અમદાવાદમાં ૭૫૦થી વધુ દિવ્યાંગ ભાઇ-બહેનોએ સાઇલન્ટ યોગા નિદર્શન કરી વૈશ્વિક ઇતિહાસ રચ્યો છે: મુખ્યમંત્રી

CM VIJAY RUPANI
CM VIJAY RUPANI

ગીનીઝ વર્લ્ડ  ઓફ રેકોર્ડની ટીમે યોગા નિદર્શનનું પરિક્ષણ કર્યુ.

મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ આજે વિશ્વ યોગ દિવસની ઉજવણી સંદર્ભે અમદાવાદ સ્થિત જી.એમ.ડી.સી. કન્વેન્શન હોલ ખાતે દિવ્યાંગજનોના યોગ નિદર્શનમાં ઉપસ્થિત રહ્યાં હતાં.

        મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ આ દિવ્યાંગોને પ્રેરણા આપતા કહ્યું કે, યોગ, વ્યક્તિના માનસિક શારીરિક આત્મિક વિકાસનો સમન્વય છે. તેમણે ગુજરાતમાં આ વિશેષ યોગ પ્રયોગને નવી પહેલ ગણાવતા ઉમેર્યુ કે,  સ્વસ્થ તંદુરસ્ત જીવનની આ  ભારતીય વિરાસતનો હવે વિશ્વ આખાએ સ્વીકાર કર્યો છે ત્યારે ગુજરાત યોગના વ્યાપક પ્રચાર પ્રસારથી એમાં પણ અગ્રેસર રહેશે.

        પોતાની શારીરિક ક્ષતિઓ બાવજુદ પણ ઉમંગભેર સહભાગી થયેલા  ૭૫૦થી વધુ દિવ્યાંગ ભાઈ બહેનોને પ્રેરણા પ્રોત્સાહન આપવા શ્રીમતી અંજલિ બહેન રૂપાણી પણ મુખ્યમંત્રીશ્રી સાથે ઉપસ્થિત રહ્યા હતા.

        મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીની ઉપસ્થિતિમાં આજે અમદાવાદ ખાતે અનોખો વિશ્વ ઇતિહાસ રચાયો. આજે વિશ્વ યોગ દિવસે ૭૫૦થી વધુ દિવ્યાંગ ભાઇ-બહેનોએ સાઇલન્ટ યોગા નિદર્શન કરી વૈશ્વિક ઇતિહાસ રચ્યો છે. આ સાઇલન્ટ યોગા નિદર્શનમાં તમામ દિવ્યાંગ બાળકોને હેડફોનથી સુસજ્જ કરવામાં આવ્યા હતાં અને તેને બ્લ્યુ ટુથથી જોડવામાં આવ્યા હતા. જેમાં હેડફોનમાં સંભળાતા માર્ગદર્શન અનુસાર યોગ નિદર્શન એક સાથે કર્યા હતા, જેનાથી મુખ્યમંત્રીશ્રી પ્રભાવિત થયા હતા.

        કાર્યક્રમ સમાપ્ત થયા પછી મુખ્યમંત્રીશ્રીએ દિવ્યાંગ ભાઇ-બહેનો સાથે સ્નેહસભર સંવાદ કર્યો હતો. આ યોગા નિદર્શનનું પરિક્ષણ કરવા માટે  ગીનીઝ વર્લ્ડ ઓફ રેકોર્ડની ટીમ પણ આવી હતી.

અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટી કન્વેન્શન સેન્ટરમાં યોજાયેલા આ વિશેષ યોગ નિદર્શનમાં દિવ્યાંગ યોગ સાધકોએ પોતાની સાંકેતિક ભાષામાં યોગ પ્રશિક્ષકના માર્ગદર્શનમાં યોગાસનો કર્યા હતા.

        મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, આપણી સંસ્કૃતિની વિરાસત એવા યોગ દિવસની સમગ્ર વિશ્વ ઉજવણી કરી રહ્યું છે પરંતુ અમદાવાદની ધરતી પર દિવ્યાંગજનો યોગમાં સહભાગી થયા તેનો વિશેષ આનંદ છે. કુદરતે આપેલી કોઇક ખોટ છતાં પણ આ દિવ્યાંગજનોએ યોગ કરીને તેમના આત્મવિશ્વાસનો પરિચય કરાવ્યો છે અને રેકોર્ડ પણ સર્જ્યા છે.

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીની યોગ માટેની અપીલને બાળ-વૃધ્ધ-ગરીબ-તવંગર-યુવાનો-મહિલાઓ એમ સમાજના દરેક વર્ગોએ પ્રતિસાદ આપ્યો છે પરંતું દિવ્યાંગજનો પણ તેમાં જોડાયા છે તે યોગ પ્રત્યેની તેમની નિષ્ઠા છે અને ભારતની વિરાસતને તેમણે ઉજાગર કરી છે તેમ જણાવ્યું હતુ.

        જિલ્લા વહીવટી તંત્ર દ્વારા યોજાયેલા આ કાર્યક્રમમાં યુવક, સેવા અને સાંસ્કૃતિક સચિવશ્રી વી.પી.પટેલ, જિલ્લા કલેકટર શ્રી ડો.વિક્રાંત પાંડે સહિત મહાનુભાવો, યોગા નિરીક્ષકો, યોગ શિક્ષકો અને નગરજનો ઉપસ્થિત રહ્યાં હતાં.