- અમદાવાદ, રાજકોટ, મહેસાણા, ભાવનગર, સુરત સહિતના શહેરો સહિત અન્ય રાજ્યમાંથી પણ મોટી સંખ્યામાં ભક્તો ધજા સાથે ઉમટ્યા
- સુરેન્દ્રનગર જીલ્લાના સુપ્રસિધ્ધ ચોટીલા યાત્રાધામ ખાતે છેલ્લા ઘણા વર્ષોથી ધર્મ જાગરણ સમન્વય તેમજ ચોટીલા ડુંગર પરિક્રમા સમિતિ દ્વારા ચોટીલા ડુંગર પરિક્રમાનુ આયોજન કરવામાં આવે છે ત્યારે ચાલુ વર્ષે પણ ચૈત્રી નવરાત્રિના પ્રથમ નોરતે ડુંગર પરિક્રમાનું આયોજન કરવામાં આવ્યું હતુ. જેમાં હજારોની સંખ્યામાં ભક્તો જોડાયા હતા અને ચોટીલા ડુંગરની પરિક્રમા તેમજ દર્શન કરી ધન્યતા અનુભવી હતી.
ચોટીલા ખાતે બિરાજમાન ચામુંડા માતાજી ભક્તોમાં શ્રદ્ધા અને આસ્થાનુ કેન્દ્ર છે અને દૂર દૂર થી ભક્તો ચામુંડા માતાજીના દર્શન કરવા ઉમટી પડે છે. ત્યારે ચૈત્રી નવરાત્રી દરમિયાન ચામુંડા માતાજીની પૂજા અને અર્ચના સાથે ડુંગર પરિક્રમાનો પણ લાભ લઈ શકે તેવા હેતુથી ધર્મ જાગરણ સમન્વય તેમજ ચોટીલા ડુંગર પરિક્રમા સમિતિ દ્વારા ચોટીલા ડુંગર પરિક્રમાનું સતત ચોથા વર્ષે પ્રથમ નોરતે આયોજન કરવામાં આવ્યું હતુ. જેમાં સૌ પ્રથમ સવારે ચોટીલા નવગ્રહ મંદિર ખાતે સાધુ, સંતો, મહંતો અને ધર્મપ્રેમી આગેવાનોની ઉપસ્થિતીમાં ધર્મસભા યોજાઈ હતી. જેમાં મહાઆરતી બાદ ધ્વજા દંડનું પૂજન કરવામાં આવ્યુ હતુ અને ચોટીલા મંદિરના મહંત મનસુખગીરી બાપુ, અમૃતગીરી બાપુ, લોક કલાકાર માયાભાઈ આહિર, પદ્મશ્રી હેમંતભાઈ ચૌહાણ સહિતના આગેવાનોની ઉપસ્થિતિમાં પરિક્રમા યાત્રાનુ પ્રસ્થાન કરાવવામાં આવ્યુ હતુ. આ પરિક્રમા યાત્રામાં માત્ર સુરેન્દ્રનગર જ નહિ પરંતુ અમદાવાદ, રાજકોટ, મહેસાણા, ભાવનગર, સુરત સહિતના શહેરો સહિત બહારના રાજ્યમાંથી પણ મોટી સંખ્યામાં ભક્તો ચામુંડા માતાજીની ધજા સાથે જોડાયા હતા. ડુંગર પરિક્રમા યાત્રા દરમિયાન ભક્તોને અંગદાનનું મહત્વ સમજાવતી પત્રિકાનું વિતરણ કરી મૃત્યુ બાદ અંગદાન કરવા પણ અનુરોધ કરવામાં આવ્યો હતો. ચોટીલા નવગ્રહ મંદિરથી નાના પાળીયાદ રોડ થઈને ખોડીયાર ગાળા અને ક્બીર આશ્રમ થઈ ચોટીલા ડુંગર તળેટીમાં 06 કિલોમિટરની ડુંગર પરિક્રમા પૂર્ણ થઈ હતી. મોટી સંખ્યામાં ભકતોએ ડુંગરની 06 કિલોમીટરની પરિક્રમા કરી ધન્યતા અનુભવી હતી.
જ્યારે ડુંગર પરિક્રમાના રૂટમાં અમુક અંતરે ભક્તો માટે પાણી, છાશ, શરબત તેમજ પરિક્રમા પૂર્ણ કર્યા બાદ ચામુંડા માતાજી ટ્રસ્ટ દ્વારા મહાપ્રસાદની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી. સમગ્ર ડુંગર પરિક્રમા દરમિયાન મોટી સંખ્યામાં અમુક અમુક અંતરે સેવા કેમ્પો સાથે અંદાજે 250 થી વધુ સ્વંયસેવકો ખડેપગે સેવામાં હાજર રહ્યા હતા. જ્યારે ચૈત્રી નવરાત્રી દરમિયાન વધુને વધુ લોકો ચામુંડા માતાજીના દર્શન તેમજ ડુંગર પરિક્રમાનો લાભ લઈ શકે તે માટે આગામી સમયમાં ચૈત્રી નવરાત્રી દરમિયાન માત્ર એક દિવસ જ નહી પરંતુ તમામ નવ દિવસ ડુંગર પરિક્રમાનું આયોજન કરવામાં આવશે તેવી શક્યતાઓ છે તેમ ચામુંડા માતાજી મંદિરના મહંત મનસુખગીરી બાપુએ જણાવ્યું હતુ. ચોટીલા ચામુંડા માતાજીના દર્શન અને પરિક્રમા કરી ભક્તોએ પુણ્યતાનુ ભાથુ બાંધ્યુ હતુ તેમજ સમગ્ર માહોલ ચામુંડા માત કી જય ના નાદ સાથે ગુંજી ઉઠ્યો હતો.
ચૈત્રી નવરાત્રિના પ્રથમ દિવસે શિશ ઝુકાવી “માઁ” ચામુંડાના દર્શનથી ધન્યતા અનુભવતા માઁઈભક્તો
સૌરાષ્ટ્રના પ્રવેશ દ્વાર એવા સુરેન્દ્રનગર જીલ્લામાં ચોટીલા ખાતે ડુંગર પર બિરાજમાન ચામુંડા માતાજીના મંદિરે પૂનમ સહિત બારે મહિના ભક્તોની ભીડ રહે છે. પરંતુ ચૈત્રી નવરાત્રી દરમિયાન ચામુંડા માતાજીના દર્શનનું વર્ષોથી વિશેષ મહત્વ ચાલ્યું આવે છે ત્યારે આજે ચૈત્રી નવરાત્રિના પ્રથમ દિવસે વહેલી સવારથી ચોટીલા ચામુંડા માતાજીના દર્શનાર્થે ભકતોની ભીડ ઉમટી પડી હતી. માત્ર સુરેન્દ્રનગર જ નહિ પરંતુ રાજકોટ, મોરબી, પાવાગઢ, મહેસાણા, અમદાવાદ, ભાવનગર સહિત બહારના જીલ્લા અને રાજ્યમાંથી પણ ભક્તો ઉમટી પડ્યા હતા અને ચામુંડા માતાજીના ચરણોમાં શીશ ઝુકાવી દર્શન કરી ધન્યતા અનુભવી હતી. ચોટીલા ખાતે બિરાજમાન ચામુંડા માતાજી દરેક ભક્તોની મનોકામનાઓ પૂર્ણ કરે છે અને લાખો લોકોની આસ્થા અને શ્રધ્ધાનું કેન્દ્ર છે. ત્યારે ચૈત્રી નવરાત્રીમાં દર્શનાર્થે ભકતોની ભીડ જોવા મળી હતી. ચૈત્રી નવરાત્રી દરમિયાન ચામુંડા માતાજીના વિશેષ અલગ અલગ પ્રકારના શણગારમાં માતાજી પ્રાગટ્ય સ્વરૂપે દેખાતા હોવાની પણ ભક્તોમાં માન્યતા છે. ચૈત્રી નવરાત્રીના નવ દિવસ દરમિયાન અંદાજે પાંચ લાખથી વધુ લોકો ચામુંડા માતાજીના ચરણોમાં શીશ ઝુકાવશે. ચૈત્રી નવરાત્રીને પ્રથમ દિવસે જસમગ્ર માહોલ બોલો ચામુંડા માતા કી જયના નાદ સાથે ગુંજી ઉઠ્યો હતો.