પાલિકા-પંચાયતોમાં ઓબીસી અનામત વધારવા સૌરાષ્ટ્રના 11 જિલ્લાઓમાંથી 1000થી વધુ રજૂઆતો 

સમર્પિત આયોગની સુનાવણીમાં રાજકોટના મેયર પ્રદીપ ડવ, 10 મહિલા કોર્પોરેટરો, રાજકીય આગેવાનો પણ રહ્યા ઉપસ્થિત: રાજકોટમાં  781 રજૂઆતો

સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં ઓબીસી સમાજને વધુ અનામત મળે તે માટે સમર્પિત આયોગની રચના કરવામાં આવી છે. આ આયોગ દ્વારા રાજકોટમાં બે દિવસ સુધી સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જેમાં સૌરાષ્ટ્રના 11 જિલ્લાઓમાંથી આયોગને 1000થી વધુ રજૂઆતો મળી છે. આ રજૂઆતોમાં નગર-મહાનગર પાલિકા તેમજ ગ્રામ-તાલુકા-જિલ્લા પંચાયતોમાં ઓબીસી અનામત 10 ટકાથી વધારીને 27 ટકા સુધી લઈ જવાનો સૂર વ્યક્ત થયો હતો.

સમર્પિત આયોગના ચેરમેન અને હાઇકોર્ટના નિવૃત્ત મુખ્ય ન્યાયાધીશ શ્રી કલ્પેશ ઝવેરીની અધ્યક્ષતામાં તથા આયોગના સભ્યો શ્રી ઈશ્વરભાઈ પટેલ, શ્રી કે. એસ. પ્રજાપતિ તથા શ્રી વી.બી ઠાકોરની ઉપસ્થિતિમાં, રાજકોટ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આ સુનાવણી હાથ ધરવામાં આવી હતી. 26મી ઓગસ્ટે બીજા દિવસની સવારની સુનાવણીમાં કચ્છ જિલ્લામાંથી 143, દેવભૂમિ દ્વારકા જિલ્લામાંથી 13, પોરબંદર જિલ્લામાંથી પાંચ જ્યારે બોટાદ જિલ્લામાંથી 13 જેટલી રજૂઆતો આવી હતી. જ્યારે બપોર પછીના સેશનમાં રાજકોટ જિલ્લા તેમજ મહાનગર પાલિકા વિસ્તારની સુનાવણી યોજાઈ હતી. જેમાં 781 જેટલી રજૂઆતો આવી હતી. રાજકોટના મેયરશ્રી પ્રદીપ ડવ, અન્ય કોર્પોરેટરો તેમજ ઓબીસીમાં સમાવિષ્ટ વિવિધ જ્ઞાતિઓના પ્રતિનિધિઓ સુનાવણીમાં ઉપસ્થિત રહ્યા હતા. મેયરશ્રી પ્રદીપ ડવે પણ આયોગ સમક્ષ રજૂઆત કરી હતી કે, સ્થાનિક સંસ્થાઓમાં ઓબીસીને વધુ પ્રતિનિધિત્વ મળે તેવી વિવિધ સમાજોની લાગણી છે, જેને આપ સરકારમાં પહોંચાડશો એવી આશા છે, અને ઓબીસી સમાજને વધુમાં વધુમાં અનામત મળે તેના માટે આપ સમક્ષ અમારી રજૂઆત છે. આયોગના ચેરમેનશ્રી જસ્ટિસ કલ્પેશ ઝવેરીએ કહ્યું હતું કે, સુપ્રીમ કોર્ટે આપેલા નિર્ણય તેમજ કાયદાની મર્યાદામાં રહીને તેઓ ઓબીસી સમાજને સ્થાનિક સંસ્થાઓમાં વધુમાં વધુ અનામત મળે તે માટે પ્રયત્ન કરશે. આ દરમિયાન રાજકોટના જિલ્લા કલેક્ટર  અરૂણ મહેશ બાબુ, રાજકોટ મ્યુનિસિપલ કમિશનર અમિત અરોરા,  નિવાસી અધિક કલેકટર  કેતન ઠક્કર, જિલ્લા આયોજન અધિકારી શ્રી નીતિન ટોપરાણી, રાજકોટ ગ્રામ્ય પ્રાંત અધિકારી  વિવેક ટાંક વગેરે ઉપસ્થિત રહ્યા હતા.