મોરબી: જાલી નોટ મામલે રાજસ્થાન પોલીસે એક શખ્સની કરી ધરપકડ

સપ્તાહ પૂર્વે જ બે શખ્સોને  જાલી નોટ સાથે રાજસ્થાન પોલીસે જવાસીયા ગેટ પાસેથી અટકાયત કરી ‘તી

અબતક, ઋષી મહેતા, મોરબી

મોરબી જિલ્લાના ટંકારા તાલુકાનો યુવક અન્ય એક યુવક સાથે નકલી નોટો સાથે  રાજસ્થાનમાં ઝડપાયો હતો જેને આ નકલી નોટ મોરબીથી લઈ આવવાની કબુલાત આપતા રાજસ્થાન પોલીસ  વાંકાનેર તાલુકાના  અમરસર, રાજાવડલા સહિતના અલગ અલગ વિસ્તારોમાં તપાસ હાથ ધરી હતી જેમાં સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ વાંકાનેરમાં રહેતા ઇમરાન નામના શખ્સની સંડોવણી ખુલવા પામી છે.

જેમાં વિગત મુજબ ગત તા.25 ના રોજ ગુજરાતમાંથી નકલી નોટો લાવીને રાજસ્થાનના ભીલવાડામાં સોદા કરવાના કેસનો ખુલાસો કરતી વખતે ચિત્તોડગઢ જિલ્લાના ગંગરાર પોલીસ સ્ટેશને બે આરોપીઓની ધરપકડ કરી છે. જેમનો એક આરોપી મોરબી જિલ્લાના ટંકારા તાલુકાના ગામનો રહેવાસી છે. તેમના કબજામાંથી એક બોલેરો જીપ અને 3 લાખ 96 હજાર 300 રૂપિયાની નકલી નોટો જપ્ત કરવામાં આવી છે.

પોલીસના જણાવ્યા અનુસાર ચિતોરગઢ જિલ્લાના ગંગરાર પોલીસ સ્ટેશનનો સ્ટાફ જવાસિયા ગેટ પાસે નાકાબંધીમાં હતા તે દરમિયાન ગુજરાત પાસિંગ નંબરની એક જીપ આવતી જોવા મળી હતી જેથી  પોલીસે શંકાના આધારે બોલરો જીપને અટકાવી અને ડ્રાઈવર અને તેની બાજુમાં બેઠેલી વ્યક્તિનું નામ અને સરનામું પૂછ્યું તો ડ્રાઈવરે પોતાની ઓળખ બદનોર હેઠળના ગોરંડિયાના રહેવાસી સોહન સિંહ રાવત રાજપૂતના પુત્ર મહાવીર સિંહ (28) તરીકે આપી હતી  અને તેની સાથે રહેલો શખ્સ ગુજરાતના મોરબીમાં જિલ્લાના ટંકારા પોલીસ સ્ટેશન હેઠળના જૂના ગામતળ જીવાપરમાં રહેતો મિતુલ હેમંતભાઇ ડાકા પટેલ(ઉ.વ.28) હોવાનું જણાવ્યું હતું. પોલીસે જીપની તલાશી લેતા તેમાંથી એકજ સિરીઝ 9ઊંચ સિરિઝના સો અને પાંચસોની નોટોના બંડલ મળી આવ્યા હતા.  સો રૂપિયાના તમામ બંડલમાં સમાન શ્રેણીની 3598 નોટો એટલે કે 3 લાખ 59 હજાર 800 રૂપિયા અને પાંચસોની 73 નોટો એટલે કે 36 હજાર 500 રૂપિયાની નોટો મળી આવી હતી.

પૂછપરછ દરમિયાન આરોપી મિતુલએ પોલીસને જણાવ્યું કે આ નકલી નોટ છે અને  નકલી નોટો ગુજરાતમાં ચલાવવા માટે મહાવીરસિંહ સાથે મળીને ગુજરાતના મોરબી જિલ્લામાંથી રાજસ્થાનના ભીલવાડા લાવવામાં આવી હતી.  પોલીસે ગંગરાર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધીને બંને આરોપીઓની ધરપકડ કરીને પૂછપરછ શરૂ કરી હતી ત્યારે મોરબી જિલ્લામાં પણ રાજસ્થાન પોલીસ તપાસ અર્થે પહોંચી છે અને આ નકલી નોટ મોરબીથી કોની પાસેથી લીધી હતી તે બાબતે સ્થાનિક પોલીસને સાથે રાખી તપાસ હાથ ધરવામાં આવી છે