- 10 મહિનામાં સરકારે 1.95 લાખ કરોડની કરચોરી ઝડપી
છેલ્લા બે વર્ષમાં 17000થી વધુ કરચોરીના કેસો નોંધાયા છે અને લગભગ 2041 કરોડની કરચોરી પકડાઈ છે જેને લઈને અનેકના જીએસટી નંબર રદ કરવામાં આવ્યા છે.કેન્દ્રીય ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સના અધિકારીઓએ ચાલુ નાણાકીય વર્ષના એપ્રિલ-જાન્યુઆરી સમયગાળા દરમિયાન 25,397 કેસમાં 1.95 લાખ કરોડ રૂપિયાની કરચોરી શોધી લીધી હતી, એમ સરકારે લોકસભામાં જણાવ્યું હતું.લોકસભામાં સરકાર તરફથી આપવામાં આવેલા આંકડાઓ અનુસાર, છેલ્લા પાંચ વર્ષમાં કેન્દ્રીય અધિકારીઓ દ્વારા પકડવામાં આવેલી જીએસટી ચોરીના કુલ કેસોની સંખ્યા 86,711 છે અને કુલ જીએસટી ચોરી 6.79 લાખ કરોડ રૂપિયાથી વધુની હોવાનું જાણવા મળ્યું છે. ચાલુ નાણાકીય વર્ષમાં (જાન્યુઆરી 2025 સુધી) કરચોરીના કુલ 25,397 કેસ નોંધાયા હતા, જેમાંથી કુલ 1,94,938 કરોડ રૂપિયાની કરચોરી પકડાઈ હતી.આ સમયગાળા દરમિયાન કરચોરીના કેસોમાં 21,520 કરોડ રૂપિયા સ્વેચ્છાએ જમા કરવામાં આવ્યા હતા. ચાલુ નાણાકીય વર્ષમાં આઇટીસી (ઇનપુટ ટેક્સ ક્રેડિટ) છેતરપિંડીના કુલ 13,018 કેસ સામે આવ્યા છે જેમાં 46,472 કરોડ રૂપિયાનો સમાવેશ થાય છે. 2,211 કરોડ રૂપિયા સ્વેચ્છાએ જમા કરાવવામાં આવ્યા હતા. કરચોરી પકડવા માટે જીએસટી નેટવર્કમાં બીગ ડેટા એનાલીસીસ એકત્ર કરવામાં આવે છે. આંતરિક રીતે શકાસ્પદ લાગતા વ્યવહારો, આવા એકમો અંગે સમયાંતરે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારને અહેવાલ મોકલવામાં આવતા હોય છે. પણ વિભાગના સુત્રો જણાવે છે કે કેન્દ્રના દરેક પ્રયત્ન પછી પણ અપરાધીઓ ગુન્હો કરવાની પદ્ધતિ બદલતા રહે છે.