Abtak Media Google News
  • હજી અનેકના તપેલા ચડી જશે: 30 નિર્દોષ વ્યક્તિના મોતની ઘટના બાદ સરકાર આકરા પાણીએ

રાજકોટના નાના મવા રોડ પર ટીઆરપી ગેમ ઝોનમાં ગત શનિવારે ભભૂકેલી વિનાશક આગમાં 30 વ્યક્તિઓ બળીને ભડથું થઇ ગયા છે. હજી મૃત્યુઆંક વધે તેવી ભીતિ દેખાય રહી છે. મૃતદેહો એટલી હદે બળી ગયા છે કે ડીએનએ ટેસ્ટ કર્યા બાદ પરિવારજનોને તેઓના સ્વજનોના મૃતદેહ સોંપવામાં આવી રહ્યા છે. ગુજરાત હાઇકોર્ટની આકરી ઝાટકણી બાદ રાજ્ય સરકાર એક્શનમાં આવી છે. સોમવારે સવારે સાત કર્મચારીઓને સસ્પેન્ડ કરી દેવાયા બાદ સાંજે રાજકોટના પોલીસ કમિશનર અને મ્યુનીસિપલ કમિશનરની બદલી કરી દેવામાં આવી છે. અગ્નિકાંડની ઘટનાની તપાસ માટે રાજ્ય સરકાર દ્વારા આઇપીએસ સુભાષ ત્રિવેદીની અધ્યક્ષતામાં પાંચ સભ્યોની સીટની રચના કરવામાં આવી છે. આ તપાસ સમિતિને ત્રણ દિવસમાં તપાસનો પ્રાથમિક રિપોર્ટ આપી દેવા અને 10 દિવસમાં સંપૂર્ણ રિપોર્ટ આપી દેવા તાકીદ કરવામાં આવી છે. દરમિયાન આજે રાત્રે અથવા આવતીકાલે સવારે તપાસનો પ્રાથમિક રિપોર્ટ આવ્યા બાદ સરકાર દ્વારા વધુ કેટલીક આકરી કાર્યવાહી કરવામાં આવે તેવી સંભાવના જણાય રહી છે. વિપક્ષ કોંગ્રેસ દ્વારા રાજકોટ મહાનગરપાલિકાને સુપરસીડ કરવામાં આવે તેવી શક્યતા પણ નકારી શકાતી નથી.

આઇપીએસ સુભાષ ત્રિવેદી દ્વારા હાલ અગ્નિકાંડની બારીકાઇથી તપાસ કરાવવામાં આવી રહી છે. પ્રાથમિક તપાસમાં જ અનેક એવી વાતો બહાર આવી છે. જેનાથી અનેક અધિકારીઓના તપેલા ચડી જશે. કાયદા સાથે છેડછાડ કરી લોકોની જીંદગી સાથે રમત કરતા ભ્રષ્ટ અધિકારીઓ ભવિષ્યમાં ભ્રષ્ટાચાર કરતા ફફડે તેવા આકરા પગલાં લેવામાં આવશે. સીટને 72 કલાકમાં અગ્નિકાંડની તપાસનો પ્રાથમિક રિપોર્ટ આપી દેવા તાકીદ કરી દેવામાં આવી છે. 72 કલાકની સમય અવધી આજે રાત્રે પૂર્ણ થઇ રહી છે. આજે મોડી રાતે અથવા આવતીકાલે તપાસ સમિતિ દ્વારા અગ્નિકાંડની તપાસનો પ્રાથમિક રિપોર્ટ રાજ્ય સરકાર સમક્ષ રજૂ કરી દેવામાં આવશે. જ્યારે આગામી 6 જૂન સુધીમાં તપાસનો સંપૂર્ણ અહેવાલ રજૂ કરી દેવામાં આવશે.

તપાસ રિપોર્ટ આવ્યા બાદ રાજ્ય સરકાર દ્વારા હજી આકરા પગલા લેવામાં આવે તેવી શક્યતા નકારી શકાતી નથી. પોતાની જવાબદારી હોવા છતા બેજવાબદાર બની નિર્દોષ લોકોની જીંદગી સાથે રમત રમી રહેલા અધિકારીઓ હજી કાયદાના પાઠ ભણાવવામાં આવશે. રાજ્ય સરકાર તપાસ રિપોર્ટની રાહ જોઇ રહી છે. જેવો રિપોર્ટ આવશે કે સરકાર દ્વારા ધડાધડ પગલા લેવામાં આવશે.

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.