Abtak Media Google News

વિદેશી દારૂ, ટાટા ટ્રક, રોકડ તેમજ મોબાઈલ મળી કુલ રૂ.45.72 લાખનો મુદામાલ કબ્જે કર્યો

ટંકારા તાલુકાના મિતાણા ગામ સામે રોડ ઉપરથી ટાટા ટ્રકમાં ભરેલ વિદેશી દારૂના જંગી જથ્થા સાથે એક આરોપીને દબોચી લેવામાં આવ્યો હતો. એલસીબી પોલીસે આરોપી પાસેથી આશરે રૂ.35 લાખનો વિદેશી દારૂનો જથ્થો કબ્જે કર્યો હતો તેમજ આ વિદેશી દારૂનો જથ્થો મોકલનાર, મંગાવનાર અને ટ્રક માલિક અને તપાસમાં જેના નામ ખુલે તે બધાની વિરુદ્ધ પ્રોહી.ધારા હેઠળ ગુન્હો નોંધી આગળની તપાસ હાથ ધરેલ હતી.

મોરબી એલસીબી પોલીસ ટીમના એએસઆઇ રામભાઇ મઢ એચ.સી. નિરવભાઇ મકવાણા, તથા પી.સી. ભગીરથસિંહ ઝાલા, ભરતસિંહ ડાભીને સંયુકતમાં ખાનગીરાહે બાતમી મળેલ કે, ટંકારા તરફથી એક ટ્રક રજી.નં. જીજે 24-વી-8975 રાજકોટ જનાર છે. જે ટ્રકમાં ગે.કા. વિદેશી દારૂનો જથ્થો ભરેલ છે. જે હકીકત આધારે મિતાણા ગામ સામે રાધે પાન એન્ડ ટી સ્ટોલ હોટલ સામે વોચ ગોઠવતા ઉપરોકત ટાટા ટ્રક ત્યાંથી પસાર થતા તેને રોકી તેમાં તલાસી કરતા વિદેશી દારૂની બોટલ નંગ 11,460 જેની કિંમત રૂ.35,53,200 નો જંગી જથ્થો તેમજ ટાટા કંપનીની ટ્રક નંબર-જીજે-24-વી-8975 કિ.રૂ.10,00,000 , મોબાઇલ ફોન-1 કિ.રૂ.5000 , રોકડા રૂ.14,200  તથા અન્ય મુદામાલ મળી કુલ કિ.રૂ.45,72,400 ના મુદામાલ સાથે ટ્રક ચલાવનાર આરોપી બુધારામ કાનારામજી કોજારામજી બાબલે બિશ્નોઇ ઉ.વ. 43 રહે. બાલાજીનગર ગુડાબિશ્નોઇયાન પોસ્ટ, થાણુ ગુર તા.લુબન જિ.જોધપુર (રાજસ્થાન)ની અટક કરી ટંકારા પો.સ્ટે. ખાતે પ્રોહીબીશન ધારા તળે ધોરણસરની કાર્યવાહી હાથ ધરેલ છે.

ઉપરોક્ત વિદેશી દારૂના જંગી જથ્થા સાથે પકડાયેલા આરોપીની પ્રાથમિક પૂછપરછમાં અન્ય બે આરોપીના ખુલવા પામ્યા છે જેમાં આરોપી સુરેશ રહે. ચિતલવાના સાંચૌર (રાજસ્થાન) તથા માલ મોકલનાર તથા માલ મંગાવનાર તથા ટ્રક માલીકને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.