ખ્યાતનામ કલાકારો કર્ણપ્રીય સુર અને સંગીતના સથવારે  મોટી સંખ્યા ખેલૈયાઓ પ્રાચીન અને અર્વાચીન ગરબાની રમઝટ બોલાવી રહ્યા છે. ત્યારે દેશની આઝાદી માટે પ્રાણની આહુતિ આપનાર કાંતિવીર શહીદ ભગતસિંહનો જન્મ દિવસ હોવાથી આ સંકલ્પ નવરાત્રી મહોત્સવમાં યંગ ઇન્ડિયા ગ્રુપની પરંપરા મુજબ શહીદ ભગતસિંહના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી.

યંગ ઇન્ડિયા ગ્રુપની પ્રેરણાથી સંકલ્પ નવરાત્રી મહોત્સવમાં આવેલા ખેલૈયા અને અન્યો મળીને 1400થી વધુ લોકોએ અંગદાન અને 300થી વધુ લોકોએ દેહદાનનો સંકલ્પ કર્યો હતો. શહીદ ભગતસિંહના જન્મ દિવસ નિમિત્તે સંકલ્પ નવરાત્રી મહોત્સવમાં 1700થી વધુ લોકોએ અંગદાન અને દેહદાન કરીને ખરા અર્થે ભગતસિંહના કોઇપણ રીતે દેશસેવાના સંકલ્પ લેવા અન્યોને પ્રેરણા પુરી પાડી હતી. તેમજ શહીદ ભગતસિંહ અને ભારતમાતાની આરતી કરીને વીરાજંલી અર્પણ કરી હતી. સંકલ્પ નવરાત્રી મહોત્સવમાં ત્રીજા નોરતે  રાજયમંત્રી બ્રિજેશ મેરજાએ તેમના  પત્ની સાથે હાજરી આપીને યંગ ઇન્ડિયા ગ્રુપની સેવાકીય પ્રવૃત્તિઓને બિરદાવી હતી. તેમજ આરતીનો લાભ લીધો હતો. આ ઉપરાંત રાજયમંત્રીની સાથે મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ દુલર્ભજીભાઈ દેથરીયા, મોરબી તાલુકા ભાજપ પ્રમુખ અરવિંદભાઈ વાસદડિયા, મોરબી જિલ્લા પંચાયતની આરોગ્ય સમિતિના ચેરમેન હીરાભાઈ ટમારિયા, મોરબી નગરપાલિકાના પ્રમુખ કુસુમ્બેન પરમાર, અગ્રણી કે. કે. પરમાર, નગરસેવક ભાનુંબેન નગવાડિયા, મોરબી નગરપાલિકાના કારોબારી ચેરમેન સુરેશભાઈ દેસાઈ, ચીફ ઓફિસર સંદીપસિંહ ઝાલા, મોરબી જિલ્લા ભાજપના જીગ્નેશભાઈ કૈલા સહિતના આગેવાનો હાજર રહી માતાજીની આરતીનો લાભ લીધો હતો.