Abtak Media Google News

કુશળ કારીગર અને નિકાસમાં પ્રોત્સાહન થકી મોરબીનું સિરામિક ઉદ્યોગ વૈશ્વિક બજારમાં ધૂમ મચાવવા તત્પર

ફક્ત સૌરાષ્ટ્ર કે ગુજરાત નહીં પરંતુ દેશ અને વિદેશમાં મોરબી એટલે સીરામીક અને સીરામીક એટલે મોરબી. મોરબી ગુજરાત તો ઠીક સમગ્ર દેશ – વિદેશમાં તેના સીરામીક ઉદ્યોગ માટે વિખ્યાત છે. મોરબીએ વૈશ્વિક સ્તરે સીરામીક ઉદ્યોગમાં આપબળે ડંકો વગાડ્યો છે. હાલ સુધીમાં મોરબીના સીરામીક ઉધોગે ક્યારેય પણ કોઈ આશા કે અપેક્ષા રાખી નથી. સીરામીક ઉદ્યોગમાં ઉપયોગમાં લેવાતું કેમિકલ માટે અગાઉ સીરામીક ઉદ્યોગ ચાઈના પર નિર્ભર હતું પરંતુ ચાઈનાનો બહિષ્કાર થતા મોરબીએ તેનો પણ વિકલ્પ શોધી લીધો હતો તે આપબળનો એક મોટું ઉદાહરણ છે. હાલ મોરબીનું સીરામીક ઉદ્યોગ વિશ્વભરમાં સીરામીક ક્ષેત્રે ૮% નો હિસ્સો ધરાવે છે જેને કેન્દ્ર સરકારનો સહકાર મળે તો હિસ્સો બમણો કરવાની તાકાત મોરબી ધરાવે છે.

મોરબીનું સીરામીક ઉદ્યોગ દિન પ્રતિદિન વધુ ઝડપે વિકસિત થઈ રહ્યું છે. કોરોના મહામારી સામયિક તબક્કે સીરામીક ઉદ્યોગને ચાઈનાનો બહિષ્કાર થતા મોટો ફટકો પડશે તેવી પ્રબળ શક્યતાઓ ઉભી થઈ હતી તે સમયે પણ ઉદ્યોગ સહસિકોએ હાર માની નથી. પ્રાપ્ત આંકડા અનુસાર છેલ્લા કેટલાક સમયમાં સરકારે મોરબી અને તેના આસપાસના વિસ્તારોમાં ૧૦૦ થી વધુ નાના મોટા સીરામીક યુનિટને મંજૂરી આપી છે. જેમાં આશરે ૧૨ હજાર કરોડનું મૂડી રોકાણ આગામી ૨ વર્ષમાં આવે તેવી પ્રબળ શક્યતાઓ છે. મોરબીના સીરામીક ઉદ્યોગનો અર્થતંત્રમાં ફાળાની મહ્ત્વતા રાજ્ય સરકાર સમજી ચુકી છે જેથી મોરબીના સીરામીક ઉદ્યોગને વધુ ઝડપે વિકસિત બનાવવા ઘટતું કરવા રાજ્ય સરકારે કેન્દ્રને લેખિત રજુઆત કરતા મુખ્યત્વે ૪ આયોજનો કરવા માંગણી કરી છે.

મોરબીનું સીરામીક ઉદ્યોગ અને રાજ્ય સરકાર આ અંગે વધુ જાગૃત બની છે. સીરામીક ઉદ્યોગના વિકાસમાં ઘટતી બાબતોનહ આયોજન કરવા રાજ્ય સરકાર તત્પર છે ત્યારે રાજ્ય સરકારે લેખિત રજુઆત કરતા કુલ ૪ માંગણીઓ કેન્દ્ર સરકાર પાસે મૂકી છે. જેમાં મોરબી ખાતે સીરામીક ડેવલોપમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ બનાવવું, વૈશ્વિક સ્તરે ગ્રાહકોને આકર્ષવા આંતરરાષ્ટ્રીય કનવેશન સેન્ટરની સ્થાપના, સ્વતંત્ર સીરામીક એક્સપોર્ટ કાઉન્સિલનું ગઠન કરવું  અને એક્સપોર્ટ પ્રમોશન કેપિટલ ગુડ્સ સ્કીમ લંબાવવાની રજુઆત કેન્દ્ર સરકારને રજુઆત કરવામાં આવી છે.

નાના ઉદ્યોગ સાહસિકોને પ્રોત્સાહન આપતી સ્કીમની સમય મર્યાદા વધારી પગભર બનાવવા માંગ

કેન્દ્ર સરકાર દ્વારા ઇપીસીજી સ્કીમ (એક્સપોર્ટ પ્રમોશન કેપિટલ ગુડ્સ) બનાવી હતી જેમાં નાના ઉદ્યોગ સાહસિકોને વૈશ્વિક સ્તરે પગભર કરવા પ્રોત્સાહનો આપવામાં આવી રહ્યા છે જેની સમય મર્યાદા ૩૧ માર્ચ, ૨૦૨૧ સુધીની છે. આ સ્કીમ થકી નાના ઉદ્યોગ સાહસિકોને નિકાસ માટે વિવિધ રાહતો તેમજ પ્રોત્સાહન આપવામાં આવી રહ્યા છે જેનાથી નાના ઉદ્યોગ સાહસિકોને ફાયદો પણ થઈ રહ્યો છે જેથી આ સ્કીમની સમય મર્યાદા વધારવા અંગે પણ રાજ્ય સરકારે કેન્દ્ર પાસે માંગણી કરી છે.

કુશળ કારીગર અને નવા સંશોધનો માટે ઇન્સ્ટિટ્યૂટ સ્થાપવા માંગ

રાજ્ય સરકારે કેન્દ્ર પાસે કરેલી માંગમાં પ્રથમ મોરબી ખાતે સીરામીક ડેવલોપમેન્ટ ઇન્સ્ટિટ્યૂટની સ્થાપના કરવા માંગણી કરાઈ છે. જેની સીધી અસરથી સીરામીક ઉદ્યોગને સ્થાનિક ધોરણે કુશળ કારીગરો સરળતાથી મળી રહેશે. ઉલ્લેખનીય બાબત છે કે, જો ઉદ્યોગને કુશળ કારીગરો મળી રહેશે તો સીરામીક ઉદ્યોગ આંતરરાષ્ટ્રીય રાષ્ટ્રીય બજાની માંગ અનુસાર નવી પ્રોડક્ટ્સનું સંશોધન કરી વિકસાવી શકશે અને વૈશ્વિક માંગને પુરી દુનિયાભરમાં ડંકો વગાડી શકશે. મહત્વપૂર્ણ બાબત એ પણ છે કે, હાલ સમગ્ર વિશ્વમાં ચાઈનાએ વિશ્વસનીયતા ગુમાવી છે ત્યારે ભારત માટે મોકળું મેદાન છે. અલગ અલગ ક્ષેત્રોમાં આંતરરાષ્ટ્રીય બજારમાં ઘૂસ કરવાની હાલ ભારત પાસે શ્રેષ્ઠ સમય છે.

આંતરરાષ્ટ્રીય બજારમાંથી ગ્રાહકોને આકર્ષવા ક્નવેનશન સેન્ટરની મહત્વપૂર્ણ ભૂમિકા

મોરબીનું સીરામીક ઉદ્યોગ અને રાજ્ય સરકાર ભલીભાતી જાણે છે કે, વૈશ્વિક સ્તરે છવાઈ જવા માટે આંતરરાષ્ટ્રીય બજારમાંથી ગ્રાહકોને આકર્ષવા ખૂબ જરૂરી છે. સમગ્ર વિશ્વના ગ્રાહકો મોરબીના સીરામીક ઉદ્યોગ તરફ આકર્ષાય તો જ ઉદ્યોગનો ડંકો વિશ્વ સ્તરે વાગશે. જો દુનિયાના અલગ અલગ દેશોમાંથી ગ્રાહકો મોરબી ખાતેથી ખરીદી કરતા થશે તો સીરામીક ઉદ્યોગને તો ફાયદો થશે જ પણ સાથોસાથ વિદેશી હૂંડિયામણ પણ ભારત આવશે. જેના કારણે ભારતીય અર્થતંત્રને પણ ફાયદો થશે. રોકાણકારો મોરબીના સીરામીક ઉદ્યોગ તરફ આકર્ષાય તેના માટે આંતરરાષ્ટ્રીય ક્ધવેનશન સેન્ટર ખૂબ જરૂરી છે.

સ્વતંત્ર એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ સિરામિકના નિકાસને વેગવંતુ બનાવશે

હાલ સુધી સીરામીક ઉદ્યોગના નિકાસ માટે કોઈ સ્વતંત્ર એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલનું ગઠન કરાયું નથી. હાલ સુધી સીરામીક ઉદ્યોગનો સમાવેશ કેમિકલ એન્ડ એલાઈડ એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલના ધારા ધોરણ હેઠળ રાખવામાં આવ્યું છે. જો સીરામીક ઉદ્યોગને સ્વતંત્ર એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ મળે તો વિશ્વભરમાં મોરબીના સીરામીક ઉદ્યોગનો પ્રચાર પ્રસાર થશે જેના કારણે નિકાસને ચોક્કસ વેગ મળશે. હાલ જે રીતે ભારત આયાતમાં ઘટાડો અને નિકાસમાં વધારાની જે નીતિ સાથે ચાલી રહ્યું છે તે તરફ વધુ એક પગલું એટલે સીરામીક ઉદ્યોગ માટે સ્વતંત્ર એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.