Abtak Media Google News

 

વર્ષ-2014માં ખાનગી બસના ક્લીનર તરૂણીને હવસનો શિકાર બનાવી પથ્થરનો ઘા ઝીંકી ઢીમ ઢાળી દીધુ‘તુ

 

અબતક, ઋષિ મહેતા, મોરબી

મોરબી શહેરની સગીરા પર ગત 2014ની સાલમાં ખાનગી બસના ક્લીનરે કુકર્મ ગુજારી સગીરાને પથ્થરના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દીધી હતી આ પ્રકારની સગીરાની હત્યામાં મોરબી સ્પેશ્યલ પોક્સો કોર્ટે આરોપીને તકસીરવાન ઠેરવી આજીવન કારાવાસની આકરી સજા ફટકારી છે જ્યારે મૃતકના પરિવારને 10 લાખનું વળતર ચુકવવા હુકમ કરાયો છે. મોરબી ખાતે ખાનગી ટ્રાવેલ્સમાં ક્લીનર બાબુદાસ માથુરદાસ દેવમુરારી (રહે રાજસ્થાન)એ 29-04-2014 ના રોજ કંડલા બાયપાસ નજીક પાણી ભરવા ગયેલી સગીરાને ફોસલાવી બાવળની ઝાડીમાં લઇ જઈને દુષ્કર્મ આચર્યું હતું. હેવાન આરોપીએ સગીરા પર દુષ્કર્મ ગુજાર્યા બાદ પથ્થરના ઘા ઝીંકી સગીરાની બેરહેમીથી હત્યા નિપજાવી હતી જેતે સમયે આ પ્રકરણમાં પોલીસે ફરિયાદ નોંધી દુષ્કર્મ અને હત્યા પ્રકરણમાં સંડોવાયેલ હેવાનને ઝડપી લીધો હતો. ત્યારબાદ કેસ મોરબીની સ્પેશ્યલ પોક્સો કોર્ટમાં ચાલી જતા કોર્ટમાં સરકારી વકીલ સંજયભાઈ દવે અને ફરિયાદી પક્ષના વકીલ દિલીપભાઈ અગેચણીયાની ધારદાર દલીલો તેમજ 44 લેખિત અને 25 મૌખિક પુરાવાને રજુ કરવામાં આવ્યા હતા. જેને ધ્યાને લઇ મોરબીની સ્પેશ્યલ પોક્સો કોર્ટના જજ એમ. કે. ઉપાધ્યાય દ્વારા આરોપીને કસુરવાર ઠેરવી જીવનના અંતિમ શ્વાસ સુધીની સજા તેમજ દુષ્કર્મ, અપહરણ અને જીપી એક્ટની કલમ હેઠળ કુલ 32,500 રૂપિયાનો દંડ કર્યો છે બીજી તરફ ભોગ બનનારના માતાપિતાને 10 લાખ રૂપિયાનું વળતર ચુકવવા પણ કોર્ટે હુકમ ફરમાવ્યો છે.

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.