મોરબી: શકિત ચોક ગરબીએ અર્વાચીન રાસોત્સવને પણ ટકકર આપી

85 બાળાઓને એક બાળા દીઠ એક બે નહિ પણ છ-છ સોના ચાંદીની વસ્તુઓ લ્હાણી રૂપે  અપાઈ

નવરાત્રી મહોત્સવમાં સળગતા ગરબા માથે રાખી તેમજ અઘોર નગારા તથા તલવાર રાસ સહિતના પ્રાચીન રાસોએ ધૂમ મચાવી

અબતક,ઋષી મહેતા, મોરબી

મોરબી શહેરની મધ્યમાં ગેસ્ટ હાઉસ રોડ ઉપર આવેલી શક્તિ ચોક ગરબી પ્રાચીન ગરબીએ અર્વાચીન રાસોસ્તવને પણ ટક્કર આપી હતી. નવરાત્રી મહોત્સવ હવે પૂરો થતાં નવે નવ દિવસ 85 જેટલી બાળાઓએ સળગતા ગરબા માથે રાખી તેમજ અઘોર નગારા તથા તલવાર રાસ સહિતના પ્રાચીન રાસો રજૂ કરીને માતાજીની આરાધના કરી હતી. હવે નવરાત્રી મહોત્સવમાં આજના મોંઘા સોનાના ભાવ વચ્ચે આ 85 બાળાઓને એક બે નહિ છ છ સોના ચાંદીની વસ્તુઓ લ્હાણી રૂપે અપાશે.

મોરબીના ગેસ્ટ હાઉસ રોડ ઉપર છેલ્લા 39 વર્ષથી શક્તિ ચોક ઉપર શક્તિ ચોક ગરબી મંડળ દ્વારા પ્રાચીન ગરબી યોજાઈ છે. આ અંગે શક્તિ ચોક ગરબી મંડળના આયોજક ક્રિપાલસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે, શરૂઆતમાં શક્તિ ચોક ગરબી ખૂબ નાના પાયે યોજાતી હતી અને બાળાઓને પણ લ્હાણીમાં સીમિત વસ્તુઓ જ ભેટમાં અપાતી હતી. પણ શહેરની મધ્યમાં હોય અને માતાજીની ખરા અર્થમાં ભક્તિ રૂપે પ્રાચીન ઢબે રાસો રજૂ કરાતા જે બાળાઓને વ્યવસ્થિત રાસ ગરબાની તાલીમ અપાતી હોય આ શક્તિ ચોકની ગરબીના દરેક રાસ પ્રખ્યાત થઈ ગયા અને વર્ષો જતા હવે નવરાત્રીમાં આ રાસ જોવા હજારો લોકો ઉમટી પડે છે અને આખા શહેર તેમજ ઉધોગપતિઓ, સમાજ શ્રેષ્ઠીઓ તેમજ દાંતાઓના ખૂબ જ સહયોગ મળે છે.

ક્રિપાલસિંહ ઝાલાએ વધુમાં જણાવ્યું હતું કે, શક્તિ ગરબીને આધુનિકતાનો રંગ સ્પર્શી ગયો છે. જેમાં ભપકાદાર અને ઝાકઝમાંળ વચ્ચે પણ મૂળ જગત જનનીની ખરા અર્થમાં પ્રાચીન ઢબથી આરાધના કરવાનું ઔચિત્ય જળવાઈ રહ્યું છે. જેમાં હાલ નાતજાતના બંધન વગર 85 જેટલી નાની મોટી દીકરીઓ રાસ રજૂ કરીને પ્રાચીન ઢબે માતાજીની આરાધના કરે છે. બાળાઓને નવરાત્રી અગાઉ તમામ પ્રાચીન રાસની એક મહિનો અગાઉ તાલીમ આપવામાં આવે છે. જેને કારણે તમામ દીકરીઓ અદભુત રીતે રાસ રજૂ કરે છે. શક્તિ ચોકની ગરબીના આયોજકો 85 દીકરીઓમાં એક બાળા દીઠ સોના ચાંદીની છ વસ્તુઓની લ્હાણી આપીને માતાજીને આભૂષણો ભક્તિ સ્વરૂપે આપ્યાની દિવ્ય અનુભૂતિ કરે છે.