- મોટરવાળી લાકડાની હોડી લગભગ 400 મુસાફરોને લઈ જઈ રહી હતી અને તેમાં આગ લાગતા અફડાતફરીનો માહોલ સર્જાયો
કોંગોમાં એક મોટી દુર્ઘટના સર્જાઇ છે. અહીં આગ લાગવાથી એક બોટ પલટી ગઈ છે. આ અકસ્માતમાં ઓછામાં ઓછા 50 લોકોનાં મોત થયા છે અને સેંકડો લોકો ગુમ છે. અકસ્માત અંગે માહિતી આપતાં એક સ્થાનિક અધિકારીએ જણાવ્યું કે આ દુર્ઘટના કોંગો નદીમાં ઘટી હતી. બોટમાં લાગેલી આગને કારણે ઘણા લોકો ખરાબ રીતે દાઝી ગયા છે. દરમિયાન ઘણા લોકોને બચાવી પણ લેવામાં આવ્યા છે.
રેડ ક્રોસ અને સ્થાનિક સરકારી અધિકારીઓ મદદ કરી રહ્યા છે. દુર્ઘટના બાદ બચાવ ટીમો ગુમ થયેલા લોકોને શોધી રહી છે. અધિકારી કોમ્પેટેન્ટ લોયોકોએ એસોસિએટેડ પ્રેસ ન્યૂઝ એજન્સીને જણાવ્યું હતું કે, મોટરવાળી લાકડાની હોડી લગભગ 400 મુસાફરોને લઈ જઈ રહી હતી ત્યારે તેમાં આગ લાગી ગઈ અને મ્બાન્ડાકા શહેર નજીક એક મોટો અકસ્માત સર્જાયો.
અધિકારી લોયોકોએ જણાવ્યું હતું કે એચબી કોંગોલો નામની બોટ માટનકુમુ બંદરથી બોલોમ્બા વિસ્તાર માટે રવાના થઈ હતી. તેમણે જણાવ્યું હતું કે અકસ્માતમાં બચાવી લેવામાં આવેલા લગભગ 100 લોકોને મ્બાન્ડાકા ટાઉન હોલ ખાતેના કામચલાઉ આશ્રયસ્થાનમાં લઈ જવામાં આવ્યા છે. ઘાયલોને સ્થાનિક હોસ્પિટલોમાં દાખલ કરવામાં આવ્યા છે.
આ ઘટના ત્યારે બની જ્યારે એક મહિલા બોટ પર રસોઈ બનાવી રહી હતી. તેમણે કહ્યું કે બોટમાં આગ લાગ્યા પછી, મહિલાઓ અને બાળકો સહિત ઘણા લોકો નદીમાં કૂદી પડ્યા. તરવાનું ન જાણતા હોવાથી ઘણા લોકોએ નદીમાં કૂદીને જીવ ગુમાવ્યા. આ અકસ્માત બાદ સમગ્ર દેશમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.