કોરોનાનો સામનો કરવામાં યથાશક્તિ યોગદાન આપતું શ્રી બોલબાલા ચેરીટેબલ ટ્રસ્ટ, સૌરાષ્ટ્રભરના 8 હજારથી વધુ દર્દીઓએ લીધો લાભ

0
48

કોરોનાનો સામનો કરવામાં યથાશક્તિ યોગદાન આપતું શ્રી બોલબાલા ચેરીટેબલ ટ્રસ્ટ 

છેલ્લા બે માસથી સતત 24 કલાક ઓક્સિજનનું વિતરણ:

8 હજારથી વધુ દર્દીઓએ લીધો લાભ 

 

સંત અને શુરાની ભૂમિ તરીકે ખ્યાતનામ સૌરાષ્ટ્રની ધરાની ઓળખ બોલબાલા ચેરીટેબલ ટ્રસ્ટે કપરા કોરોના કાળમાં પણ ઝાંખી પડવા દીધી નથી. છેલ્લા બે માસથી સંસ્થા દ્વારા સૌરાષ્ટ્રભરના 8 હજારથી વધુ દર્દીઓની ઓક્સિજનની જરૂરત સંતોષીને ટ્રસ્ટે કેટલાય પરિવારોને ખંડિત થતા બચાવ્યા છે. અને દર્દીનારાયણના આશીર્વાદ મેળવ્યા છે.

ટ્રસ્ટના પ્રમુખ જયેશભાઇ ઉપાધ્યાયે જણાવ્યું હતું કે, જિલ્લા વહીવટીતંત્રના માર્ગદર્શન હેઠળ શાપર વેરાવળ ઇન્ડસ્ટ્રીયલ એસોસીએશન અને શ્રી બોલબાલા ચેરીટેબલ ટ્રસ્ટના સંયુકત ઉપક્રમે કોરોનાના દર્દીઓને 24 કલાક ઓક્સિજન આપવાનું સેવાકાર્ય કરવામાં આવી રહયું છે. નાના મવા સર્કલ પાસેના મેદાનમાં સંસ્થાના 40 કાર્યકરો દિવસ-રાત જોયા વગર ખડે પગે દર્દીઓના સગાને દોઢ કિલો અને સાત કિલોના ઓક્સિજન સીલિન્ડર પુરા પાડે છે. આ માટે માત્ર 10 હજાર રૂ. ડીપોઝિટ તરીકે લેવામાં આવે છે. ઓક્સિજન સીલિન્ડર લેવા માટે દર્દીનું આધાર કાર્ડ અને કોરોનાનો પોઝિટિવ રીપોર્ટ જ દસ્તાવેજ તરીકે જમા લેવામાં આવે છે. હાલ સંસ્થાના 800 સીલિન્ડર વપરાશમાં છે, અને બે જ દિવસમાં ટ્રસ્ટ નવા 500 સીલિન્ડરની ખરીદી કરીવા જઇ રહયું છે, જેનાથી સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છના કોરોનાના દર્દીઓની ઓક્સિજનની જરૂરિયાત સંતોષી શકાશે.

જે દર્દીઓને ઓક્સિજન લેવલ ઘટી ગયું હોય અને તાત્કાલિક ધોરણે ઓક્સિજનની જરૂર હોય તેમને પ્રથમ પ્રાથમિકતા આપીને ઓક્સિજન સીલિન્ડર આપવામાં આવે છે. આ માટે સંસ્થાના 40 વાહનો રાત-દિવસ કામ કરી રહયા છે. મકવાણા મનસુખભાઇ અમરાભાઇ નામના દર્દીના સગા છેલ્લા 20 દિવસથી અહીંના ઓક્સિજન પર જ તેમનો જીવનદિપ ટકાવી શકયા છે જયારે ભરાડીયા મંજુબેનના સગા આજે જ બોલબાલા ચેરીટેબલ ટ્રસ્ટ ખાતેથી ઓક્સિજનનો સીલિન્ડર લઇ ગયા છે. 92 થી ઓછું ઓક્સિજન લેવલ ધરાવતા દર્દીઓ માટે ઓક્સિજન સીલિન્ડર નહીં લઇ જઇને અન્ય દર્દીઓની જરૂરિયાત માટે સીલિન્ડર ઉપલબ્ધ રાખવાની અને જરૂરિયાતના સમયે અડધી રાતે પણ ઓક્સિજન આપવાના ટ્રસ્ટના સધિયારા થકી જ ઘણા લોકો હસતા મોઢે સીલિન્ડર લીધા વગર પાછા ફરે છે. દિપકભાઇ કટકીયાના સગાને આવી જ રીતે ટ્રસ્ટ દ્વારા રાત્રે 2.30 વાગ્યે ઓક્સિજન સીલિન્ડર પૂરૂં પાડવામાં આવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here