Abtak Media Google News

પ્રતિષ્ઠાભર્યા ચૂંટણી જંગમાં મગનલાલ વડાવિયા સામે લલિતભાઈ કગથરા મેદાને: રાજકીય  સિમ્બોલ વગર લડાતી ચૂંટણીમાં એડી ચોટીનું જોર લગાવતા મહારથીઓ: 31મીએ મતદાન

મોરબી માર્કેટિંગ યાર્ડમાં ભાજપ સમર્થિત પેનલનો કબ્જો છે, છેલ્લા 19 વર્ષથી માર્કેટિંગ યાર્ડમાં બિનહરીફ સત્તાધીશોની નિમણુંક થયા છે ત્યારે પ્રતિષ્ઠાભર્યા મોરબી યાર્ડમાં સતાના સૂત્રો હસ્તગત કરવા આ વખતે હરીફ ઉમેદવારો મેદાને આવતા 19 વર્ષના લાંબા સમય બાદ આગામી તા.31માર્ચના રોજ ચૂંટણી યોજવા જઈ રહી છે.ખેડૂત,વેપારી અને ખરીદ-વેચાણ પેનલ ઉપર સામા – સામા ફોર્મ ભરાતા હાલમાં વિધાનસભા ચૂંટણી જેવા માહોલમાં સહકારક્ષેત્રે રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે.

વર્ષે 125 કરોડનું ટર્ન ઓવર કરતા મોરબી માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતની 10,વેપારીઑની 4 અને ખરીદ-વેચાણ વિભાગની 2 બેઠકો માટે આગામી તા.31 માર્ચના રોજ ચૂંટણી યોજાશે. મોરબી યાર્ડમાં ખેડૂત વિભાગની 10 બેઠકો માટે ટંકારાના ધારાસભ્ય લલિતભાઈ કરમશીભાઇ કગથરા સહીત કુલ 21 ઉમેદવારો મેદાનમાં આવ્યા છે. તો વેપારી વિભાગની 4 બેઠકમાં પણ 8 ઉમેદવાર છે જયારે ખરીદ-વેચાણ વિભાગની બે બેઠક માટે પણ ત્રણ ઉમેદવારો મેદાને આવતા તમામ વિભાગની ચૂંટણી યોજવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે છેલ્લી ત્રણ કે ચાર ટર્મથી મોરબી માર્કેટિંગ યાર્ડમાં બિનહરીફ સત્તાધીશોની નિમણુંક થતી આવી છે અને વર્ષ 2002 બાદ પ્રથમ વખત જ 19 વર્ષના લાંબા સમયગાળા બાદ આ વખતે ચૂંટણી યોજાઈ રહી હોય વિધાનસભા ચૂંટણી જેવો માહોલ જામ્યો છે. મોરબી યાર્ડમાં ખેડૂત પેનલમાં 1468,વેપારી વિભાગમાં 143 અને ખરીદ-વેચાણ વિભાગમાં 35 મતદારો નોંધાયેલા છે ત્યારે વધુમાં વધુ મતો અંકે કરવા રાજકીય મહારથીઓ દ્વારા એડીચોટીનું જોર લગાવામાં આવી રહ્યું હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.

મોરબી માર્કેટિંગ યાર્ડની પ્રતિષ્ઠાભરી ચૂંટણીમાં હાલમાં મગનભાઈ વડાવિયા, ટંકારાના ધારાસભ્ય લલિતભાઈ કગથરા, જિલ્લા પંચાયતના કોંગ્રેસી સદસ્ય નયનભાઈ અઘારા, અમૃતિયા હીરજીભાઈ કેશવજીભાઇ, પ્રાણજીવનભાઈ કાવર, કેશવજીભાઇ કાસુન્દ્રા, પરસોતમભાઇ કૈલા, હસમુખભાઈ ચાડમિયા, ધ્રુવકુમારસિંહ જાડેજા, દલસુખભાઈ પટેલ, ભવાનભાઈ ભાગીયા, આપાભાઈ બોરીચા, ગંગારામભાઈ બરાસરા, ભરતભાઈ ભાલોડીયા, હરિલાલ મોરડીયા, વિનોદભાઈ લોરિયા, કાંતિલાલ વિડજા, અમુભાઈ હુંબલ સહિતના અગ્રણીઓએ ઉમેદવારી નોંધાવી છે ત્યારે આગામી તા.31મીએ મતદાન બાદ 1 એપ્રિલે કોના કિસ્મત ચમકે છે તે તરફ સૌની મીટ મંડાઈ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.