Abtak Media Google News

 

મોરબી-પોરબંદર સહિતની રાજ્યની પાંચ મેડિકલ કોલેજોને મંજૂરી મળે તો બેઠકમાં 500 બેઠકોનો વધારો થશે: પહેલા રાઉન્ડમાં મંજૂરી ન મળે તો બીજા રાઉન્ડમાં બેઠકો સામેલ કરાશે: ઓલ ઇન્ડિયા ક્વોટા માટે 27મીથી કાર્યવાહી શરૂ થયા બાદ સ્ટેટ ક્વોટા માટે પણ કાર્યવાહીનો ધમધમાટ શરૂ થશે

 

અબતક,રાજકોટ

રાજ્યની મેડીકલ, ડેન્ટલ, આયુર્વેદ અને હોમીયોપેથીની અંદાજે 12,000થી વધુ બેઠકો પર પ્રવેશ માટે આજે પ્રોવિઝનલ મેરિટ લીસ્ટ જાહેર કરી દેવામાં આવ્યો છે. આ મેરિટ લિસ્ટમાં 22,726 વિદ્યાર્થીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. આગામી એક સપ્તાહમાં પ્રવેશનો વિસ્તુત કાર્યક્રમ જાહેર કરવામાં આવશે. મહત્વની વાત એ છે કે ચાલુ વર્ષે મેડીકલમાં નવી પાંચ કોલેજોનો મંજૂરી મળે તેવી શક્યતા છે. આ કોલેજોમાં જો મંજૂરી મળે તો મેડીકલોમાં અંદાજે 500 બેઠકોનો વધારો થઇ શકે તેમ છે. આ પાંચ મેડીકલ કોલેજોમાંથી સૌરાષ્ટ્રની મોરબી અને પોરબંદરની કોલેજ છે. ફેબ્રુઆરી સુધીમાં મોરબી-પોરબંદર કોલેજને માન્યતા આપી શું ડોક્ટોરની ઘટ્ટ પૂરી કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે તાજેતરમાં રાજ્યમાં કોરોનાના કહેર વચ્ચે ડોક્ટરોની ઘટ્ટ સામે આવી હતી. આ વાત વચ્ચે હવે જો રાજ્યમાં પાંચ નવી મેડીકલ કોલેજને મંજૂરી મળે તો ડોક્ટરોની ઘટ્ટ પૂરી થઇ શકે તેમ છે. ઉલ્લેખનીય છે કે પહેલો રાઉન્ડ પૂરો થયા પછી મંજૂરીની જાહેરાત કરવામાં આવે તો બીજા રાઉન્ડમાં આ બેઠકોને સામેલ કરવાની તૈયારી પણ આરોગ્ય વિભાગ અને પ્રવેશ સમિતિ દ્વારા કરી દેવામાં આવી છે. મેડીકલ-ડેન્ટલ સહિતના ચાર કોર્સમાં પ્રવેશ માટે હાલમાં અંદાજે 12,000 બેઠકો ઉપલબ્ધ છે. કેન્દ્ર સરકાર દ્વારા જુદા-જુદા જિલ્લાઓમાં મેડીકલ કોલેજની મંજૂરી આપવાની જાહેર કરેલી સ્કીમમાં રાજ્ય સરકારે અરજી કરી હોવાથી આગામી દિવસોમાં પાંચ નવી મેડીકલ કોલેજને મંજૂરી મળવાની શક્યતા છે. આ કોલેજ ગોધરા, નવસારી, મોરબી, પોરબંદર અને રાજપીપળા એમ પાંચ શહેરોમાં શરૂ કરવામાં આવશે.

મેડીકલના સૂત્રોના જણાવ્યા પ્રમાણે હાલમાં તમામ તૈયારીઓ પૂરી કરી દેવામાં આવી છે. કદાચ પહેલો રાઉન્ડ પૂરો થયા પછી મંજૂરી મળે તો તેને આ તમામ પાંચ કોલેજોની 300 બેઠકોને બીજા રાઉન્ડમાં સામેલ કરવાની પણ કવાયત હાથ ધરવામાં આવી છે. નવી કોલેજોની મંજૂરીના મુદ્ે હાલ અસંમજ ચાલી રહી છે. જો કે, સૌરાષ્ટ્રમાં મોરબી અને પોરબંદરની કોલેજોને મંજૂરી મળે તો ડોક્ટરોની ઘટ્ટ પૂરી થઇ શકે તેમ છે. મેડીકલ સહિતના ચાર કોર્સમાં પ્રવેશ માટે કુલ 25,851 વિદ્યાર્થીઓનું રજીસ્ટ્રેશન થયું હતું જે પૈકી 24,618 વિદ્યાર્થીઓએ વેરિફીકેશનની પ્રક્રિયા પૂર્ણ કરી હતી. પ્રવેશ સમિતિ દ્વારા જાહેર કરવામાં આવેલા મેરિટ લીસ્ટમાં 22,726 વિદ્યાર્થીઓને સમાવેશ કરવામાં આવ્યો છે. પ્રવેશના નિયમોને ધ્યાનમાં લેતાં 3125 વિદ્યાર્થીઓ એવા છે કે જેઓને મેરિટ લીસ્ટમાં સામેલ કરવામાં આવ્યા નથી. પ્રોવિઝનલ મેરિટ લીસ્ટમાં કોઇ વિદ્યાર્થીઓને કોઇ મુશ્કેલી હોય તો 25મી બપોરે 1 વાગ્યા સુધીમાં પ્રવેશ સમિતિના ઇ-મેઇલ પર રજૂઆત કરવા સૂચના અપાઇ છે. ઓલ ઇન્ડિયા ક્વોટાની બેઠકો માટે આગામી 27મીથી પહેલા રાઉન્ડની પ્રવેશની પ્રક્રિયા શરૂ થવાની છે. આ કાર્યવાહીની સાથેસાથે જ સ્ટેટ ક્વોટા માટે પણ કાર્યવાહી શરૂ કરવામાં આવશે. સમિતિ દ્વારા પ્રવેશનો વિસ્તૃત કાર્યક્રમ આગામી દિવસોમાં જાહેર કરવામાં આવશે.

પેરા મેડિકલ બેઠકો માટે 25મીથી ચોઇસ ફિલીંગ

પેરામેડિકલમાં બી.એસ.સી. નસિર્ર્ંગ, ફીજીયોથેરાપી, ઓપ્ટોમેટ્રી, ઓક્યુપેશન થેરાપી, નેચરોથેરાપી, ઓડીયોલોજી સહિતના કોર્ષની અંદાજે 26,000 બેઠકો માટે હાલમાં 49,000 વિદ્યાર્થીઓનો મેરિટ લીસ્ટમાં સમાવેશ કરવામાં આવ્યો છે. પ્રવેશ પ્રક્રિયા મોડી શરૂ થવાના કારણે અંદાજે 40 થી વધારે નવી નર્સિંગ કોલેજને મંજૂરી આપી દેવામાં આવી છે. આ બેઠકોને પણ પ્રવેશ કાર્યવાહીમાં સમાવેશ કરવામાં આવશે. આમ અંદાજે 27,000થી વધારે બેઠકો માટે પહેલો રાઉન્ડનો કાર્યક્રમ જાહેર કરી દેવામાં આવ્યો છે. જેમાં 25મીથી 30મી સુધી ઓનલાઇન ચોઇસ ફિલીંગ કરવાની રહેશે.

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.