Abtak Media Google News

મોરબીમાં વર્ષ ૨૦૧૨માં ઈન્ક્મટેક્સ ઓફિસમાં કર સહાયક તરીકેના કર્મચારી રૂ.૧૫૦૦ની લાંચના કેસમાં રંગે હાથ ઝડપાયો હતો જે બાબતનો કેસ મોરબીની કોર્ટમાં ચાલી રહ્યો હતો જેનો ચુકાદો આજ રોજ સેશન્સ કોર્ટ દ્વારા આપવામાં આવ્યો હતો. આરોપીને ૪વર્ષની સખ્ત કેદ અને રૂ.૧૦,૦૦૦ના દંડનો આદેશ કરવામાં આવ્યો હતો.

પ્રાપ્ત વિગત અનુસાર ફરિયાદી નિલેશભાઈ દેવશીભાઇ સરાસવાડીયાએ તા. ૧૫ મે ૨૦૧૨ ના રોજ ઈન્ક્મટેક્સ કર્મચારી આરોપી મહેશકુમાર રઘુવીરસિંગ મીણાને રૂબરૂ મળીને ટીડીએસ રીફંડ મેળવવાની રજૂઆત કરતા ટીડીએસ રીફંડ કાર્યવાહી કરી આપવાના બદલામાં રૂ.૨૦૦૦/-ની લાંચ માંગી હતી જેમાં ૫૦૦ રૂપિયા તા. ૧૫ મે ૨૦૧૨ના રોજ આરોપીને આપી દીધા હતા અને બાકીના રૂ.૧૫૦૦ તા. ૧૭ મે ૨૦૧૨ ના રોજ આપવાનું નક્કી કરેલ, જેથી ફરિયાદી દ્વારા એસીબીમાં ફરિયાદ કરતા કચ્છ એસીબી ટીમે છટકું ગોઠવીને ગ્રીન ચોક નજીક આવેલ ઇન્કમટેક્ષ ઓફીસ ખાતેથી આરોપી મહેશકુમાર રઘુવીરસિંગ મીણા કર સહાયક, ઇન્કમટેક્ષ કચેરી મોરબી વાળાને લાંચ લેતા રંગેહાથ ઝડપી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

ઉપરોક્ત લાંચ લેવાનો કેસ મોરબી બીજા એડીશનલ સેશન્સ કોર્ટમાં ચાલી જતા સરકારી વકીલ સંજય સી.દવેએ ધારદાર દલીલો કરી ૦૮ મૌખિક પુરાવા અને ૧૮ દસ્તાવેજી પુરાવા રજુ કર્યા હતા. જેને ધ્યાને લઈને જજ વી.એ.બુધ્ધસાહેબે આરોપીને ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમની કલમ ૭ મુજબના ગુનામાં કસૂરવાર ઠેરવી ૩ વર્ષની સખ્ત કેદની સજા અને રૂ.૧૦,૦૦૦નો દંડ ફટકાર્યો અને દંડ ના ભરે તો વધુ એક વર્ષની સજા ફટકારી હતી. તેમજ ભ્રષ્ટાચાર અધિનિયમની કલમ ૧૩ (૧) (ઘ) તથા ૧૩ (૨) મુજબના ગુનામાં તકસીરવાન ઠેરવી ૪ વર્ષની સખ્ત કેદની સજા અને રૂ.૧૦,૦૦૦નો દંડ ફટકાર્યો હતો. અને દંડના ભરે તો વધુ એક વર્ષની કેદની સજાનો આદેશ કર્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.