Abtak Media Google News

લૂંટારું ગેંગનો મુખ્ય સૂત્રધાર અજય વડાલીયા : રિક્ષામાં પેસેન્જરને બેસાડી તેને છરીની અણીએ લૂંટી લેવો તે ગેંગની મુખ્ય પદ્ધતિ

મોરબી એલસીબીએ આજે ખૂંખાર લૂંટારું ગેંગને પકડી પાડી છે. વાંકાનેરના વઘાસિયા ટોલનાકા નજીક રાજશક્તિ પેટ્રોલ પંપને લૂંટે તે પૂર્વે જ ગેંગના ૧૦ લૂંટારૂઓને ઝડપી પાડવામાં આવ્યા હતા. આ ગેંગનો એક સભ્ય આ જ પેટ્રોલ પંપનો પૂર્વ કર્મચારી હોવાથી તેને જ પેટ્રોલ પંપને ટાર્ગેટ બનાવવાનું સૂચવ્યું હોવાનું ખુલ્યું છે.

સમગ્ર બનાવ અંગે મોરબી જિલ્લા પોલીસ અધિક્ષક ડો. કરનરાજ વાઘેલાએ જણાવ્યું કે મોરબી એલસીબીને આજે આ લૂંટારૂ ગેંગને ઝડપી પાડવાની સફળતા મળી છે. લૂંટારું ગેંગનો મુખ્ય સૂત્રધાર અજય કેશર વડાલીયા છે. ઉપરાંત રાજશક્તિ પેટ્રોલ પંપનો ભૂતપૂર્વ કર્મચારી પ્રકાશ ઉર્ફે પકો નરશી પીપળીયા પણ આ ગેંગનો સભ્ય છે. પ્રકાશ આ પેટ્રોલપંપમાં અગાઉ કામ કરતો હોવાથી તે પંપનું કલેકશન કયા થાય અને કેટલું થાય તે અંગેની તમામ વિગતો જાણતો હતો.

રાજશક્તિ પેટ્રોલ પંપને લૂંટવાનો વિચાર સૌ પ્રથમ પ્રકાશને આવ્યો હતો. બાદમાં આ વિચાર તેને પોતાના ભાઈ મેરુ ઉર્ફે મેરો નરશી પીપળીયા સમક્ષ મુક્યો હતો. બાદમાં મેરુએ આ વાત મુસાને કરી હતી. ત્યારબાદ આ વાત મુસાએ અજય તેમજ ઇમરાનને કહી હતી. અંતે બધાની સંમતિથી આ પેટ્રોલ પંપને લૂંટવાનો પ્લાન ઘડાયો હતો.

વધુમાં ડો. કરનરાજ વાઘેલાએ જણાવ્યું કે લૂંટારું ગેંગનો મુખ્ય સૂત્રધાર અજય અને ઇમરાન જેલમાં મળ્યા હતા. ત્યારબાદ આ લૂંટારું ગેંગ બની હતી. રિક્ષામાં પેસેન્જરોને બેસાડી તેને છરીની અણીએ લૂંટી લેવાની ગેંગની મુખ્ય પદ્ધતિ હતી. આ ગેંગે અગાઉ અનેક સ્થળોએ લૂંટ માટે રેકી પણ કરી ચુકી છે. જો આ પેટ્રોલ પંપમાં તેઓ સફળતાથી લૂંટને અંજામ આપી દેત તો હવે પછી રેકી કરેલા સ્થળને ટાર્ગેટ બનાવેંત.

વધુમાં એસપી ડો. કરનરાજ વાઘેલાએ ઉમેર્યું કે લૂંટારું ગેંગનો મુખ્ય સૂત્રધાર ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. અજયે અનેક ગંભીર ગુનાઓ આચર્યા છે. એલસીબીએ સફળતા પૂર્વક આ ગેંગને પકડી પાડી છે.

 પ્રાથમિક તપાસ દરમિયાન આ લૂંટારૂઓએ ૧૭ ગુનાઓ આચર્યા હોવાની કબૂલાત આપી છે. જે નીચે મુજબ છે. 

  • ઢૂંવા વાંકાનેર રોડ પર ૧૦ માસ પૂર્વે મુસાફરને પોતાની રિક્ષામાં બેસાડી છરી બતાવી રૂ. ૪૦ હજાર તથા મોબાઇલની લૂંટ ચલાવી છે.
  • મોરબીની એલઇ કોલેજ પાસે ૧૦ માસ પૂર્વે મુસાફરને પોતાની રિક્ષામાં બેસાડી છરી બતાવી રોકડ રૂ. ૧૭૦૦ અને મોબાઇલની લૂંટ ચલાવી છે.
  • મોરબીના જુના બસસ્ટેન્ડ પાસે એકાદ વર્ષ પૂર્વે મુસાફરને પોતાની રિક્ષામાં બેસાડી છરી બતાવી રૂ. ૫૦૦ અને મોબાઈલની લૂંટ ચલાવી છે.
  • રફાળેશ્વર ગામ પાસે ૯ માસ પૂર્વે મુસાફરને પોતાની રિક્ષામાં બેસાડી છરી બતાવી રૂ. ૫૦૦ અને મોબાઈલ ફોનની લૂંટ ચલાવી છે.
  • વાંકાનેરના ઢૂંવા પાસે એકાદ વર્ષ પૂર્વે મુસાફરને પોતાની રિક્ષામાં બેસાડી છરી બતાવી રોકડ રૂ. ૨૦૦ અને મોબાઈલ ફોનની લૂંટ ચલાવી છે.
  • લાલપર ગામ પાસે ૯ માસ પૂર્વે મુસાફરને પોતાની રિક્ષામાં બેસાડી છરી બતાવી રોકડ રૂ.૨૦૦૦ અને મોબાઈલ ફોનની લૂંટ ચલાવી છે.
  • સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી પાસે  દોઢ વર્ષ પૂર્વે મુસાફરને પોતાની રિક્ષામાં બેસાડી છરી બતાવી રોકડ રૂ. ૩૦૦ અને મોબાઈલ ફોનની લૂંટ ચલાવી છે.
  • મોરબીના સરતાનપર રોડ પર  એકાદ વર્ષપૂર્વે મુસાફરને પોતાની રિક્ષામાં બેસાડી છરી બતાવી રોકડ રૂ. ૧૮૦૦ અને મોબાઈલ ફોનની લૂંટ ચલાવી છે.
  • મોરબી-રાજકોટ હાઇવે પર અજંતાના કારખાના સામે ચાર દિવસ પૂર્વે પાણીપુરીની લારી વાળાને છરી બતાવી મોબાઈલ ફોનની લૂંટ ચલાવી છે.
  • મોરબીના પાવળીયારી પાસે દોઢ વર્ષ પૂર્વે મુસાફરને પોતાની રિક્ષામાં બેસાડી છરી બતાવી લૂંટ કરવાનો પ્રયત્ન કર્યો હતો.
  • મોરબી શનાળા રોડ પર સરદારબાગ પાસે પેટ્રોલ પંપ સામેની શેરીમાં આવેલ મકાનમાં બે વર્ષ પૂર્વે ચોરી કરવાનો પ્રયત્ન કર્યો હતો. પરંતુ ઘરના વ્યક્તિઓ જાગી જતા આરોપીઓ ત્યાંથી નાશી છૂટ્યા હતા.
  • મોરબી માર્કેટ યાર્ડ સામે આવેલ કાપડના વેપારી કિરીટભાઇના મકાનમાં દોઢ વર્ષ પૂર્વે ચોરી કરવાનો પ્રયત્ન કર્યો હતો. પરંતુ ઘરના વ્યક્તિઓ જાગી જતા આરોપીઓ નાસી છૂટ્યા હતા.
  • અજય નામનો આરોપી અગાઉ અપહરણ વિથ પોકસો, હથિયાર ધારા હેઠળના ત્રણ ગુનાઓ અને એક મોટરસાયકલ ચોરીના ગુનામાં પકડાયો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.