- સ્ટેટ મોનીટરીંગ સેલનો સૌરાષ્ટ્રમાં પડાવ
- રૂ. 76.39 લાખની કિંમતની શરાબની 17,514 બોટલ સહિત કુલ રૂ. 1.11 કરોડનો મુદ્દામાલ કબ્જે
- ચાર રાજસ્થાની શખ્સોની ધરપકડ બુટલેગર સહિત સાતની શોધખોળ
સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે સૌરાષ્ટ્રમાં પડાવ નાખ્યો હોય તેમ સૌરાષ્ટ્રમાં એક બાદ એક દરોડો પાડવામાં આવી રહ્યો છે. ગત સપ્તાહના અંતમાં એસએમસીએ મોરબીના ટંકારાથી 11.81 લાખની કિંમતની 2147 બોટલ, આટકોટથી 61.46 લાખની કિંમતનો 9348 બોટલ, અને રાજકોટથી 104 બોટલ દારૂ ઝડપી પાડ્યો હતો. જયારે બોટાદના રાણપુરમાંથી જુગારધામ ઝડપી લેવામાં આવ્યું હતું. જે બાદ વધુ એકવાર સ્ટેટ મોનીટરીંગ સેલએ મોરબીમાં દરોડો પાડ્યો છે. મોરબીના શનાળા ગામેથી દારૂનું આખેઆખું ગોડાઉન ઝડપી લેવામાં આવ્યું છે. એસએમસીએ રૂ. 76.39 લાખની કિંમતની શરાબની 17,514 બોટલ સહીત કુલ રૂ. 1.11 કરોડના મુદ્દામાલ સાથે કુલ ચાર રાજસ્થાની શખ્સોંની ધરપકડ કરી છે. જયારે બુટલેગર સહીત કુલ સાત શખ્સોંની શોધખોળ શરૂ કરવામાં આવી છે.
મોરબીમાં ફરી સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા સ્થાનિક પોલીસના નાક નીચેથી બાતમીને આધારે શકત શનાળા ગામની હદમાં રાજપર રોડ ખાતે એક ગોડાઉનમાં રેઇડ કરવામાં આવી હતી. જ્યાં ગોડાઉનમાં ટ્રક ટ્રેઇલરમાં ખીચો ખીચ વિદેશી દારૂ ભરેલ હોય જે ઉતારવાની કામગીરી દરમિયાન સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમ ત્રાટકીને વિદેશી દારૂની 17514 બોટલ ઝડપી લેવામાં આવી છે. રેઇડ દરમિયાન ચાર રાજસ્થાની ઇસમોની ધરપકડ કરાઈ છે.
જાણવા મળતી વિગતો અનુસાર, સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમ દ્વારા વધુ એકવાર મોરબીમાં વિદેશી દારૂ અંગે દરોડા પાડવામાં આવ્યા છે, જેમાં મોરબીના શકત શનાળા નજીક રાજપર રોડ ઉપર આવેલ ભૂમિ ગોડાઉનમાં વિદેશી દારૂ ભરેલ ટ્રકમાંથી દારૂ ઉતારવામાં આવી રહયાની બાતમીને આધારે સ્ટેટ મોનીટરીંગ સેલ ટીમ દ્વારા વોચ ગોઠવી ગોડાઉનમાં ટ્રક જતા તુરંત સ્ટેટ મોનીટરીંગ સેલ ટીમ દ્વારા રેઇડ કરવામાં આવી હતી. હાલ ટ્રકમાં વિદેશી દારૂની 17514 બોટલ, 3 વાહનો, 4 મોબાઈલ તથા 5120 રોકડા સહિત રૂ. 1,11,94,212નો મુદ્દામાલ જપ્ત કરાયો છે.
આ સાથે એસએમસી ટીમ દ્વારા સ્થળ ઉપરથી ચાર રાજસ્થાની આરોપી મુકેશકુમાર મહેન્દ્રકુમાર સિયાક, જશવંતસિંહ રામચંદ્ર ગોદારા, દીનેશકુમાર પ્રેમારામ ગુરુ તથા પ્રવીણ ભગીરથરામ વરાડ બધા ભેરૂડી ગામ રાજસ્થાન શખ્સોની અટકાયત કરવામાં આવી છે. આ રેઇડ દરમિયાન અન્ય સાત આરોપીઓના નામ ખુલ્યા હોય જેમાં અશોક પુનામારામ પુવાર રહે. સાંચોર રાજસ્થાન, કમલેશ હનુમાનરામ રામ રહે.રાજસ્થાન, મહેશ ચૌધરી રહે.બાડમેર રાજસ્થાન, ટ્રેઇલર ચાલક, ટ્રેઇલર માલીક, અશોક લેલનનો માલીક તથા દારૂનો જથ્થો મોકલનાર એમ 7 આરોપીઓને ફરાર હોવાનું દર્શાવેલ છે. હાલ સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમ દ્વારા તમામ આરોપીઓ વિરુદ્ધ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં પ્રોહી. એક્ટ હેઠળ ગુનો નોંધાવી વોન્ટેડ આરોપીઓને પકડી લેવા અલગ અલગ દિશામાં તપાસની તજવીજ હાથ ધરવામાં આવી છે.